Columns

આવકાર્ય પગલું

દેશમાં વન નેશન વન ઈલેકશન બાબતે શાસક અને વિપક્ષો વચ્ચે હાકલા પડકારા થઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેની ચર્ચા બહુ થઈ નથી તે છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’. આ વિચાર ૨૦૨૦ની નવી શિક્ષણ નીતિના ભાગરૂપે રજૂ થયો હતો. આપણા દેશમાં શિક્ષણની વાત કરીએ તો મૂળભૂત રીતે તેને વ્યવસાય ગણવામાં આવતું નથી. આજે તેનું વ્યાપારીકરણ  થઈ ગયું છે તે વાત અલગ છે. એક તરફ દેશમાં મોટા ભાગની અને તમામ સ્તરે શૈક્ષણિક સંસ્થાઓ બિનનફાકીય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોય છે. તો બીજી તરફ કોલેજ અને વિશ્વવિદ્યાલયોનાં પુસ્તકાલયોમાં દેશ-વિદેશનાં પ્રતિષ્ઠિત માસિકો, દ્વિમાસિકો કે અન્ય પ્રકાશનો મેળવવાનું પરવડતું હોતું નથી. મોટા ભાગની આવી શૈક્ષણિક સંસ્થાઓ  આવાં વિદેશી પ્રકાશનોનાં લવાજમો ભરી શકતી નથી.    

આથી હવે સરકારે એક પ્રશંસનીય નિર્ણય કર્યો છે કે, દેશની અલગ અલગ કોલેજ કે વિશ્વવિદ્યાલય આવાં પ્રકાશનો માટે લવાજમ ભરે તેને બદલે આવી તમામ શૈક્ષણિક સંસ્થાઓ વતી ભારત સરકાર મહત્ત્વનાં તમામ પ્રકાશનોના લવાજમ ભરશે. આના માટે સરકારે લગભગ એંસી જેટલા પ્રકાશકોની યાદી તૈયાર કરી છે.  પહેલા તબક્કામાં દેશની લગભગ ૬૫૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓના પોણા બે કરોડ જેટલા વિદ્યાર્થીઓએ અને પ્રાધ્યાપકોને આ અતિ મોંઘાં પ્રકાશનોનો લાભ બિલકુલ વિના મૂલ્યે મળશે.  આના માટે સરકારે છ હજાર કરોડ જેવી મોટી રકમ ફાળવી છે. આ નિર્ણય સમગ્ર દેશની કોલેજ, વિશ્વવિદ્યાલયોનાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રાધ્યાપકો અને  સંશોધકોને બહુ લાભદાયી સાબિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકારને આવા સ્તુત્ય નિર્ણય બદલ ધન્યવાદ.
બારડોલી          – કેદાર રાજપૂત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શું એ જ પુનરાવર્તન થશે?
આપણા દેશમાં આસ્થા અને ધર્મના નામ પર કોઈ પણ ધતિંગ રોકવા અશક્ય છે. મારા જેવા બે ચાર મોઢા પર ચોપડાવી દે અને સવાલ કરાય,  નાસ્તિક છે? મુસલમાન છે? પાકિસ્તાન ચાલ્યો જા. જ્યારે કોરોના દેશમાં આવ્યો ત્યારે, પ્રજાએ જે સહન કર્યું એના “ઘા” હજુ રૂઝાયા નથી. માત્ર 20 દિવસ પહેલાં સરકારે જાહેર કર્યું કે ભારતમાં HMPV વાયરસથી કોઈ ખતરો નથી અને માત્ર એ પછીના દસ જ દિવસમાં HMPV નું ભારતમાં આગમન થઈ ગયું. 

તો હવે કહે છે ગભરાવાની જરૂર નથી. શું પી.એમ. કોરોનાના ફંડનો હિસાબ ન આપનાર સરકાર કોરોનાનું પુનરાવર્તન નથી કરી રહી? પરંતુ તકલીફ એ છે કે પાંચ ભેગા થાય તો વાયરસ ઝડપથી ફેલાય અને પાંચ લાખ એક જગ્યાએ હોય તો વાઇરસ જ મરી જાય? જે ત્રાસ લોકડાઉન કરીને પ્રજા પર ગુજાર્યો એ જ કહાની ફરી એક વખત પુનરાવર્તન કરવા માટે ખાણીપીણી, નશીલા પદાર્થના સેવન માટેનું સ્વર્ગ અને ધંધા માટે ઊભું કરેલ કુંભમેળાની સમાપ્તિની રાહ જોઈ રહી હોય એવું નથી લાગતું?
સુરત     – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top