ફટાકડા પર દિલ્હીમાં પ્રતિબંધ લગાવવાની જાહેર હિતની એક અરજી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયમૂર્તિએ એવી ટકોર કરી છે કે આ નીતિ માત્ર દિલ્હીનાં લોકો માટે નહીં પરંતુ સમગ્ર દેશમાં સમાન નીતિ હોવી જોઇએ. ન્યાયમૂર્તિ બી.જે. ગવઇનું આ સૂચન આવકાર્ય ઉપરાંત અમલ કરવાયોગ્ય છે. દિલ્હીમાં તો દિવાળી દિવસોમાં ફટાકડા પર સામાન્ય રીતે પ્રતિબંધ લગાવવામાં આવે છે.
આમ છતાં તેનો પૂર્ણ અમલ થતો નથી. દિવાળીના દિવસોમાં ફટાકડા તથા પરાળ બાળવાના કારણે દિલ્હીમાં થતું પ્રદૂષણ એટલું ભયંકર હોય છે કે શ્વાસની બિમારીના કેસો એકદમ વધી જાય છે. તેમણે સાથે એ વાતનું પણ સૂચન કરેલ છે કે ફટાકડા ઉત્પાદન પર પ્રતિબંધ મૂકાય તો બેરોજગાર થતાં મજૂરોની રોજગારી માટે પણ સાથે સાથે વિચાર થવો જોઇએ. તેમનો આ માનવવાદી અભિગમ પ્રશંસનીય છે. ગુજરાતમાં લગભગ દરેક જિલ્લામાં દિવાળી તહેવારો દરમિયાન રાતના 10થી 6 દરમ્યાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધનું જાહેરનામું જિલ્લા પ્રગટ કરતા હોય છે. પરંતુ કયાંય તેનો 1 ટકા પણ અમલ થતો નથી. સમગ્ર રાજ્યમાં ખૂણેખૂણે રાતભર ફટાકડા ફૂટતા રહે છે. આવાં જાહેરનામાં કાગળનો વાઘ બનીને રહી જાય છે. જાહેરનામાની સાથે તેના અમલની પણ કાર્યવાહી થવી જોઇએ.
બનાસકાંઠા – અશ્વિનકુમાર, પાલનપુર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
૨૨-૦૯ને દિવસે એની ૧૦૫મી વર્ષગાંઠ
એનો જન્મ મદુરાઈમાં એક આંદોલન દરમ્યાન થયો. આંદોલન વિદેશી કાપડા સળગાવી દેવાનું આહવાન હતું. આંદોલનનું રણશિંગું ફૂંકનારા અન્ય કોઈ નહીં પણ ગાંધીજી પોતે હતા. સભા ખીચોખીચ ભરાયેલી હતી અને એક શ્રોતાએ ઉભા થઈ પ્રશ્ન કર્યો કે જેની પાસે એક જ વસ્ત્ર હોય તે શું કરે? ત્યારે ગાંધીજીએ જાહેર કર્યું કે તે દિવસથી તેઓ ફકત પોતડી જ પહેરશે. એટલે રાજગોપાલાચારી એ ગાંધીને કહ્યું કે શિયાળામાં ઠંડી લાગશે અને ઉનાળામાં ચામડી દાઝી જશે. ગાંધીજીએ તેમના પ્રત્યુત્તરમાં, એમનો નિર્ણય અફર રહેશેની જાણ કરી અને ઉમેર્યું કે બહેનોની મર્યાદા જાળવવા તેઓ પોતડી ઘૂંટણની નીચે સુધીની પહેરશે અને આમ ૨૨-૦૯-૧૯૨૧ને ગાંધીજીની પોતડીનો જન્મ થયો અને ગાંધીજી દિવંગત થયા ત્યાં સુધી તેમની સાથે જ રહી.
નાનપુરા, સુરત – રાજેન્દ્ર કર્ણિક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.