ઘણા માનતા હતા કે સૈફ અલી ખાનની કારકિર્દી તો પૂરી થઇ ગઇ પણ જેમ અમિતાભ બચ્ચનની કારકિર્દી પૂરી થઇ ગઇ એવી કલ્પના કરવી ખોટી છે તેવું સૈફ પણ પુરવાર કરી રહ્યો છે. વધુ સાચું કહેવું હોય તો એવું પણ ઉમેરી શકો કે કરીના સાથેના મેરેજ પછી તેની કારકિર્દી વધારે સ્થિર રીતે ગતિમાં છે. બસ, એટલું જ કે તે હવે પોતાના વિશે કોઇ પ્રચાર નથી કરતો. હવે તેને ફિલ્મો મેળવવા માટે એવા પ્રચારની જરૂર પણ નથી. હા, તે આટલી લાંબી કારકિર્દીવાળો થશે તે કોઇએ ધાર્યું ન હશે. 1993ની ‘પરંપરા’માં તેને યશ ચોપરાએ તક આપી તે વર્ષે જ ‘આશિક આવારા’માં તે મમતા કુલકર્ણી સાથે, ‘પહેચાન’માં શિલ્પા શિરોડકર ને સુનિલ શેટ્ટી સાથે તેની ફિલ્મો આવેલી. એટલે કે તેની કારકિર્દી ત્રણ દાયકા પૂરી કરી ચૂકી છે. ‘યે દિલ્લગી’માં અક્ષય કુમાર, કાજોલ સાથે આવ્યો અને તરત એ જ અક્ષય સાથે ‘મેં ખિલાડી તું અનાડી’ આવ્યો પછી એ બંનેની જોડી ઘણાં વર્ષ ચાલી. પણ સૈફે તે દરમ્યાન પણ એકલ હીરો તરીકે કારકિર્દી આગળ વધારી જ હતી. સૈફ અલી ખાન હીરો તરીકે જગ્યા ઇચ્છતો હતો ત્યારે અક્ષય, અજય, સલમાન, શાહરૂખ, આમરી ઋતિક વગેરે એટલા સફળ થતા ગયા કે તે પણ એક ‘ખાન’ હતો છતાં અલગ થઇ ગયો. પરંતુ કયારેય બહાર નથી થયો એટલે ‘હમ સાથ સાથ હૈ’, ‘કયા કહેના’, ‘દિલ ચાહતા હૈ’, ‘ના તુમ જાનો ના હમ’, ‘કલ હો ના હો’, ‘એલઓસી કારગીલ’, ‘હમતુમ’, ‘પરિણીતા’, ‘ઓમકારા’ ‘રેસ’, ‘લવ આજકલ’ વગેરેથી તે મજબૂતી સાથે એક જગ્યા કરીને ઊભો રહ્યો. ‘કોકટેલ’, ‘રેસ2’, ‘ગો ગોવા ગોન’, ‘રંગૂન’ જેવી ફિલ્મોએ તેના વજૂદને ટકાવ્યું. જયારે તેને વજૂદ જોખમાતું લાગ્યું ત્યારે ‘સેક્રેડ ગેમ્સ’, ‘તાંડવ’ જેવી વેબસિરીઝમાં પણ કામ કરી લીધું. આઉટ ઓફ ટ્રેક તે ગયો જ નહીં એટલે બંટી ઔર બબલી -2, ‘વિક્રમ વિદ્યા’, ‘આદિ પુરુષ’ પછી હમણાં ‘દેવારા પાર્ટ-1 આવી હતી જેમાં તે ભૈરા તરીકે હતો. ‘આદિપુરુષ’માં પણ લંકેશ હતો. 2012માં કરીના કપૂર સાથે લગ્ન થયા ત્યારે લાગતું હતું કે કરીનાએ જેટલું સૈફને પરણવું છે એટલું સૈફે કરીનાને પરણવું નથી. તેને બીજી સ્ત્રીઓ ગમતી રહી છે એટલે મેરેજ કમિટમેન્ટથી ભાગતો હતો. પણ અમૃત સાથેનાં લગ્નથી થયેલા સારા અને ઇબ્રાહીમ તો હતા અને કરીનાથી તેને બે દીકરા તૈમુર (7 વર્ષ) અને (3 વર્ષ) છે. સૈફ પહેલાં કરતાં વધુ મેચ્યોર પતિ, પિતા લાગી રહ્યો છે. તે હવે 54 વર્ષનોય થયો છે. કરીના ફિલ્મોમાં કામ કરે છે તો સૈફ પણ ચરિત્ર અભિનેતાના રસ્તે આગળ વધવાને બદલે વિલનનાં રસ્તે ઊભો છે. હમણાં તે આઠેક ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. ‘કિલક શંકર’, ‘જવેલથીફ’, શૂટઆઉટ એટ ભાયખલા’, ‘રેસ-4’, ‘દેવારા-2’, ‘ગો ગોવા ગોન-2’ અને પ્રિયદર્શનની ફિલ્મ સૈફની સાઉથની ફિલ્મોમાં ડિમાંડ છે. હવે તમે જ કહો તેને ભૂલી ગયેલો ગણવા જાઓ તો ચાલે? અરે, સલમાન, શાહરૂખ પાસે એક-એક ફિલ્મ છે ને તેનાથી આઠ ગણી વધારે સૈફ પાસે છે. આ માટે તે પોતાનો ને કરીનાનો આભાર માનતો હશે. •
વૅલકમ ટુ ધ “સૈફ” ઝોન!
By
Posted on