નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની (West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે એક એવું બયાન આપ્યું છે જેના કારણે રાજકારણ ગરમાયું છે. તેઓએ શનિવારના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ પોતાની જાન આપી દેશે પણ દેશને બે ભાગમાં વહેંચાવા દેશે નહિં. આ ઉપરાંત તેણે આજે ઈદ (Eid) નિમિત્તે કલકત્તામાં રેડ રોડ પર ઈદની નમાજ પઢવા આવેલા લોકોની વચ્ચે તેઓને સંબોધિત કરી તેમજ કોઈ પણ પાર્ટીનું નામ લીધા વગર ભાજપ (BJP) પર નિશાન સાધતા કહ્યું હતું કે એક ગદ્દાર પાર્ટી છે જેને આપણે હરાવાની છે.
મમતાએ વધારામાં કહ્યું કે અમે બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમને રમખાણો નથી જોઈતા. અમે નથી ઈચ્છતાં કે દેશ બે ભાગોમાં વહેંચાઈ જાય. તેણે વધારામાં કહ્યું કે જે લોકોએ દેશને વહેંચ્વો છે તે લોકોને ઈદના તહેવાર પર હું કહેવા માગું છું કે હું મારી જાન પણ આપી દઈશ પણ દેશને બે ભાગમાં વહેંચવા નહિં દઉં. મમતાએ લોકોને કહ્યું કે તમામ લોકો શાંતિ જાળવી રાખે અને કોઈની વાત ન સાંભળે. એક ગદ્દાર પાર્ટી છે જેની સામે આપણે લડવાનું છે. સરકાર કેન્દ્રિય એજન્સીઓનો ખોટો રીતે ઉપયોગ કરી રહી છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મમતાએ કહ્યું મારે એ એજન્સીઓ સામે પણ લડવાનું છે કારણકે મારામાં એટલી તાકાત છે અને હું ઝૂકવા માટે તૈયાર નથી.
મમતા બેનર્જીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે ‘કેટલાક લોકો ભાજપ પાસેથી પૈસા લે છે અને કહે છે કે તેઓ મુસ્લિમ વોટબેંકને વહેંચી દેશે, હું તેમને કહેવા માંગુ છું કે તેમનામાં મુસ્લિમ વોટબેંકને વહેંચવાની હિંમત નથી. આ મારું તમને વચન છે કે આવતા વર્ષે ચૂંટણી છે, ચાલો જોઈએ કે કોણ ચૂંટાય છે અને કોણ નહીં. બેનર્જીએ કહ્યું કે જો લોકશાહી ખતમ થઈ જશે તો બધું ખતમ થઈ જશે. આજે બંધારણ બદલાઈ રહ્યું છે, ઈતિહાસ બદલાઈ રહ્યો છે. તે લોકો NRC લઈને આવ્યા હતા. હું તેમને કહેવા માંગુ છું કે હું તેમને આવું કરવા નહીં દઉં.
આ ઉપરાંત એનઆરસીના મુદ્દાને લઈને મમતાએ કહ્યું કે અમુક લોકો તેને લાગુ કરવા માંગે છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. કોઈનું નામ લીધા વિના મમતાએ કહ્યું કે નેતા એ છે જે વિભાજનની વિરુદ્ધ જઈને બધાનું ધ્યાન રાખે. પરંતુ તેઓ અમને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. હું અલ્લાહને પ્રાર્થના કરું છું કે તેની દાદાગીરી અને જુલમ બંધ થાય. મમતા અહીં જ ન અટકી, તેણીએ કહ્યું કે તેઓ કહે છે ઠોક દો, ઠોક દો…. અરે શું ઠોક દો? અમે એક થઈશું તો તમારી ખુરશી જતી રહેશે.