કોઈ પણ દેશનું ભૂપૃષ્ઠ તેની આગવી નૈસર્ગિક વિશેષતા હોય છે. ભૂપૃષ્ઠની સીધી અસર જે તે વિસ્તારની આબોહવા પર પડતી હોય છે. લોકોની જીવનશૈલી અને આચારવિચાર ઘડવામાં પણ આ બાબતનું ઘણું પ્રદાન રહેલું છે. હિમાલયની આપણા દેશના ઉત્તર ભાગના હવામાન પર ગાઢ અસર છે, તો દેશના દક્ષિણ દ્વીપકલ્પના હવામાનને પૂર્વ ઘાટ અને પશ્ચિમ ઘાટ તેમજ હિન્દી મહાસાગર, બંગાળનો ઉપસાગર તથા અરબી સમુદ્ર પ્રભાવિત કરે છે. આ નૈસર્ગિક સંપત્તિ સાથે વિકાસના નામે જે ચેડાં થઈ રહ્યાં છે તેની વિપરીત અસર દેખાવાનો આરંભ થઈ ગયો છે, પણ તેમાંથી કશો ધડો લેવાને બદલે આ દોટ આગળ ને આગળ વધી રહી છે. જૈવવિવિધતાની દૃષ્ટિએ અતિ સમૃદ્ધ ગણાતા પશ્ચિમ ઘાટ પર વિકાસની અનેક અવળી અસર થઈ રહી છે.
ગુજરાતથી કેરલ સુધી કુલ છ રાજ્યોમાં પશ્ચિમ ઘાટ પથરાયેલો છે અને સૌથી વધુ વર્ષા ધરાવતો પ્રદેશ ગણાય છે. દ્વીપકલ્પ વિસ્તારની મોટા ભાગની નદીઓનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ ઘાટમાં છે. કહી શકાય કે દક્ષિણ ભારતનો સંપૂર્ણ જળનિકાલ પશ્ચિમ ઘાટથી નિયંત્રિત થાય છે. જૈવવિવિધતા ધરાવતા આ વિસ્તારમાં અનેક અભયારણ્ય છે અને અહીં થતી વન્ય તેમ જ ખેતપેદાશોનો અહીંના અર્થતંત્રમાં ઘણો ફાળો છે. તાજેતરનાં વરસોમાં આ વિસ્તારમાં ભારે વરસાદ અને તેને પગલે નદીઓમાં આવેલા વિનાશકારી પૂરનું પ્રમાણ વધવા માંડ્યું છે. ‘નેશનલ સેન્ટર ફોર અર્થ સાયન્સ સ્ટડીઝ’(એન.સી.ઈ.એસ.એસ.)ના વિજ્ઞાનીઓએ તેને પગલે હાથ ધરેલા અભ્યાસમાં તારવ્યું કે પશ્ચિમ ઘાટના સંરક્ષણના પ્રયાસોમાં શિથિલતા રાખવામાં આવશે તો ભવિષ્ય માટે તે અત્યંત વિનાશકારી સાબિત થશે.
હકીકતમાં આ વિસ્તારમાં સતત ચાલતી રહેતી વિવિધ ભૂગતિવિધિઓને લઈને ભૂસ્ખલનનો ખતરો સતત વધી રહ્યો છે. આ ઉપરાંત પણ બીજાં અનેક કારણો જવાબદાર છે. આથી પશ્ચિમ ઘાટના સંરક્ષણ માટે ગાડગીલ સમિતિ અને કસ્તૂરીરંગન સમિતિ રચવામાં આવી. આ સમિતિ દ્વારા વિવિધ ભલામણો કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પશ્ચિમ ઘાટને થતા પર્યાવરણીય નુકસાનને અટકાવવાનો છે. આ અંગેનો મુસદ્દો ૨૦૧૮ માં જારી કરવામાં આવ્યો હતો, જેની અવધિ ગત ડિસેમ્બરની ૩૧ મી એ સમાપ્ત થઈ છે. વિવિધ રાજ્યોએ આ ભલામણો બાબતે વાંધા રજૂ કરતાં પાંચમી વખત તેની અવધિ લંબાવાઈ છે અને ૩૦ મી જૂન રાખવામાં આવી છે. જો કે, ત્યાં સુધીમાં વાંધાનો નિકાલ આવશે કે કેમ એ કહી શકાય એમ નથી.
આ ભલામણોનો સૌથી વધુ વિરોધ કેરલ અને કર્ણાટકને છે. તેમની વાત માનીને કેન્દ્ર સરકારે કેવળ અવધિ લંબાવી છે, પણ કશો નિર્ણય લેવાનું ટાળ્યું છે. કસ્તૂરીરંગન સમિતિએ પશ્ચિમ ઘાટના ૫૬,૮૨૫ ચો.કિ.મી. વિસ્તારને પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્ર (એન્વાયર્નમેન્ટ સેન્સિટીવ ઝોન- ઈ.એસ.ઝેડ.) ઘોષિત કરવાનું સૂચન કર્યું છે. એનો અર્થ એ કે આટલા વિસ્તારમાં કોઈ પણ જાતની માનવગતિવિધિ હાથ ધરી નહીં શકાય. કર્ણાટક પોતાના સૂચિત ૨૦,૬૬૮ ચો.કિ.મી. વિસ્તારમાંથી ૬,૫૦૦ ચો.કિ.મી. વિસ્તારને અને કેરલ ૯,૯૯૩ ચો.કિ.મી. વિસ્તારમાંથી ૧,૩૩૭ ચો.કિ.મી. વિસ્તારને આ જોગવાઈમાંથી બાકાત કરાવવા ઈચ્છે છે. કેરલની નિસ્બત વધુ ઊંચાઈ પર આવેલા આવાસોના અસરગ્રસ્ત થવા અંગેની છે, જ્યારે કર્ણાટકની નિસ્બત ‘વિકાસકાર્યો’ને લગતી છે. વિકાસકાર્યોનો અર્થ આ વિસ્તારમાં સતત થતા રહેતા ખનન અને જમીનના સૂચિત ઉપયોગને બદલે ‘અન્ય’ ઉપયોગ કરવો એમ થાય છે. કર્ણાટકના મુખ્યમંત્રી બોમ્માઈઍ જણાવ્યું હતું કે તેમના મંત્રીમંડળે ‘વિકાસ’ અને લોકોની આજીવિકાના હિતમાં કસ્તૂરીરંગન સમિતિના અહેવાલનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે જૈવવિવિધતાની દૃષ્ટિએ પશ્ચિમ ઘાટ કેવળ ભારતનું જ નહીં, વિશ્વભરનાં કુલ આઠ મહત્ત્વનાં સ્થળો પૈકીનું એક છે.
દરમિયાન ખેડૂતોની કેરલસ્થિત સ્વૈચ્છિક સંસ્થા ‘કર્ષક શબ્દમ’ દ્વારા આ મુસદ્દાને ગેરબંધારણીય ગણાવીને તેની વિરુદ્ધ સર્વોચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં ગાડગીલ સમિતિ તેમજ કસ્તૂરીરંગન સમિતિની ભલામણોનો અમલ ન કરવા માટેની માંગણી કરવામાં આવી છે, કેમ કે, કેરલના બાવીસ લાખ લોકો તેનાથી અસરગ્રસ્ત થશે અને કેરલનું અર્થતંત્ર પાંગળું બની જશે એમ તેમાં જણાવાયું છે. પશ્ચિમ ઘાટમાં વસવાટ કરતા, સરકારી ધારાધોરણ અનુસાર ખેતી કરતા લોકોને ખોટી રીતે ‘જૈવવિવિધતાના વિનાશક અને પર્યાવરણના નુકસાનના એજન્ટ’ ગણાવી દેવામાં આવ્યા હોવાનો અને છ યે રાજ્યોમાં થઈને પચાસ લાખ લોકો તેનાથી અસરગ્રસ્ત થતા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ લોકો માટે સાવ જુદો જ માપદંડ અપનાવવાની ભલામણ કરવામાં આવી છે. આમ, એક તરફ રાજ્ય સરકારો પોતાના સ્વાર્થમાં સમિતિની ભલામણોને અપનાવવાનો ઈનકાર કરી રહી છે, જ્યારે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાએ જુદાં કારણોસર તેનો વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે આ બાબતે કોઈ સ્પષ્ટ વલણ લેવાને બદલે અવધિ લંબાવવાનો, ‘નરો વા કુંજરો વા’ જેવો પોતાને માટે સલામત માર્ગ અપનાવ્યો હોવાનું દેખાઈ આવે છે.
ગાડગીલ સમિતિ અને કસ્તૂરીરંગન સમિતિની ભલામણોમાં કેટલાક વિરોધાભાસ અવશ્ય છે. આમ છતાં, તેનો મૂળભૂત હેતુ પશ્ચિમ ઘાટના સંરક્ષણનો છે. પર્યાવરણની ખરેખરી નિસ્બત રાખવાને બદલે વિકાસનું રાજકારણ આગળ નીકળી જાય છે. આને લીધે એમ જણાય છે કે ભલે થોડે મોડેથી, પણ ‘વિકાસ’ થઈને રહેશે. પર્યાવરણ અને જૈવવિવિધતાને થતા નુકસાનનો ભોગ આપણે જ બનવાનું છે. એમાં બનતું આવ્યું છે એમ વિકાસનાં ફળ કોઈક ભોગવશે અને વિનાશનો ભોગ બીજું કોઈ બનશે. પર્યાવરણ અને પ્રકૃતિ બહુ અઘરા માર્ગે પાઠ ભણાવે છે. આમ છતાં, આપણે એ શીખવા માંગતા નથી, તેથી એ બાબતે અફસોસ સુદ્ધાં કરવાનો અર્થ નથી.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.