SURAT

લવ, ઇશ્ક ઔર ધોકા જેવો કિસ્સો સુરતમાં બન્યોઃ લવર્સ સાથે આપઘાત કરવા નીકળ્યા, પ્રેમિકા કૂદી અને પ્રેમી…

સુરત: વરાછાના યુવકે અગાઉ તેના જ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કિશોરીને 7 મહિના પહેલા પ્રેમ જાળમાં ફસાવી હતી. બાદમાં કિશોરીને લગ્નની લાલચ આપીને ગર્ભવતી બનાવ્યા બાદ પ્રેમીએ તરછોડી દીધાનો બનાવ વરાછામાં બન્યો છે. સગાઇ થઇ ગઇ હોવાથી હવે લગ્ન શક્ય નહીં હોવાનું કહી બંનેએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. જેમાં પ્રેમિકા કૂદી પડી હતી જ્યારે પ્રેમી ત્યાંથી નાસી છૂટ્યો હતો.

  • વરાછા વિસ્તારમાં રહેતા યુવકે સગીરાને ગર્ભવતિ બનાવી દીધી હતી
  • યુવકની સગાઇ થઇ જતાં લગ્ન શક્ય નહીં હોવાનું કહી પ્રેમિકાને આપઘાત માટે તૈયારી કરી

બનાવની વિગત એવી છે કે મૂળ ગીર સોમનાથના વતની અને હાલમાં શહેરના વરાછા વિસ્તારમાં ચોપાટી સામે આવેલા ધનશ્યામ નગરમાં રહેતા સોહમ સાદુળભાઈ ગોહિલે ઇન્સ્ટાગ્રામ મારફતે અગાઉ વરાછામાં રહેતી 17 વર્ષીય કિશોરી સાથે મિત્રતા કરી હતી. કિશોરી અને તેની મોટી બહેન વરાછા વિસ્તારમાં એકલા જ રહીને એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરી પરિવારને આર્થિક મદદ કરે છે. બંને વચ્ચે મિત્રતા થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

પ્રેમી અવારનવાર તેને ઘરે લઇ જતો હતો અને શરીર સંબંધ બાંધતો હતો જેના કારણે કિશોરી ગર્ભવતિ થઇ ગઇ હતી. તો બીજી તરફ સોહમ ગોહિલના બીજા લગ્ન ગોઠવાતા તેણે પ્રેમિકાને હવે લગ્ન શક્ય નહીં હોવાથી તેમજ તેને તે યુવતી ગમતી નહીં હોવાનું કહી આપઘાત કરી લેવા તૈયાર કરી હતી. બંનેએ અમરોલીના સોહમ બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરવાનું નક્કી કર્યું હતું.

બંને આપઘાત કરવા માટે સાથે ગયા હતા જ્યાંથી પ્રેમિકા કૂદી પડી હતી જ્યારે પ્રેમી ભાગી છૂટ્યો હતો. પ્રેમિકાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં મોઢામાં, કમર પર તથા શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચતા હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે. આ મામલે વરાછા પોલીસે કિશોરીની બહેની ફરિયાદને આધારે સોહમ ગોહિલ વિરૂદ્ધ બળાત્કારનો અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કિશોરીનો કાંટો કાઢવા સોહમ ગોહિલે પ્લાન બનાવ્યો હતો
સોહમની સગાઈ થવાની વાતથી કિશોરી હતાશ રહેતી હોવાથી સોહમ તેને લઈ ચિંતામાં રહેતો હતો. કિશોરી અમરોલી ખાતે રહેતી તેની બહેનના ઘરે રહેવા લાગી હતી. બીજી તરફ સોહમને કિશોરી સાથે આડા સબંધને લઈ તેની સગાઈ તૂટી જવાનો ભય હતો. જેથી સોહમે પ્રેમિકાનો કાંટો કાઢવાનો પ્લાન ઘડી નાંખ્યો હતો.

શનિવારે તે પ્રેમિકાને મળવા અમરોલી પહોંચ્યો હતો જ્યાં તેણે તેને જે યુવતી સાથે લગ્ન નક્કી થયા છે તે ગમતી નહીં હોવાથી હવે આત્મહત્યા જ એક માર્ગ બચ્યો તેમ સમજાવી હતી. જેથી બંને આપઘાત કરવા સાથે ત્રીજા માળે પહોંચ્યા હતાં. જ્યાંથી પ્રેમિકાએ જેવી છલાંગ લગાવી તેવો જ પ્રેમી ફરાર થઇ ગયો હતો.

Most Popular

To Top