પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળમાં (West Bengal) 27 ફેબ્રુઆરીએ 108 નગરપાલિકાઓની ચૂંટણી (Bengal Municipal Election) પહેલાં જ સતત હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. મંગળવારે (tuesday) એક બિઝનેસમેનની (Businessman) ગોળી મારીને હત્યાની ઘટના અને બોમ્બ (Bomb) વિસ્ફોટના કારણે એક બાળક ઘાયલ થયાની ઘટના બાદ વધુ એક ઘટના બની છે. રમતના સમયે બોલ (Ball) સમજીને બોમ્બ ઉઠાવ્યા પછી બોમ્બ વિસ્ફોટ થવાથી ચાર બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. જેમાંથી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે જ્યારે એક કિશોર કાગળો એકત્રિત કરી રહ્યો હતો ત્યારે તેનું કાંડું બોમ્બથી ઉડી ગયું હતું. ત્યારબાદ બપોરે ફરી બોમ્બ વિસ્ફોટના સમાચાર આવ્યા. આ સાથે જ બીરભૂમમાં ચૂંટણી પહેલા હિંસાની ઘટનાઓને લઈને સવાલો ઉઠી રહ્યા છે.
મળેલી માહિતી અનુસાર ઘટના બીરભૂમના સદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કુઇથા ગામની છે. મનિર શેખ નામના ઘરની પાછળ બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બપોરે મનિરના ઘરની પાછળના ખાલી મેદાનમાં કેટલાક બાળકો રમી રહ્યા હતા. તે સમયે તેઓએ બોમ્બને બોલ સમજીને સ્પર્શ કર્યો અને અચાનક વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ચાર બાળકીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ તમામ બાળકીઓ એકબીજાની બહેનો છે.
રમતી વખતે બોમ્બ ફૂટ્યો, એકનો જીવ ગયો
વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ તરત જ યુવતીઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દીધી હતી. જેમાંથી એકને ઘટના સ્થળ પર જ મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેને સરે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એક સ્થાનિકે કહ્યું, “છોકરીઓ બેકયાર્ડમાં રમી રહી હતી. અચાનક મને મોટો અવાજ સંભળાયો. અમે દોડીને ત્યાં પહોંચ્યા, તો અમે જોયું કે છોકરીઓ ઘાયલ અવસ્થામાં પડી હતી અને ચારેબાજુ લોહી ફેલાયેલું હતું. તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. પણ એક બદનસીબનું મોત થયું છે.
ચૂંટણી પહેલા બીરભૂમમાં તણાવ વધી ગયો છે
ચૂંટણી પહેલા બીરભૂમના ઘણા વિસ્તારોમાં તણાવ છે. મંગળવારે કચરાના ઢગલામાં રાખેલો બોમ્બ વિસ્ફોટ થતાં અને એમાં એક કિશોર ઘાયલ થયો હતો. મળેલી માહિતી અનુસાર બોમ્બ કચરાના ઢગલામાં છુપાવવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. બીરભૂમના ઈતિહાસમાં આ પહેલા પણ આવું બન્યું છે. ક્યારેક મેદાન પર રમતી વખતે તો ક્યારેક અજાણતા બોમ્બ વિસ્ફોટ થતાં કોઈનો હાથ ઉડી ગયો. બીરભૂમમાં ચૂંટણી પહેલા એક કરતાં વધુ વખત આવી ઘટનાઓ બની છે. બીરભૂમ પોલીસે પણ વારંવાર બોમ્બ કબજે કર્યા છે. સતત સર્ચ ઓપરેશન ચાલુ છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ બોમ્બને ડિફ્યુઝ કરે છે, પરંતુ આટલા બોમ્બ ક્યાંથી આવે છે? તે પ્રશ્નનો જવાબ મળતો નથી.