Charchapatra

વેલડન ઇન્ડિયા

રવિવારે બાદ થયેલા એશિયા કપના ફાઇનલ મુકાબલાના અત્યંત રસાકસી બાદ ભારતે પાકિસ્તાનની સામે પાંચ વિકેટે શાનદાર વિજય મેળવી એશિયા કપમાં 9મી વાર જીત મેળવી જે એક રેકોર્ડ બની ગયો. પાક. સામે ભારતને વિજયતિલક ‘ગુજરાતમિત્ર’ અખબારમાં આ મુજબનું શીર્ષક આપીને ક્રિકેટપ્રેમીઓનાં દિલ જીતી લીધાં એમાં તિલકનો ઉલ્લેખ કરી ક્રિકેટર તિલક વર્માની વિશેષ નોંધ લીધી છે. તિલક વર્માએ ઠંડે કલેજે રમત રમીને 69 અણનમ રન કરીને મહત્ત્વની ભૂમિકા અદા કરી છે. એ સાથે ચાર ઓવરમાં ચાર વિકેટ લઇને કુલદીપ યાદવે ભારતીય ક્રિકેટ ટીમનું કુળનું નામ રોશન કર્યું. એક રીતે સાચા અર્થમાં કુલદીપ સાબિત થયો.

ભારતીય ટીમની સંગઠનશકિતનો આ વિજય યાદગાર બની ગયો. ભારત માતાની આ સમસ્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. રમતના મેદાને ઓપરેશન સિંદૂર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એશિયા કપના વિજય બાદના આ નિવેદનથી માર્યા ગયેલા 26 વ્યકિતઓના પરિવારને જરૂર ખુશી થઇ હશે. સાથે શહીદ થયેલા સદ્‌ગત ભારતીયોના આત્માને પણ જરૂર જરૂરથી શાંતિ મળી હશે. નવરાત્રિના આ પવિત્ર દિવસની રાત્રીએ વિજયની ખુશાલીમાં બોલ મેરી અંબે જય જગદંબે ક્રિકેટપ્રેમીઓના મુખમાંથી આ સુંદર પાવન શબ્દો સરી પડયા. વેલડન ઇન્ડિયા.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top