Charchapatra

લગ્નના જમણવારનાં નોતરાં

લગ્ન પ્રસંગમાં મહેમાનોને જમણવારમાં આમંત્રણ આપવામાં આવે છે તેને નોતરું કહેવાય. પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગે રૂબરૂ જઇ નોતરું આપવાનો રિવાજ હતો. ખત્રી સમાજમાં લગ્ન પ્રસંગના જમણવારનાં નોતરાં આપવા ઘરના જમાઈ અને ફુઆ સગાસંબંધીઓને ત્યાં જતા હતા. જે ઘરમાં નોતરાં કહેતાં પહેલાં કંકુવાળા ચોખા સગાંસબંધીનાં ઘરમાં વધાવતાં અને બોલતાં કે ફલાણાને ત્યાંથી તમારે ત્યાં લગ્નના જમણવારમાં સહકુટુંબ નોતરાં છે. નોતરું આપનાર જમાઈ ફુઆની આગતા સ્વાગતા કરવામાં આવતી.

ઘરેઘર નાસ્તા પાણી અને રંગપાણી કરવાથી જમાઈ ફુઆની હાલત રાત સુધીમાં જોવા જેવી થઈ જતી. સમગ્ર ખત્રી સમાજ સુરતના કોટવિસ્તારમાં જ વસતો હોવાથી સરળતાથી નોતરાંનું કાર્ય પતી જતું. સમય જતાં કંકોતરીમાં નોતરાં લખવાની પ્રથા ચાલુ થઈ અને આજે ડિજીટલ યુગમાં ડિજીટલ આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. સમય જતાં બધું બદલાઈ રહ્યું છે. પહેલાંના સમયમાં ઓછા ખર્ચે સાદાઈથી લગ્ન થતાં હોવા છતાં ત્યારે સગાં સંબંધીઓમાં ઉમંગ, ઉત્સાહ અને લાગણી સરભરાથી પ્રસંગને મન મૂકીને માણતાં હતાં.
સુરત     – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top