વર્તમાન સમયમાં લગ્ન સમારંભો ફાઈવ સ્ટાર હોટલો અને પાર્ટી પ્લોટ પર યોજાઈ રહ્યા છે. પહેલા સમયમાં તળસુરતમાં લગ્ન સમારંભો ફક્ત ઘર આંગણે જ થતા.શેરી મહોલ્લામાં સગવડના અભાવના કારણે સુરતમાં વસવાટ કરતા વિવિધ જ્ઞાતિના શ્રેષ્ઠીઓએ લગ્નની વાડીઓનું નિર્માણ કરાવ્યું હતું. લોકો જ્ઞાતિની વાડીમાં પણ લગ્ન સમારંભો યોજતા થયાં હતાં. તળસુરતમાં અનેક વાડીઓ આવેલી છે જેમાં મોઢ સમાજની વાડી(રૂઢનાથ પુરા), મોઢ પતણી સમાજની વાડી(પીરછડી રોડ), લેઉઆ પાટીદાર સમાજની વાડી(રામપુરા), સુરતી ક્ષત્રિય સમાજ ની વાડી(સિંગાપુરીની વાડી સલાબતપુરા), ખંભાતી ખત્રી સમાજની વાડી(સલાબતપુરા), સિકોતેર માતાની વાડી(રાણા સમાજ(નવાપુરા), અનાવિલ સમાજની વાડી દયાળજી બાગ(મજુરા ગેટ), અનાવિલ વાડી(સગરામપુરા અને ગોપીપુરા), ભાવસાર પંચની વાડી, અને ધોબી સમાજની વાડી(સગરામપુરા), સોરઠીયાની વાડી(મજુરા ગેટ), દશા વિશાલાડ વણિકની વાડી(હરિપુરા), માળી પંચની વાડી(ભાગળ), ખડાયતા સમાજની વાડી (સૈયદપુરા), લોહાણા સમાજની વાડી(વાડીફળિયા), દરજીની વાડી(શાહપોર), વાણિયા સમાજની જૂની વિઠ્ઠલવાડી(નાણાવટ), ખંભાતી ખારવા સમાજની વાડી(રૂદરપુરા), સમસ્ત માછી સમાજની વાડી(નાનપુરા), મૈસુરીયા સમાજની લક્ષ્મી વાડી(ખપાટીયા ચકલા) સોની સમાજની મહાલક્ષ્મીની વાડી(સોનીફળિયા), કાયસ્થ સમાજની વાડી(ગોપીપુરા), ચાંપાનેરીયા સમાજની વાડી(વાડીફળિયા),ભાટીયાની વાડી(અંબાજી રોડ),સોનીની વાડી(સોનીફળિયા) વિ.આજે સ્પર્ધાત્મક સમયમાં પણ વિવિધ જ્ઞાતિની વાડીઓ સમાજના લોકોને સુવિધા આપી સદકાર્ય કરી રહ્યા છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રેમ એ પ્રેમ છે એને એકતરફીના લેબલની જરૂર નથી
એક તરફી પ્રેમમાં પડીને યુવતિઓ પાછળ પડતા(દોડતા) યુવાનો એ કોઇ નવી વાત નથી.પણ પ્રેમમાં સંમતિ સાથે પરસ્પર આકર્ષણથી પડેલાં યુવક યુવતીઓમાં પણ એકસરખી ચાહના નથી હોતી. બે જણામાંથી એકનું પલ્લું આમા થોડું વધુ નમેલું હોય છે.અને એટલે અંશે તો એ પણ એકતરફી પ્રેમ તમે કહી શકો.આ વાત બારીકાઈથી જોતાં પ્રાણીસૃષ્ટિમાં પણ આપણને જોવા મળે છે.જો સ્ત્રી પુરુષ અને નર માદા વચ્ચે કુદરતે આકર્ષણ ન મૂકયું હોત તો પ્રેમનું પ્રાગટય પણ શક્ય ન બનત એ સ્વીકૃત બાબત છે.
આમાં રસપ્રદ બાબત એ છે કે પ્રેમમાં આગળ વધવાની કે પ્રિયપાત્રને રિઝવવાની જવાબદારી મનુષ્ય અને પ્રાણીસૃષ્ટિ બંનેમા નર પક્ષે જ રહે છે.’તુંકહે તો તારા માટે આકાશના તારા તોડી લાવું’ એ કોઇ સ્ત્રી બોલી હોય એમ સાંભળ્યું છે? પ્રસિદ્ધ લેખક,ચિંતક અને કટારલેખક જય વસાવડાએ આનો ઉત્તર શોધી લાવતાં એક ઠેકાણે કહ્યું છે કે અપવાદ રૂપ એક કિસ્સો જાણવા મળે છે, કે એક માત્ર જળઘોડો જ જાત સમેટીને બેઠો રહે છે અને એને રિઝવવા, પામવા , માટે માદા એની ફરતે ગોળ ગોળ ફરતી રહે છે.પ્રેમનું અદભુત સ્વરૂપ આપણને અહીં જોવા મળે છે.
સુરત – પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.