આપણી સ્ક્વેર ફીટ જેવી જિંદગીમાં હવે શેરી મહોલ્લા તૂટી રહ્યાં છે. ઓણસાલ લગ્નગાળામાં વાડીઓ, ફાઈવસ્ટાર હોટેલ પરણશે અને આપણા ઘરનું બારણું કુંવારું રહી જશે. સમય બદલાતાં વર-વધૂને લગ્નનો રોમાંચ રહ્યો નથી.પહેલાં જે ઘરમાં લગ્ન હોય ત્યાં વાતાવરણ કંઈક અલગ હતું. ઘરમાં મંગળ ગીતો ગવાય. શેરીમાં માંડવો બંધાય. માણેક સ્તંભ રોપાય, બારણા પર આસોપાલવ બંધાય.શેરીના એક ખૂણે મગબાફણા ખડકાય.ગુજરાતી ભાષાની એક ગરવાઇ છે કે ચિતા ઉપર જે ગોઠવીએ એને લાકડાં કહેવાય. પણ લગ્ન જેવા શુભ પ્રસંગે રસોઈ માટે જે મંગાવીએ એને મગબાફણા કહેવાય.
આગલે દિવસે જમણવાર કરવાનો હોય ત્યારે શેરીના એક ખૂણે ચૂલ્ય ખોદાય. મોટા તપેલામાં ઉકળતી દાળની સોડમ એવી વછૂટે કે કબજીયાતનો દર્દી પણ ખાઉધરો થઇ જાય. રાઇ મેથીના વઘારનો છમકારો અને લાપસીનાં બળતાં ઘીની સોડમથી આખી શેરી અન્નપૂર્ણામય બની જાય. સ્માર્ટ સિટીઓમાંથી હવે લગ્નનો રોમાંચ ભાગી ગયો છે. વિસ્મયનું તળિયું દેખાઈ રહ્યું છે.લગ્નના જમણવાર કેટરરના હાથમાં છે. બુફે ડીનરો છે. હલ્દી, સંગીત સંધ્યા,મહેંદી અને સત્કાર સમારંભ ઉમેરાયા હોવા છતાં હૈયામાં ઉમળકાનો અભાવ વર્તાય છે.આજે પણ પહેલાંના સમયમાં થતાં લગ્નના ‘સ્મરણોની શરણાઈ’ મનને આનંદિત કરી દે છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બધાને ઘર જ કેમ, યાદ આવે છે?
ધરતી અને આકાશનો કોઇ અંત નથી છતાં ક્ષિતિજમાં બંને મળે છે. પરંતુ ગુજરાતીમાં કહેવત છે, ‘ધરતીનો છેડો ઘર’ તે વાત સાચી છે. કેમ કે કામ-ધંધા નોકરી પર ગયેલો માણસ સાંજ પડે એટલે પોતાના ઘરે આવે છે અને પરિવાર – સ્નેહી-મિત્રો સાથે આનંદ માણે છે. શાળા–કોલેજમાં ભણવા ગયેલો વિદ્યાર્થી પણ સાંજે ઘરે આવે છે. ખેતરમાં ગયેલો ખેડૂત કે ખેતમજૂર પણ કામ પતાવી ઘરભેગો થાય છે. વગડામાં ચરવા ગયેલાં ઢોર પણ સાંજ પડે એટલે ઘરે આવીને કોઢારમાં બંધાય છે. યાત્રા-પ્રવાસે ગયેલો માણસ પણ પ્રવાસ પૂરો થતાં ઘરે આવી જાય છે. આમ ઘરની મહત્તા વિશેષ છે. એટલે બધાને ઘર યાદ આવે છે. પ્રેમી-પંખીડાં-ચૂપકે ચૂપકે મળતાં હોય છે. તેમનું પણ મિલન સ્થળ હોવું જોઈએ. પ્રસિદ્ધ ગઝલકાર મનહર ઉધાસે સરસ ગાયું છે. ‘પૃથ્વીને આ વિશાળતા અમથી-નથી મળી, અમારા મિલનની પણ કયાંક જગા હોવી જોઈએ.’
તરસાડા – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.