સુરત: પશ્ચિમ રેલવેએ દિવાળી પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત તો કરી પરંતુ રૂટ જાહેર નહીં કરતા પરપ્રાંતિય પ્રવાસીઓ હેરાન થઈ રહ્યા છે. કારણ કે દિવાળીને હવે એક મહિનાથી પણ ઓછો સમય છે લાખો પ્રવાસીઓને તેમના વતન જવા માટે હાલ કોઈ સુવિધા દેખાતી નથી. રેલવે તંત્ર છેલ્લી ઘડીએ ટ્રેનોની જાહેરાત કરે છે.
- હજી સુધી માત્ર ઉધના-બરૌની અને અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેનની જાહેરાત કરી છે
- ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિએ સુરતથી વધુ ટ્રેનો દોડાવવા માંગ કરી
વર્ષ 2023ના દિવાળી વેકેશનમાં ઓછી ટ્રેનોના કારણે સુરત રેલવે સ્ટેશન પર દોડધામ મચી ગઈ હતી. તેના કારણે એક પ્રવાસીનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. ત્યાર બાદ માત્ર 4 દિવસમાં 10 થી વધુ ટ્રે્નો દોડાવી હતી. આ વર્ષે પણ રેલવેએ પહેલાથી સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી છે. પરંતુ ટ્રેનોના રૂટ જાહેર નથી કર્યા.
સુરતથી લાખો પ્રવાસીઓ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને રાજસ્થાન જતા હોય છે. સુરત રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી. જો કે આ વખતે રેલવેએ ટ્રેનો દોડાવવાની જાહેરાત તો કરી પરંતુ રૂટ જાહેર કર્યા નથી. તેથી પ્રવાસીઓને હેરાન થવાનો સમય આવે છે.
રૂટ અને ટ્રેનની જાહેરાત ન કરતા પ્રવાસીઓ બુકિંગ કરી શકતા નથી. છેલ્લી ઘડીએ બધી ટ્રેનો જાહેર કરે તે પહેલા પ્રવાસીઓ બ્લેકમાં ટીકીટ લઈ લેતા હોય છે. બીજી તરફઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિએ સુરતથી ભુસાવલ થઈને અયોધ્યા કેન્ટ, સુરતથી વડોદરા થઈને કિશનગંજ, સુરતથી વડોદરા થઈને રાંચી, સુરતથી ભુસાવલ થઈને સમસ્તીપુર અને સુરતથી વડોદરા થઈને ગોંડા સુધી દોડાવવાની માંગ કરી છે.
ઉત્તર ભારતીય સંઘર્ષ સમિતિના કાર્યકારી સંયોજક નરેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે 26 ઓક્ટોબર 2024થી 10 નવેમ્બર 2024 સુધી પ્રવાસીઓની ભારે ભીડ છે. પાંડેસરામાં રહેતા ધર્મેશ મિશ્રાએ જણાવ્યું હતું કે તેમને દિવાળીના વેકેશનમાં જોનપુર જવું છે પરંતુ કોઈ ટ્રેનમાં હાલ જગ્યા નથી. રેલવેએ ટ્રેન દોડાવવાની જાહેરાત તો કરી પરંતુ કઈ ટ્રેન ક્યાંથી ક્યાં સુધી જવાની તેની જાહેરાત કરી નથી.