Charchapatra

પ્રોવિડન્ટ ફંડ પેન્શનરોનું શું?

અંદાજપત્રમાં અને બહાર કરોડો અને અબજો રૂપિયાની લ્હાણી કરનાર કેન્દ્રની ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળની સરકાર એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડના પેન્શનરોને ભૂલી ગઈ તે માત્ર આશ્ચર્યજનક નથી, આઘાતજનક પણ છે. પ્રોવિડન્ટ ફંડમાં જમા થયેલી રકમમાંથી અડધી રકમ સરકાર પોતાની પાસે રાખે અને તેમાંથી પેન્શન ચૂકવે એવી યોજના 95 ની સાલમાં ફરજિયાત અમલમાં લાવીને નિવૃત્ત થતા લોકોને સરકારે બાનમાં રાખ્યા.

આ સંજોગોમાં પેન્શનરોને સન્માનપાત્ર પેન્શન મળે એ જોવાની જવાબદારી સરકારની બને છે, કમનસીબે આજે પણ રૂપિયા 1200 થી 1500 અને 1800ની રકમનું પેન્શન મેળવનારા મરવાને વાંકે જીવી રહ્યા છે. જેને પેન્શન સિવાય બીજી કોઈ આવક નથી એવા પેન્શનરોને જે રકમ મળે છે તેમાંથી મહિને એક વાર ચા નાસ્તો પણ થઈ શકે નહીં. વૃદ્ધાવસ્થામાં બીમારી અને અન્ય ખર્ચા આવે તેમાં કેવી રીતે પહોંચી શકાય!? પોતાની વૉર્ડ મિટિંગમાં કલાકે પાંચ દસ હજારનો ખર્ચ કરી નાખનાર ભારતીય જનતા પક્ષ પોતાને ભારતીય જનતાનો પક્ષ કહેવડાવે છે અને એના જ રાજમાં પેન્શનરો મારવાને વાંકે જીવે છે એ વિચિત્ર નથી લાગતું?
સુરત     – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

મોનાનો મહિમા અપરંપાર
‘સુંદર છોકરીઓ ગરીબ ઘરોમાં જન્મે છે. ‘કથ્થઈ આંખોવાળી છોકરીની આંખો છે કે સમંદર’ 26મી જાન્યુઆરીના ‘ગુજરાતમિત્ર’ની રવિવારીય પૂર્તિમાં ‘ફાયરવોલ’ નામની કોલમમાં ઇન્દોર જેવી સ્વચ્છ નગરીની એક સામાન્ય ઘરની મોના નામની દીકરી માટે એની વિશેષ નોંધ લીધી છે. એની રંગીન તસ્વીર સાથે તેઓ કુંભમેળામાં રુદ્રાક્ષની માળા વેચતી છોકરી માટે લખે છે કે આવતાં જતાં લોકો આ છોકરીની આંખો જોઇને ઘડીભર થંભી જાય છે અને એની પાસેથી માળા ખરીદવા પડાપડી કરે છે. એના મીઠા મધુરા સ્વભાવને કારણે એના ધંધામાં તેજી આવી ગઇ છે.

લોકો એની સાથે સેલ્ફી પડાવે છે. લોકો એની સરખામણી સ્વર્ગની અપ્સરા સાથે કરે છે. ખુદ આ મોના નામની દીકરી અચંબામાં પડી ગઇ છે. લોકો મારી પાછળ આટલાં બધાં પાગલ કેમ થઇ ગયાં છે. મંગળવારની હાસ્ય કોલમના લેખકે પણ એની ‘મંગલમસ્તી’ કોલમમાં નોંધ લીધી છે. મોના નામને કારણે એની સરખામણી મોનાલીસા સાથે કરી છે. દેશ અને દુનિયામાં આ છોકરી રાતોરાત પ્રખ્યાત થઇ ગઇ છે. કદાચ હવે પછી બોલિવુડવાળા પણ એના દરવાજે લાઇન લગાવે તો નવાઇ નહીં. કુંભમેળાની આ સરસ મજાની છોકરી એના સ્વભાવ સંસ્કારથી એના રંગ રૂપથી લોકો હજુ ધરાયાં નથી. કુંભમેળાની દુ:ખદ ઘટના સાથે આ સુખદ ઘટના પણ યાદ રહી જવાની.
સુરત     – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top