દરરોજ સવારે છાપું ખોલતાં ની સાથે જ આપણને કોઈ ને કોઈ પાન ઉપર ગંભીર કે ગમખ્વાર અકસ્માત થયાનાં સમાચાર વાંચવા મળે છે. અકસ્માત થવો એ દુ:ખદ બાબત છે અને અકસ્માતમાં વાહનો સળગી જવાનાં, વાહનોને નુકશાન થવાનાં સંજોગો ઉભાં થાય છે. આ ઉપરાંત અકસ્માતથી સામા પક્ષને અથવા વાહન ચાલકને મોતને ભેટવાના, વાગવા, ઘવાવાના, કે શરીરના કોઈ અંગને ખોવાના સંજોગો ઉભાં થાય છે. જેની અગાઉથી જાણ હોતી નથી અને અજાણતાં જ જે બનાવ બને તેને અકસ્માત કહેવામાં આવે છે. અકસ્માત થવાનાં ઘણાં બધાં કારણો હોય શકે છે.
વાહન ચલાવવાની યોગ્ય તાલીમનો અભાવ, ટ્રાફિકના નિયમો તથા સિગ્નલોની જાણકારીનો અભાવ, વધારે પડતો આત્મવિશ્વાસ, તેજ ગતિએ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની આદત. વાહન હંકારતી વખતે આજુબાજુ ડાફોળિયાં મારવા, વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર વાતચીત કરવી. અધવચ્ચે વાહનનું ખોટકાઈ જવું. વાહનોની સમયાંતરે યોગ્ય મરામત ન કરાવવી. આ બધાં કારણોને લીધે દરરોજ અકસ્માત થવાનાં સંજોગો અને બનાવો બને છે. આ અકસ્માતો અટકાવવાનાં ભાગ રૂપે દરેક વાહન ઉત્પાદકોને કડક સૂચના આપવામાં આવે કે તેઓ પોતાના તમામ ઉત્પાદિત વાહનોની સ્પીડ લિમિટ બાંધી દે. ચાલું વાહને મોબાઈલ ઉપર વાત કરનારને જરૂરી દંડ થવો જોઈએ.
વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત કરવો જરૂરી છે. દરેક નાગરિકને ટ્રાફિકના સિગ્નલો તથા નિયમો અંગે સરકારે સમયાંતરે જાણકારી આપવી જોઈએ. સરકારે રસ્તાઓની વખતોવખત મરામત કરાવવી જોઇએ. નાની ઉંમરનાં બાળકોને વાહન ચલાવવા ઉપર પ્રતિબંધ લાદવો જોઈએ. આપણે હવે સુરક્ષિત રહેવું હશે તો આપણી જાતે જ જાગૃત થઈને અકસ્માતો રોકવાના પ્રયત્નો કરવા પડશે.
હાલોલ- યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આસપાસના લોકોની સેવા કેવી રીતે કરીએ?
આપણે આપણી આસપાસના લોકોની સેવા કેવી રીતે કરી શકીએ? આપણા જીવનને પ્રેરણાદાયી બનાવીને અને કુશળતા અને શાણપણ સાથે વાતચીત કરીને. જો ખરેખર વાતચીત કરવાની તક ન હોય તો પણ, આપણે એકબીજાની હાજરીને હકારાત્મક રીતે લેવાનું શીખી શકીએ છીએ, તેમની ભલાઈને માન આપી શકીએ છીએ અને તેમની વિશેષતાઓને આપણી પોતાની બનાવી શકીએ છીએ. આને કારણે પ્રેમ અને આદરનું વાતાવરણ ઊભું થાય છે, જે આધ્યાત્મિક અનુભવોનું આદાનપ્રદાન કરવાનું સરળ બનાવે છે. આપણે એટલા ખુશમિજાજ હોવા જોઈએ, આપણું જીવન આવાં ઉદાહરણો સાથે હોવું જોઈએ કે તેઓ કહે , “અહીં એક દેવદૂત છે”.
સુરત – સ્નેહલ જે.ગાંધી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
