કર્ણાટકમાં આવેલું પ્રસિદ્ધ શ્રી મંજુનાથ સ્વામી મંદિર એક એવા આક્ષેપમાં ફસાયું છે, જે સાચો હોય તો મંદિરને તાળાં મારવાં પડે અને તેના બધા ટ્રસ્ટીઓ જેલભેગા થઈ જાય. એક સફાઈ કર્મચારીએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે તેણે ૧૯૯૫ થી ૨૦૧૪ દરમિયાન બળાત્કારનો ભોગ બનેલી લગભગ ૧૦૦ છોકરીઓ, મહિલાઓ અને પુરુષોના મૃતદેહને અલગ અલગ સ્થળોએ દફનાવ્યા હતા. ફરિયાદી કર્મચારી ધર્મસ્થળ સ્થિત એક પ્રખ્યાત ધાર્મિક સંસ્થામાં કામ કરતો હતો અને તેણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૮૩ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું છે.
તે કહે છે કે તે ઘણાં વર્ષો સુધી ચૂપ રહ્યો હતો, કારણ કે તે સમયના તેના ઉપરી અધિકારીઓ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ દાવો થયા પછી એક મહિલા પણ સામે આવી છે, જેની પુત્રી બે દાયકા પહેલાં ગુમ થઈ ગઈ હતી. તેણે પોલિસને અપીલ કરી છે કે જો મૃતદેહોની ઓળખ થઈ જાય તો તે ડીએનએ પરીક્ષણ માટે તૈયાર છે. દરમિયાન કર્ણાટક સરકારે રવિવારે આ મામલાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ DGP રેન્કના અધિકારી પ્રણવ મોહંતી કરી રહ્યા છે.
શ્રી ક્ષેત્ર ધર્મસ્થલમાં આવેલા શ્રી મંજુનાથ સ્વામી મંદિરને ધર્મસ્થલ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર દક્ષિણ ભારતનું એક મુખ્ય ધાર્મિક સ્થળ માનવામાં આવે છે, જેની સ્થાપના લગભગ ૮૦૦ વર્ષ પહેલાં થઈ હતી. આ એક શૈવ મંદિર છે, જ્યાં પૂજારીઓ વૈષ્ણવ પરંપરાના છે અને તેનું સંચાલન જૈન ધર્મ પાળતાં પરિવારના વંશજોના હાથમાં છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે તે ૧૯૯૫ થી ૨૦૧૪ દરમિયાન નિયમિતપણે નેત્રાવતી નદીના કિનારા સાફ કરતો હતો. થોડા સમય પછી ગંભીર ગુનાઓના પુરાવા છૂપાવવાની જવાબદારી પણ તેના પર આવી ગઈ હતી. તેણે ઘણી સ્ત્રીઓના મૃતદેહ જોયા, જે કપડાં વગરના હતા અને તેના પર જાતીય હિંસાના સ્પષ્ટ નિશાન હતા. જ્યારે તેણે આ વિશે પોલીસને કહેવાની વાત કરી ત્યારે તેના સુપરવાઇઝરોએ ના પાડી. તેને ધમકી આપવામાં આવી કે અમે તારા ટુકડા કરી દઈશું. તારા શરીરને બાકીનાં લોકોની જેમ દફનાવી દેવામાં આવશે અને અમે તારા આખા પરિવારને મારી નાખીશું.
સફાઈ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલી FIR માં જણાવાયું છે કે ૨૦૧૦ ની એક ઘટના મને હજુ પણ હૃદયમાં હચમચાવી દે છે, જ્યારે ગાર્ડ મને કલાઈરીના પેટ્રોલ પંપથી લગભગ ૫૦૦ મીટર દૂર એક જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં મેં એક કિશોરીનો મૃતદેહ જોયો, જેની ઉંમર ૧૨ થી ૧૫ વર્ષની વચ્ચે હશે. તેના શરીર પર ભાગ્યે જ કોઈ કપડાં હતાં અને જાતીય હિંસાનાં સ્પષ્ટ નિશાન હતાં. તેના ગળા પર ગળું દબાવવાના નિશાન હતાં. મને ખાડો ખોદીને તેને અને તેની સ્કૂલ બેગને દફનાવી દેવાનું કહેવામાં આવ્યું હતું. તે દૃશ્ય હજુ પણ મારી આંખોમાં તાજું છે.
બીજી એક ઘટના જે હું ભૂલી શકતો નથી તે ૨૦ વર્ષની એક મહિલાની હતી, જેનો ચહેરો એસિડથી બળી ગયો હતો. પુરુષોને મારવાની પદ્ધતિ અત્યંત ક્રૂર હતી. તેમને એક રૂમમાં ખુરશીઓ સાથે બાંધી દેવામાં આવ્યા હતા અને તેમના મોં પર ટુવાલ બાંધીને ગૂંગળાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાઓ મારી સામે બની હતી. મારા કાર્યકાળ દરમિયાન મેં ધર્મસ્થળ વિસ્તારમાં ઘણી જગ્યાએ મૃતદેહોને દફનાવી દીધા હતા.
કેટલીક વાર મને મૃતદેહો પર ડીઝલ રેડવાની સૂચના આપવામાં આવતી. પછી તેમને બાળી નાખવાના આદેશ આવતા જેથી કોઈ પુરાવા ન રહે. આ રીતે સેંકડો મૃતદેહોનો નાશ કરવામાં આવ્યો હતો. હું હવે માનસિક દબાણ સહન કરી શકતો નથી અને મારા પરિવાર સાથે રાજ્યની બહાર નીકળી ગયો છું. જે લોકોનાં નામ હું જણાવી રહ્યો છું તેઓ ધર્મસ્થળ મંદિર વહીવટ અને અન્ય સ્ટાફ સાથે સંકળાયેલાં છે. હું અત્યારે તેમનાં નામ જાહેર કરી શકતો નથી, કારણ કે કેટલાંક લોકો ખૂબ પ્રભાવશાળી છે અને વિરોધ કરનારાઓને ખતમ કરી શકે છે. મને અને મારા પરિવારને કાયદા હેઠળ રક્ષણ મળતાં જ હું બધાં નામ અને તેમની ભૂમિકા જાહેર કરવા તૈયાર છું.
ફરિયાદ સાબિત કરવા અને પુરાવા પૂરા પાડવા માટે સફાઈ કામદારે પોતે એક કબર ખોદી અને મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવતી વખતે ફોટોગ્રાફ્સ અને પુરાવા રજૂ કર્યા હતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૮૩ હેઠળ તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. ફરિયાદી માથાથી પગ સુધી કાળા કપડામાં સંપૂર્ણપણે ઢંકાયેલો મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયો હતો. તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવી હતી, જેથી તે ફક્ત રસ્તો જ જોઈ શકતો હતો.
સફાઈ કામદારની ફરિયાદ પ્રકાશમાં આવ્યા પછી સુજાતા ભટ્ટ નામની એક મહિલાએ તેની પુત્રીની કથા જણાવી હતી, જે ૨૨ વર્ષ પહેલાં રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. સુજાતાની પુત્રી અનન્યા ભટ્ટ મણિપાલમાં મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તેની પુત્રી છેલ્લે શ્રી મંજુનાથ મંદિરમાં જોવા મળી હતી. તેના વકીલ મંજુનાથ એન.એ જણાવ્યું હતું કે તે કોઈને દોષી ઠેરવી રહી નથી. તે એટલું જ ઇચ્છે છે કે જો આ સફાઈ કામદારની ફરિયાદ પર મૃતદેહો ખોદવામાં આવે તો તેમનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવે. તેનો એક માત્ર ઉદ્દેશ તેની પુત્રી અનન્યા ભટ્ટના મૃત્યુને સ્વીકારવાનો અને તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સક્ષમ બનાવવાનો છે.
ડૉ. અરુણને અરજી સોંપ્યા પછી સુજાતા ભટ્ટે પત્રકારોને જણાવ્યું કે ૨૦૦૩ માં જ્યારે અનન્યા ગુમ થઈ ગઈ ત્યારે તે કોલકાતામાં CBI ઓફિસમાં સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતી હતી. હું ધર્મસ્થલમાં ગઈ હતી. ત્યાં મેં અધિકારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને ત્યાંથી ભગાડી દેવામાં આવી હતી. પછી હું પોલીસ સ્ટેશન ગઈ, ત્યાં પણ મને પાછી મોકલી દેવામાં આવી હતી. ડૉ. અરુણે જણાવ્યું કે સુજાતા ભટ્ટની અરજીને એક અલગ કેસ તરીકે જોવામાં આવી રહી છે. તેઓ કહે છે કે અમે તેને આ કેસ સાથે જોડી શકતા નથી, પરંતુ તેની તપાસ પણ ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કે.વી. ધનંજય માને છે કે તપાસની ધીમી ગતિ ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે ફરિયાદ ૪ જુલાઈના રોજ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદીએ બીએનએસએસની કલમ ૧૮૩ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધતી વખતે તેના દ્વારા દફનાવવામાં આવેલા મૃતદેહના અવશેષો પણ રજૂ કર્યા હતા. આઠ દિવસથી વધુ સમય વીતી ગયો છે, છતાં પોલીસે ફરિયાદીને સ્થળ પર લઈ જવા અને સ્થળનું નિરીક્ષણ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નથી.
આવી ઉપેક્ષા સમજની બહાર છે અને એક સ્પષ્ટ નિર્દેશ કરે છે કે તે જે સ્થાનો ઓળખી રહ્યો છે તેમાં હકીકતમાં વધુ માનવ અવશેષો હોઈ શકે છે. આ બીજો ગંભીર સંકેત છે કે પોલીસ પ્રભાવશાળી લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે અથવા તેમને સમય આપી રહી છે, જેથી તેઓ ઔપચારિક તપાસ અથવા સ્થાનોને સીલ કરતાં પહેલાં કોઈ પણ ભૌતિક પુરાવાને દૂર કરવામાં અથવા તેની સાથે ચેડાં કરવામાં સફળ થઈ શકે. દક્ષિણ કન્નડ જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. અરુણ કે. ના જણાવ્યા મુજબ સામાન્ય રીતે ઘટના બન્યા પછી ૧૦-૧૫ વર્ષ પછી આવો કોઈ કેસ નોંધાતો નથી. તે કેસ શું છે તેના પર આધાર રાખે છે અને જવાબદારી તપાસ અધિકારીની હોય છે.
આ તાજા આરોપો દાયકાઓ જૂની લોકવાયકાને પુનર્જીવિત કરી રહ્યા છે કે ઘણી વાર નેત્રાવતીના કિનારે મૃતદેહો તરતા હોવાની વાત સાંભળવા મળતી હતી. આ કેસોમાં વેદવલ્લી (૧૯૭૯), અનન્યા ભટ્ટ (૨૦૦૩) અને નારાયણ સાપલે અને તેમની બહેન યમુના (૨૦૧૨) ના કેસોનો સમાવેશ થાય છે. સૌથી હાઇ-પ્રોફાઇલ કેસ ૨૦૧૨ માં ૧૭ વર્ષની છોકરી પર કથિત બળાત્કાર અને હત્યાનો છે. તેના પરિવારે અને ન્યાયની માંગ કરનારાઓએ ધર્મસ્થલનો વંશવારસાગત વહીવટ કરનારા શક્તિશાળી હેગડે પરિવારના કેટલાંક સભ્યોનાં નામ લીધાં છે.
હાલમાં ધર્મસ્થલનો વહીવટ કરનારા રાજ્યસભાના સાંસદ વીરેન્દ્ર હેગડે અને તેમના પરિવારને સામાન્ય રીતે દોડ્ડાવરુ (મોટા લોકો) અને ધાનીગાલુ (મકાનમાલિક) તરીકે સંબોધવામાં આવે છે. છોકરીની માતાએ ઓગસ્ટ ૨૦૨૩ માં એક જાહેર કાર્યક્રમમાં આરોપ લગાવ્યો હતો કે ધીરજ, મલિક, ઉદય અને વીરેન્દ્ર હેગડેના ભત્રીજા નિશ્ચલ જૈને તેની પુત્રી પર બળાત્કાર ગુજાર્યો હતો. જો કે, નિશ્ચલનું નામ ક્યારેય કોઈ પોલીસ કેસમાં કે કોઈ કોર્ટ કાર્યવાહીમાં સામે આવ્યું નથી.