પચાસ વર્ષનાં સન્નારી પેટમાં દુખાવાની ફરિયાદ સાથે આવ્યાં. ‘ચોવીસ કલાકથી સખત દુખાવો થાય છે. જરા તાવ છે અને ઊલ્ટી જેવું લાગે છે અને દુખાવાનાં ઇન્જેક્શન પણ લીધાં પણ માંડ બે કલાક રાહત થઇ!’ તેમને જોતાં જ એમને બહુ દર્દ હશે એ દેખાઈ આવતું હતું. પેટમાં ઉપરના ભાગ પર જમણી બાજુ જરા દબાવતાં એમને વધુ દુખાવો થયો. મેં એમને કહ્યું કે પિત્તાશયમાં પથરી જેવું લાગે છે અને તરત સોનોગ્રાફી માટે મોકલ્યાં. પાકું નિદાન થઇ ગયું અને એમને હોસ્પિટલમાં દાખલ કર્યાં. થોડા વખત પછી સારવારની અસર થઇ અને એમને રાહત થઇ. બીજા રિપોર્ટ પણ આવી ગયા પછી એમની અને એમના કુટુંબીઓ સાથે ચર્ચા શરૂ થઇ.
પિત્તાશયમાં પથરી શું છે?
લીવર પાચન માટે જરૂરી બાઈલ – પિત્ત બનાવે છે. ખોરાક લીધા પછી એની વધુ માત્રામાં જરૂર પડે એટલે આ બાઈલનો સંગ્રહ કરવા માટે એક નાની કોથળી હોય છે જેને પિત્તાશય અથવા ગોલ બ્લેડર કહે છે. હવે આ સંગ્રહ દરમિયાન બાઈલમાં રહેલા કચરા તરીકે ફેંકાયેલા પદાર્થો – કોલેસ્ટેરોલ અને બીલીરુબીન પડ્યા પડ્યા જામી જાય ત્યારે પથરી બને છે. અમે ભણતાં ત્યારે સર્જરીની ચોપડીઓમાં એવું લખાણ આવતું કે ફેટ, ફર્ટાઈલ, ફિમેલ ઓફ ફોર્ટી હોય તો આ વિચારવું – ચાળીસની ઉપરની વધારે વજન ધરાવતી માતાઓમાં આ સંભાવના વધુ છે.
તો આ પહેલેથી ખબર કેવી રીતે પડે?
ઘણા દર્દીઓને કોઈ તકલીફ હોતી નથી અને જનરલ ચેકઅપ દરમિયાન ખ્યાલ આવે છે એટલે અમુક ઉંમર પછી જનરલ ચેકઅપ કરાવતા રહેવું સલાહભરેલું છે. ખાસ કરીને જો તમે આગળ કહ્યું એમ અમુક સમયે પથરી ખસીને કોઈ નળી બ્લોક કરે તો દર્દીને સખત દુખાવો થઇ શકે. એમાં ઇન્ફેક્શન પણ થાય એટલે તાવ આવી શકે. ઊલ્ટી થાય અને થોડાં લોકોને કમળો થાય એટલે પિશાબ અને આંખ પીળા થાય. પેટ ખરાબ છે કે છાતીમાં બળતરા થાય છે એવી તકલીફ સાથે પણ દર્દી આવી શકે.
તેની સારવાર શું? દવાથી પથરી નીકળી જાય?
જેને કોઈ ચિહ્નો નથી એમને કોઈ સારવારની તાત્કાલિક જરૂર નથી. જેમને વારે વારે દુખાવો થાય કે ઇન્ફેક્શન કે કમળો જેવી તકલીફ થાય એમને સારવારની જરૂર પડે છે. પહેલા ઇન્ફેક્શન અને દુખાવા માટે એન્ટિબાયોટિક દવાઓ અને દર્દનિવારક દવાઓ આપવામાં આવે છે. જો પથરી બાઈલ ડક્ટમાં હોય તો એન્ડોસ્કોપી દ્વારા કાઢી શકાય છે પણ પછીથી ગોલ બ્લેડર – પિત્તાશય કાઢી નાખવામાં આવે છે. કોઈક વખત બહુ નાની પથરી હોય તો બાઈલ ડક્ટ દ્વારા આંતરડામાં જતી રહે છે પણ મોટા ભાગે ઓપરેશનની જરૂર પડે છે. લગભગ આ ઓપરેશન દૂરબીન દ્વારા – લેપ્રોસ્કોપીથી થઇ શકે છે એટલે લાંબું રહેવું પડતું નથી.