કોલકાતા: રવિવારે બપોરે પશ્ચિમ બંગાળના (West Bengal) ઉત્તર 24 પરગણા જિલ્લામાં હુગલી નદીના (Hugli River) કિનારે એક હિંદુ ધાર્મિક મેળામાં ભાગદોડ મચી જતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા પાંચ ભક્તોનાં (Devotees) મોત થયાં હતાં અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ જણાવ્યું હતું. સીપી અને ડીએમ ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઘાયલોને તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી.
- પશ્ચિમ બંગાળમાં હુગલી નદી કિનારે ધાર્મિક મેળામાં ભાગદોડ મચતાં 5નાં મોત
- ભારે ગરમી અને ભીડને કારણે નાસભાગ થતાં પાંચ ભક્તોનાં મોત થયાં : અધિકારીઓ
કોવિડ-19ને કારણે બે વર્ષના અંતરાલ બાદ બેરકપુરના પાણીહાટી મહોત્સવતલા ઘાટ પર ‘દોઈ ચિરે’ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે થયેલી દુર્ઘટના પછી અધિકારીઓએ તેને આગલી સૂચના સુધી સ્થગિત કરી દીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘાટ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા અને ભારે ગરમી અને ભીડને કારણે નાસભાગ થતાં પાંચ લોકોનાં મોત થયાં હતાં અને અસંખ્ય લોકોને ઈજાઓ થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે આકરી ગરમીના કારણે લગભગ પચાસ લોકો બીમાર પડ્યા છે.
અગાઉ, બેરકપુર કમિશનરેટના સંયુક્ત પોલીસ કમિશનર ધ્રુબજ્યોતિ ડેએ પુષ્ટિ કરી હતી કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા ત્રણ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.પાનીહાટીમાં હુગલી નદીના કિનારે એક મંદિરમાં ‘દોઇ-ચિરે’ મેળા દરમિયાન ભીડ વચ્ચે ગરમીને કારણે તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ભારે પોલીસ તૈનાત કરવામાં આવી છે.
સ્થળની મુલાકાત લીધા બાદ ટીએમસી મંત્રી જ્યોતિ પ્રિયા મલિકે જણાવ્યું હતું કે, ”પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. પ્રાથમિક રીતે તેઓનું મૃત્યુ હીટસ્ટ્રોકને કારણે થયું હતું અને ઘણા લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને વિસ્તારની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.” મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીડિત પરિવારોને તમામ મદદની ખાતરી આપી હતી. તેમએ ટ્વિટ કર્યું હતું કે, ”પાણીહાટી ખાતેના ઇસ્કોન મંદિરમાં દંડ મહોત્સવમાં ગરમી અને ભેજને કારણે 3 વૃદ્ધ ભક્તોના મૃત્યુ વિશે જાણીને દુઃખ થયું. સીપી અને ડીએમ ઘટનાસ્થળે દોડી ગયા છે, ઘાયલોને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”