એશિયા કપની ટ્રોફી જીત્યાના ચોથા જ દિવસે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહેલી ટેસ્ટ મેચમાં પ્રવાસી ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે ઉંધો પડ્યો હતો.
ગિલ બ્રિગેડ સામે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો નબળા સાબિત થયા હતા. બે સેશન પણ ટકી શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ માત્ર 162 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજે ચાર વિકેટ લીધી છે, જ્યારે બુમરાહે ત્રણ વિકેટ લીધી છે. કુલદીપે 2 અને વોશિંગ્ટન સુંદરે 1 વિકેટ લીધી હતી.
આ અગાઉ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ આજથી (2 ઓક્ટોબર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત પહેલી ઇનિંગમાં સારી રહી ન હતી. વેસ્ટ ઈન્ડિઝને 12 રનના સ્કોર પર પહેલો ઝટકો લાગ્યો હતો. તેજનારાયણ ચંદ્રપોલ (0 રન) ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની બોલિંગમાં વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જસપ્રીત બુમરાહે બીજા ઓપનર જોન કેમ્પબેલ (8 રન) ને આઉટ કર્યો હતો. ત્યાર બાદ સિરાજે ભારે તબાહી મચાવી હતી અને બે વધુ વિકેટ લીધી હતી.
લંચ પહેલા કુલદીપ યાદવે વેસ્ટ ઈન્ડિઝને પાંચમી વિકેટ સોંપી હતી અને શાઈ હોપે પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ સુંદરે વેસ્ટ ઈન્ડિઝની સાતમી વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બુમરાહે આઠમી અને નવમી વિકેટ ઝડપી હતી.
કુલદીપને તક મળી
આ મેચ માટે કુલદીપ યાદવનો ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. કુલદીપને ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચેય મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પ્રખ્યાત કૃષ્ણ, દેવદત્ત પડિકલ, એન. જગદીસન અને અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યા ન હતા. દરમિયાન ભૂતપૂર્વ ક્રિકેટર શિવનારાયણ ચંદ્રપોલના પુત્ર તેજનારાયણને વેસ્ટ ઇન્ડીઝની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.