Charchapatra

વગોવાય છે ગુજરાત!

વિશ્વભરમાં સત્યનાં પૂજારી તરીકે જાણીતા મો.ક.ગાંધી- મહાત્માની પદવી પામી અમર થઇ ગયા. પૂજનીય કક્ષાએ પહોંચેલા ગાંધીનાં ગુજરાતની  ગૌરવશાળી ગાદીને કેટલાક લેભાગુઓએ ખાદીનાં વેશમાં બદનામ કરી, ગાદી પચાવી પાડવાનાં પેંતરા રચીને પાવરદાર બની બેઠા પછી જે ઘટનાઓ ગુજરાતમાં બનતી રહી એના વિવરણ જણાવવાની જરૂર ખરી? કહેવાય છે એમ નીતિ-નિયમો નેવે મૂકોને તમતમારે… રાજ કરો, ભલેને પછી ધર્મને રાજકારણમાં પ્રવેશવાં દેવું પડે કે રાજકરણીઓના હાથમાં ધર્મની ધજાઓ પકડાવવી પડે. આખરે નડતરોને દૂર કરો, પડતરોનો ભરપુર ઉપયોગ કરો.

ગુજરાતની પ્રજાને હવે તો કંઈ જ સમજાતું નથી. એક પછી એક બનતી ઘટના પાછળ લોકમાનસને પરાણે ફેરવતા રહેવાનો ઈલમ શું મળ્યો? કોઈ પણ સારીનરસી જાહેર ચર્ચાઓનું આયુષ્ય કહો કે, અંત ક્યારેય કોઈ સંત સુધ્ધા નથી કહી શકતા એવા કપરા અને ગૂઢ રહસ્યો આપણા ગુજરાતનાં નામદારો પળવારમાં ઉકેલી આપે છે. આશા રાખીએ ગાંધીના ગુજરાતમાં હવે કોઈ આંધી નહીં ઉઠે.
સોનીફળિયા, સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તુટતાં બ્રિજ સાથે અમારી આસ્થા-ભક્તિ પણ તૂટી રહી છે
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં  જેટલા બ્રિજો તૂટી પડ્યા છે  દેશમાં આવા બીજા ઘણા બ્રિજો જર્જરીત  હાલતમાં છે, બ્રિજો બાંધવામાં કટકી થઈ હોય ત્યારે જ બ્રિજોની આવી દશા થાય એ દેખીતી વાત છે. પુલો ક્યારેય અચાનક તુટતા નથી પરંતુ પુરતું મેઈન્ટેન્સ ન મળવાને કારણે કે ક્ષમતા કરતા વધારે  વજન વહન થતું હોવાનાં કારણે નબળા બનેલા બ્રિજો એક પછી એક તુટતા રહે છે. રોડ ધોવાઈ જવાનાં અને બ્રિજો તૂટી પડવાના આવા અગણીત બનાવો તપાસનો વિષય તો બને જ છે.  હું વર્ષોથી ભગવા રંગે રંગાયેલો છું.

ગુજરાતમાં ભાજપ સરકાર લાવવામાં અને તેને ટકાવવામાં મારા જેવા અનેક ભાજપ પ્રેમીઓયે સહકાર આપ્યો છે. ઘર તંત્ર ચલાવવામાં તકલીફ પડવાં છતાં અસંખ્ય ટેક્સો ભર્યા પછી પણ પ્રજાને પાયાની જરૂરિયાતનાં આવા જ જર્જરીત રોડ રસ્તાઓ મળતા હોય અને બ્રિજો તુટવાનાં બનાવો બનતાં હોય તો પછી અમારી આસ્થા પણ હવે  મજબૂર થઇ શકે છે ભ્રષ્ટાચારથી કોષો દૂર ભાજપ સરકારમાં હવે લુણો લાગ્યો હોય તેવી શક્યતા સ્વિકારવા મજબૂર થવું પડે તેવું વાતાવરણ તૈયાર થઈ ચુક્યું હોય તેવું લાગી રહ્યુ છે.
સુરત     –   વિજય તુઇવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top