લોકડાઉન બાદ સુરતથી અનેક સ્થળોએ અપડાઉન કરતા હજ્જારો લોકો સાથે પશ્ચિમ રેલવે દ્વારા અન્યાય કરવામાં આવ્યો હતો. સ્પેશ્યલ અને સુપરફાસ્ટ ટ્રેન તો શરૂ કરી પરંતુ મેમુ ટ્રેન શરૂ નહીં કરતા હજ્જારો મુસાફરો અટવાયા હતા. આ બાબતે ‘ગુજરાતમિત્ર’ દ્વારા મુંબઇના અધિકારીઓની બેદરકારી અને પ્રજા વિરુદ્ધ વર્તનનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ હવે વેસ્ટર્ન રેલવેએ તા. 16મી ઓગષ્ટથી સુરત-વડોદરા, ઉધના-નંદુરબાર અને સુરત-સંજાણ સહિતની મેમુ ટ્રેનો શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. જેના લીધે હવે હજારો પેસેન્જરોને સીધો જ ફાયદો થશે. અંદાજે બે વર્ષ બાદ આ ટ્રેનો પૂર્વવત શરૂ થશે.
પ્રાપ્ત માહિતી મુજબ, રેલવે દ્વારા સુરત-વડોદરા મેમુ 18મી ઓગસ્ટથી શરૂ થઇ જશે, આ ટ્રેન સુરતથી બપોરે 3.55 વાગ્યે ઉપડશે અને 7.20 વાગ્યે વડોદરા પહોંચશે. આવી જ રીતે ભરૂચ-સુરત મેમુ ભરૂચથી બપોરે 3.50 વાગ્યે ભરૂચથી ઉપડશે અને 5.20 વાગ્યે સુરત પહોંચશે. સુરત-સંજાણ મેમુ 16મી ઓગસ્ટથી દોડાવવામાં આવશે.
આ ટ્રેન સુરતથી સાંજે 5.25 વાગ્યે ઉપડશે અને રાત્રે 8.35 વાગ્યે સંજાણ પહોંચશે. સુરત-નંદુરબાર મેમુ પણ 17મીથી શરુ કરી દેવામાં આવશે. આ ટ્રેન સુરતથી 6.15 વાગ્યે ઉપડશે અને રાત્રે 10.30 વાગ્યે નંદુરબાર પહોંચશે. ઉધના-પાલધી મેમુ પણ 17મીથી પાટે ચડી જશે આ ટ્રેન બપોરે 12.45 વાગ્યે ઉપડશે અને 8.15 વાગ્યે પાલધી પહોંચશે. રેલવે દ્વારા આ સિવાય પણ મુંબઈ, વડોદરા, અમદાવાદ અને અન્ય રેલવે સ્ટેશનોથી ઉપડતી મેમુ ટ્રેનો શરુ કરી દીધી છે