દેશ, સમાજ અને વિશ્વમાં યુવાશકિતને કલ્યાણકારી દિશામાં પ્રવૃત્ત થવાની જરૂરત છે. યુવાશકિતથી જ ત્રણે પ્રકારના ક્ષેત્રે વિકાસ અને શાંતિ પ્રસ્થાપિત થાય છે. અમીર-ગરીબ, નિરક્ષર-સાક્ષર, બેરોજગાર, વેપાર ઉદ્યોગમાં વ્યસ્ત એમ સામાજિક વર્ગો જોવા મળે છે. ભૂખમરો-કુપોષણ-ખાણીપીણીના જલસા, ઉજવણીઓ, ખરા ખોટા ધંધા, ધનસંચય, દાનપ્રવાહ જેવાં વિવિધ ચિત્રો સર્જાયા કરે છે. બહુ દૂરની વાત નહીં કરતા, ઓલપાડ તાલુકાના સેલૂન ગામની યુવાશકિતની કલ્યાણકારી પ્રવૃત્તિઓના સમાચાર જાણવા મળ્યા ત્યારે ઘણો આનંદ થયો. પ્રેરણાદાયી એવી પ્રવૃત્તિઓ માનવતાનો સાચો ધર્મ બજાવે છે. ગામના યુવાનો દર મહિને પોતાની પ્રામાણિક આવકમાંથી સ્વૈચ્છિક રીતે યુનિટી ફંડમાં ફાળો જમા કરાવે છે.
તમામ ગામવાસીઓમાં જયારે કોઇનું અવસાન થાય ત્યારે અંતિમ વિધિનો ખર્ચ, જરૂરતમંદ એવા આશાસ્પદ વિદ્યાર્થીઓનો શિક્ષણ ખર્ચ, આરોગ્ય, સારવાર, દવા, ઇલાજનો ખર્ચ, શિક્ષણ અને શિક્ષણેતર પુરસ્કાર આપવાનો ખર્ચ, રાષ્ટ્ર અને વિશ્વના કલ્યાણ અંગેની પ્રવૃત્તિઓમાં ફાળો તથા બીજી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ પાછળનો ખર્ચ, સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમો અંગેનો ખર્ચ, એમ અનેકવિધ સેવા કાર્યો કલ્યાણકારી દિશામાં થઇ શકે. ભારત દેશ હવે મૂડીવાદ અને તકવાદ તરફ સરકી રહ્યો છે, સમાજસેવકો, જન નેતાઓ માર્ગ ભ્રષ્ટ થઇ રહ્યા છે ત્યારે યુવાશકિત જ સ્વસ્થ, સાચી સમજણ સાથે આગળ વધે તે યોગ્ય ગણાય.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.