National

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની પોલીસ સાથે અથડામણ

પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (Sandeshkhali) શરૂ થયેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે વોટિંગ દરમિયાન એક યુવકના માથામાં ઈજા થઈ હતી જે બાદ પોલીસે રવિવારે ગામમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. વિસ્તારમાં પહોંચેલી પોલીસ સાથે મહિલાઓનું ઘર્ષણ થયું હતુ. સંદેશખાલીમાં મહિલાઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા.

પશ્ચિમ બંગાળમાં સાતમા અને છેલ્લા તબક્કાના મતદાનના દિવસે બસીરહાટના સંદેશખાલીમાં ભારે હિંસા થઈ હતી. અહેવાલ મુજબ ભાજપ અને તૃણમૂલ સમર્થકો વચ્ચે વારંવાર ઘર્ષણ થયું હતું અને આ અથડામણમાં તૃણમૂલના પ્રદેશ અધ્યક્ષ સહિત બે લોકો ઘાયલ થયા હતા જ્યારે એક ભાજપ કાર્યકર પણ ઘાયલ થયો હતો. આ પછી પણ સંદેશખાલીમાં તણાવ ઓછો થઈ રહ્યો નથી. તમને જણાવી દઈએ કે ગઈ કાલે સંદેશખાલીમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો ત્યારબાદ ભાજપે તૃણમૂલ કોંગ્રેસનો વિરોધ કર્યો હતો અને પોલીસનો રસ્તો રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા.

ગઈકાલે મતદાન દરમિયાન ભાજપને સમર્થન આપતા યુવકના માથામાં ઈજા થઈ હતી. આ પછી પોલીસે રવિવારે ગામમાં દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. સંદેશખાલી ગામની ભાજપ સમર્થક મહિલાઓનો આરોપ છે કે તૃણમૂલના ગુંડાઓએ માથાં ફોડવાના આરોપમાં ગામના 4 યુવાનોને અટકાયતમાં લીધા છે. જેની સામે ગામની ભાજપ સમર્થક મહિલાઓએ પોલીસ અને વહીવટીતંત્ર સામે ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનો આરોપ છે કે તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે.

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવાની ઘટનામાં સાધન રણજીત નામનો ભાજપ કાર્યકર સામેલ હતો. રવિવારે જ્યારે પોલીસ આ આરોપમાં તેની ધરપકડ કરવા આવી ત્યારે ગામની ભાજપ સમર્થક મહિલાઓએ પોલીસનો વિરોધ કર્યો હતો. મહિલા અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જ્યારે પોલીસે સાધન રંજીત સમજીને એક વ્યક્તિને ખેંચી લીધો અને તેને કારમાં બેસાડ્યો ત્યારે મહિલાઓએ તેને નીચે ઉતાર્યો અને પોલીસ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ
સંદેશખાલી બયારમારીમાં ગઈકાલે મતદાન દરમિયાન થયેલી અથડામણમાં તૃણમૂલના બે સભ્યો ઘાયલ થયા હતા, જેમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ નલિની ખટુઆનો પણ સમાવેશ થાય છે. આ અથડામણમાં ભાજપનો એક કાર્યકર પણ ઘાયલ થયો છે અને તેનું નામ કિંકર જાના છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક લોકો મતદાન કેન્દ્રની સામે એકઠા થયા હતા અને તૃણમૂલ કાર્યકર્તાઓને ટોણા મારતા હતા. જ્યારે તૃણમૂલે ભાજપ પર આરોપ લગાવ્યો તો ભાજપે ફરિયાદ કરી અને કહ્યું કે તૃણમૂલના કાર્યકરોએ પણ વાંધાજનક નિવેદનો કર્યા છે. જેના કારણે બોલાચાલી અને પછી ઝઘડો શરૂ થયો હતો.

Most Popular

To Top