સુરત: પ્રવાસીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ (Western Railway) વડોદરા-હરીદ્વાર (Vadodara Haridwar Train) વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન (Summer Special Train) દોડાવવાની જાહેરાત કરી છે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 09129-09130 વડોદરા-હરીદ્વાર સુપરફાસ્ટ સમર સ્પેશિયલ એક્સપ્રેસ પ્રત્યેક શનિવારે વડોદરાથી સાંજે 19.00 વાગે રવાના થઈને બીજા દિવસે બપોરે 14.30 વાગે હરીદ્વાર પહોંચશે.
તેમજ પરત ફરતા આ ટ્રેન પ્રત્યેક રવિવારે સાંજે 17.20 વાગે હરીદ્વારથી રવાના થઈને બીજા દિવસે સવારે 11.25 વાગે વડોદરા પહોંચશે. આ ટ્રેનના 16 ફેરા હશે. આ ટ્રેન 6 મેથી 25 જૂન સુધી દોડશે. આ ટ્રેન બંને દિશામાં ગોધરા, દાહોદ, રતલામ, કોટા, ગંગાપુર સિટી, મથુરા, હજરત નિઝામુદ્દીન, ગાઝિયાબાદ, મેરઠ સિટી, મુઝફ્ફરનગર, ટપરી અને રૂરકી રેલવે સ્ટેશને થોભશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ઉનાળું વેકેશન દરમિયાન મુસાફરો વતનમાં જતા હોય છે જેના કારણે રેલવે સ્પેશિયલ ટ્રેન દોડાવે છે.
મુસાફરોનો ધસારો વધતાં સુરત-ઉધના રેલવે સ્ટેશન પર બુકિંગ કાઉન્ટર વધારાયા
સુરત: સમર વેકેશનમાં પ્રવાસીઓની અવર-જવર વધી જતા સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. પ્રવાસીઓની ટ્રેનમાં બેસવા માટે 12-12 કલાક લાઈનમાં ઊભા રહેવું પડે છે. ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે છેલ્લી ઘડીએ લોકો પડાપડી કરતા હોવાથી અવ્યવસ્થા સર્જાઈ રહી છે.
તેને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર ભીડને કાબૂમાં લેવા માટે કેટલાક પગલા લીધા છે. તેમાં આરપીએફના જવાનોની સંખ્યા વધારાઈ છે, બુકિંગ કાઉન્ટર વધારાયા છે. અહીં ખાસ નોંધનીય છે કે પશ્ચિમ રેલવે અન્ય શહેરોથી સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવે છે જ્યારે સુરત અને ઉધનાથી નામ માત્રની ટ્રેનો શરી કરીને માત્ર આરપીએફના ભરોસે પ્રવાસીઓની ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ રેલવે કરી રહ્યું છે.
પશ્ચીમ રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર સમર વેકેશનમાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ હોય છે. ભીડના કારણે અવ્યવસ્થા સર્જાય છે. તેથી રેલવે કેટલાંક પગલાં લીધા છે તેમાં સુરત રેલવે સ્ટેશન પર બુકિંગ કાઉન્ટરોની વધારાની શિફ્ટ ચલાવાઈ રહી છે.
વધારાના બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ભીડ પર નજર રાખવા માટે વધારાના અધિકારીઓની નિયુક્તી કરવામાં આવી રહી છે. આરપીએફના વધારાના કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. જે સુરત-ઉધના રેલવે સ્ટેશનો પર ભીડ પર નજર રાખશે અને પ્રવાસીઓ ટ્રેનમાં સારી રીતે અને સરળતાથી બેસી શકે તેની વ્યવસ્થા કરશે.
ઉપરાંત રેલવેના અધિકારીઓ વેઇટિંગ લીસ્ટ પર નજર રાખી રહ્યા છે. તેના આધારે ટ્રેનોમાં વધારાના કોચ અને નવી ટ્રેનોની સંભાવના જોઈ શકાય છે. સીસી કેમેરાથી પણ રેલવે સ્ટેશન પર નજર રાખવામાં આવી રહી છે.