ભારતીય ક્રિકેટ ટીમ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થઈ ગઈ છે. ૨ ઓક્ટોબરે અમદાવાદમાં પહેલી ટેસ્ટ રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પોતાની પહેલી ઇનિંગમાં ૧૬૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં ૨ વિકેટે ૧૨૧ રન બનાવ્યા હતા. દિવસની રમતના અંતે કેએલ રાહુલ ૫૩ અને કેપ્ટન શુભમન ગિલ ૧૮ રન પર બેટિંગ કરી રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ ૩૬ રન અને સાઈ સુદર્શન માત્ર ૭ રન બનાવીને આઉટ થયા હતા.
ભારત આવતા પહેલા વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે પોતાની છેલ્લી ટેસ્ટ ઈનિંગમાં ૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પછી યુએઈમાં જ્યારે ભારત એશિયા કપ જીતવા જઈ રહ્યું હતું ત્યારે વેસ્ટ ઈન્ડિઝની ટી૨૦ ટીમ શિખાઉ નેપાળ સામે હારી ગઈ. ભારતને આટલી નબળી ટીમ સામે રમતા કેમ જોવું? અમદાવાદના ક્રિકેટ ચાહકો પણ કંઈક આવું જ વિચારી રહ્યા હશે. એટલા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત-વેસ્ટ ઈન્ડિઝ પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ૧૦,૦૦૦ થી ઓછા લોકો જોવા આવ્યા હતા જોકે સ્ટેડિયમની ક્ષમતા આશરે ૧.૨૫ લાખ છે.
વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોસ્ટન ચેઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટોસ સમયે ચેઝે કહ્યું કે તે ભારતીય પીચો પર ચોથી ઇનિંગમાં બેટિંગ કરવા માંગતો નથી કારણ કે રમત આગળ વધતાં સ્પિનરોનું વર્ચસ્વ વધે છે. પરંતુ પ્રથમ 10 ઓવરમાં એ સ્પષ્ટ થઈ ગયું કે ચેઝે પીચની ઝીણવટ સમજી ન હતી. લાલ માટી પર લીલા ઘાસનો એક સ્તર રહી ગયો હતો અને રમતના પહેલા કલાકમાં જ આ ઘાસે તેની અસર કરી.
સ્પિનરોથી ડર્યા વિના વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ઝડપી બોલરો સામે ઝઝૂમવાનું શરૂ કર્યું. 10 ઓવરમાં સ્કોર 39 રન સુધી પહોંચી ગયો હતો અને ત્યાં સુધીમાં ત્રણ ખેલાડીઓ મેદાન છોડી ગયા હતા.
લંચ સુધીમાં વેસ્ટ ઈન્ડિઝના પાંચ બેટ્સમેન આઉટ થઈ ગયા હતા. પ્રથમ સત્ર પછી સ્કોર 90/5 હતો. પોતાના સમયમાં ભારતીય બોલરો માટે ખતરો બની ગયેલા શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેગનારાયણ ચંદ્રપોલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં. જોન કેમ્પબેલ પણ માત્ર 8 રન બનાવીને આઉટ થયા. વેસ્ટ ઈન્ડિઝના ભવિષ્યના સ્ટાર ગણાતા એલિક એથેનાસે, બ્રાન્ડન કિંગ અને શાઈ હોપ બે આંકડા સુધી પહોંચ્યા પરંતુ ઇનિંગને આગળ વધારી શક્યા નહીં.