નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યાં છે. ત્યારે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની 80 લોકસભા બેઠકના પરિણામ પર સૌ કોઈની નજર મંડાયેલી છે. આ વખતે ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટો પર 7 તબક્કામાં વોટિંગ થયું હતું. આ વખતે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ભેગા મળીને ચૂંટણી લડી હતી. જ્યારે બીજેપીએ નાના નાના પક્ષોને એનડીએમાં સામેલ કર્યા હતા. હવે પરિણામો આવ્યા છે ત્યારે સપા અને કોંગ્રેસનું ગઠબંધન મજબૂત બનતું દેખાઈ રહ્યું છે.
વારાણસીની બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રારંભિક રાઉન્ડમાં હરીફ ઉમેદવાર અજય રાયથી પાછળ હતા પરંતુ બાદમાં લીડ મેળવી લીધી હતી. તેઓ 11 વાગ્યે 31 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. જ્યારે કન્નોજમાં સપાના અખિલેશ યાદવ 35 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે.
અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોંગ્રેસના કિશોરી લાલ શર્માથી 10 હજાર વોટ પાછળ ચાલી રહ્યાં છે. સહરાનપુર સીટ પર કોંગ્રેસના ઈમરાન મસૂદ 30 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે. નગીના સીટ પર ચંદ્રશેખર 21 હજાર વોટથી આગળ છે. મેરઠમાં ભાજપના અરૂણ ગોવિલ 11 હજાર વોટથી આગળ ચાલી રહ્યાં છે.