તંદુરસ્ત રહેવા માટે અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધી એવી માન્યતા હતી કે રોજ ૨૫ થી ૩૦ મિનિટ કસરત કરવાથી તંદુરસ્ત રહી શકાય છે અને ઘણી બીમારીઓથી બચી શકાય છે. પરંતુ અઠવાડિયામાં બે દિવસ કસરત ( વીક એન્ડ વોરિયર્સ ) કરવાથી પણ ફાયદો થાય જ છે. ઇંગ્લેન્ડમાં ૯૦,૦૦૦ વ્યક્તિઓ ઉપર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં એક જૂથનાં લોકો રોજ ૨૫ થી ૩૦ મિનિટ કસરત કરતાં હતાં.
બીજા જૂથનાં લોકો (વીક એન્ડ વોરિયર્સ ) અઠવાડિયામાં બે દિવસ ૧૫૦ મિનિટ મધ્યમથી વધારે પ્રમાણમાં કસરત કરતાં હતાં અને ત્રીજા જૂથનાં લોકો કસરત વગરનું જીવન જીવતાં હતાં. દરેક વ્યક્તિના હાથે ઘડિયાળ બાંધવામાં આવી હતી, જેથી જે તે વ્યક્તિએ અઠવાડિયા દરમિયાન કરેલી કસરત અંગેની માહિતી મળી શકે. અભ્યાસને અંતે એવું તારણ નીકળ્યું કે જે વ્યક્તિઓ રોજ કસરત કરતાં હતાં તેઓમાં ૨૮ ટકા લોકોને બ્લડપ્રેશરમાં અને ૪૬ ટકા લોકોને ડાયાબિટીસમાં ફાયદો થયો હતો. જ્યારે જે લોકોએ અઠવાડિયામાં બે દિવસ કસરત કરી હતી તેઓમાં ૨૩ ટકા લોકોને બ્લડપ્રેશરમાં તથા ૪૩ ટકા લોકોને ડાયાબિટીસમાં ફાયદો થયો હતો.
નિયમિત કસરત કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, પાચન ક્રિયાના રોગ તથા હૃદયની બીમારીમાં ઘણો ફાયદો થાય છે. માનસિક તણાવ ,ચિંતા ઓછાં થાય છે. ઊંઘ સારી આવે છે તથા સ્વસ્થ રહી શકાય છે.આથી જે લોકો કામ ધંધાને કારણે કે સર્વિસને કારણે કે અન્ય કોઈ કારણસર રોજ નિયમિત કસરત કરી શકતા નહીં હોય પરંતુ જો તેઓ અઠવાડિયામાં બે દિવસ પણ સમય કાઢી જો ૧૫૦ મિનિટ માટે મધ્યમથી વધારે પ્રમાણની કસરત કરશે તો બીમારીથી બચી શકશે તથા સ્વાસ્થ્ય સારું રાખી શકશે.
અમેરિકા – ડૉ. ચંદ્રેશ જરદોશ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.