Entertainment

પશ્ચિમ બંગાળમાં લાગેલા પ્રતિબંધ વચ્ચે ‘ધ કેરલા સ્ટોરી’ વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ (The Kerala Story) પર પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે પ્રતિબંધને હટાવવાની માંગ સાથે ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ના નિર્માતાએ સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના દરવાજા ખટખટાવ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Benerjee)એ સોમવારે ‘નફરત અને હિંસાની કોઈ પણ ઘટના’ થી બચવા માટે રાજ્યમાં વિવાદાસ્પદ ‘ધ કેરલા સ્ટોરી’ના પ્રદર્શન પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો હતો. તેની સાથે જ પશ્ચિમ બંગાળ ફિલ્મ પર પ્રતિબંધ લગાવનાર પ્રથમ રાજ્ય બન્યું હતું.

પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ લાગ્યા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તૃણમૂલ કોંગ્રેસ પર નિશાનો સાધતા કહ્યું કે ‘આવી રીતની કાર્યવાહી મારા સમજની બહાર હતી. શું તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખની સહાનુભૂતિ આતંકવાદી સંગઠનોની સાથે છે અને કેરળાની માસૂમ છોકરીઓની સાથે નથી?’

ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ના નિર્માતા વિપુલ શાહે કહ્યું કે, તેઓ ટીએમસી સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. તેમજ પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે ‘નફરત અને હિંસાની કોઈ પણ પ્રકારની ઘટનાથી બચવા માટે અને રાજ્યમાં શાંતિ બનાવી રાખવા માટે મુખ્યમંત્રીએ ‘ધ કેરલા સ્ટોરી’ના પ્રદર્શન પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાના આદેશ આપ્યા છે. પ્રતિબંધનો ઉલ્લંઘન કરનાર થિયેટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.’

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ પર સમાજના એક વર્ગને અપમાનિત કરવાનો આરોપ

આના પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ સમાજના એક વર્ગને અપમાનિત કરવા માટે બનાવવામાં આવી છે. જ્યારે ‘ધ કેરલા સ્ટોરી’ એક વિકૃત ફિલ્મ છે, જેનો ઉદ્દેશ્ય દક્ષિણી રાજ્યને કુખ્યાત ગણાવવાનો છે. નોંધનીય છે કે ‘ધ કેરલા સ્ટોરી’માં ત્રણ મહિલાઓના જીવનને દર્શાવવામાં આવ્યું છે. જેમણે લગ્ન પછી ઈસ્લામ કબૂલ ર્ક્યા પછી ISIS ના  શિબિરોમાં માનવ તસ્કરી કરીને લઈ જવામાં આવે છે. ફિલ્મમાં અદા શર્મા, યોગિતા બિહાની, સિદ્ધી ઈડનાની અને સોનિયા બલાની મુખ્ય રોલમાં છે.

પહેલા ફિલ્મના ટ્રેલરમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેરળની 32,000 મહિલાઓ ગુમ થઈ ગઈ અને આતંકવાદી સમૂહ ISIS માં શામેલ થઈ ગઈ. જેના કારણે ફિલ્મને લઈને એક મોટો વિવાદ ઉભો થયો હતો. જોકે વિરોધ થયા બાદ વિવાદાસ્પદ ટ્રેલરને રિટર્ન લઈ લેવામાં આવ્યો હતો અને તે પછીના ટ્રેલરમાં કેરળની ત્રણ મહિલાઓની કહાની વિશે બતાવવામાં આવ્યું હતું.

Most Popular

To Top