Charchapatra

પાર્સલ અને ગુણનું વજન: વૈશ્વિક કાયદાનું પાલન કરો!

સુરતની ટેક્સટાઇલ માર્કેટોમાં કાપડના પાર્સલનું વજન કેટલું હોવું જોઈએ તે બાબતમાં મજૂરો આંદોલન કરે છે અને મળેલી માહિતી મુજબ 55 કિલો વજન પર બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ રહ્યું છે. મજૂરોને રાહત થાય એ આનંદના સમાચાર કહેવાય પણ આ બાબતમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશને કરેલા એક ઠરાવની યાદ તાજી થાય છે જે અનુસાર કોઈ પણ મજૂરને પોતાના વજનથી બમણું વજન એટલે કે સરેરાશ ૧૦૦ કિલો કે તેથી વધુ ઊંચકવાની ફરજ પાડી નહિ શકાય!

અમને યાદ છે ત્યાં સુધી ઓર્ગેનાઈઝેશને એવો ઠરાવ કર્યો છે કે ગુણ હોય કે પાર્સલ કોઈ પણ સંજોગોમાં 50 કિલોથી વધારે વજન હોવું નહિ જોઈએ! પહેલાં 100 કિલોના ભરતીયા ભરવાનું ચાલતું હતું પણ આ નિયમ અમલમાં આવ્યા પછી 50 -50 કિલોના પેકિંગથી વધારે વજન હોય તેવા ભરતીયા પર પ્રતિબંધ આવ્યો છે પણ આશ્ચર્યની વાત એ છે કે આ બાબતમાં કેટલા મજૂર આગેવાનો, કામદાર કાયદાના, વકીલો કે ખુદ લેબર કમિશનરને ખબર છે!? સંબંધિતોએ આ બાબતમાં અધિકૃત માહિતી મેળવી કાયદો અને પરંપરા બંનેનું પાલન થાય તેવી વ્યવસ્થા મજૂરોના હિતમાં કરવી જોઈએ.
સુરત  – સુનીલ રાજેન્દ્ર બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સારાં પુસ્તકો જ સાચાં મિત્રો
મનુષ્યના જીવનમાં સારા સંસ્કાર પડે અને ભારતીય સંસ્કૃતિનું જતન થાય તે માટે સારાં પુસ્તકો વસાવવાં જરૂરી છે. સારાં પુસ્તકો જ કલ્યાણકારી મિત્રોની ખોટ પૂરી કરે છે. સારાં પુસ્તકો વિનાનું જીવન શુષ્ક લાગે છે. આજનો નવયુવાન વર્ગ સારાં પુસ્તકો વાંચવાથી દૂર  ભાગતો જાય છે ત્યારે આજના યુવાનોને દેશદાઝ પેદા થાય, સંસ્કૃતિ પ્રત્યેની લાગણી અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ભાવના જાગૃત થાય એવાં સારાં પુસ્તકોનું વાચન કરાવવું જરૂરી છે. તો જ બાળકો સંસ્કારી બનશે.
કુકેર      – અમૃતસિંહ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top