SURAT

સુરતનો કાપડ ઉદ્યોગ તકલીફમાં, નાયલોનનું ઉત્પાદન કરતા વીવર્સે લીધો આઘાતજનક નિર્ણય

સુરત: લાંબા સમયથી મંદીનો (Inflation) સામનો કરી રહેલો સુરતનો કાપડ ઉદ્યોગ (Surat Textile Industry) આર્થિક તકલીફમાં મુકાયો છે. કપડાંનું વેચાણ ઘટવા સાથે માર્કેટમાં નાણાંનું રોટેશન ફરતું ઓછું થયું હોય વેપારી, ઉત્પાદકો અને ઉદ્યોગકારોને રૂટિન કામકાજ કરવામાં મુશ્કેલી નડી રહી છે. ઉત્પાદકોને સૌથી વધુ તકલીફ છે. પ્રોડક્શન અટકાવી શકતા નહીં હોવાના લીધે તેઓ ઓવરપ્રોડક્શન, મની ક્રાઈસીસના લીધે ભીંસમાં મુકાયા છે. જેના પગલે સુરતમાં નાયલોન (Nylon Weavers) કાપડનું ઉત્પાદન કરતા વીવર્સે ખૂબ જ આધાકજનક નિર્ણય લીધો છે.

આજે શુક્રવારે તા. 6 જાન્યુઆરી 2023ના રોજ સુરતના વેડ રોડ નાયલોન વિવર્સ એસોસિયેશનના સભ્યમિત્રોની “નાયલોન ઉત્પાદન કાપ ” અંગે આગળની રણનીતિ ઘડવા માટે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્પાદન કાપના ફાયદા ગેરફાયદા વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. અંતે ચર્ચાના સારાંશરૂપે સર્વાનુમતે ઠરાવ પાસ કરી શનિવાર-રવિવાર અથવા એક પાલી ચલાવી ઉત્પાદન કાપ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

વાસ્કોફ ઉપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ચાહવાલાએ જણાવ્યું હતું કે હાલમાં સુરતમાં નાયલોનનું મહિનાનું ઉત્પાદન લગભગ પાંચથી છ કરોડ મીટર છે. પરંતુ એની સામે માંગ 50 ટકા જ છે. જેના લીધે પ્રોડ્કશન અને સપ્લાયનું બેલેન્સ ખોરવાયું છે. આ સ્થિતિને બેલેન્સ કરવા માટે ઉત્પાદન કાપ સિવાય વીવર્સ પાસે કોઈ રસ્તો દેખાતો નથી. આમ કરવાથી સામાન્ય પ્રશ્નો જેવા કે કારીગરનું ગામ જવું, ભાડાના કે મજૂરીના ખાતાં પર અસર, બેંક લોન હપ્તા પર અસર ઉદભવી શકે છે, પરંતુ આ પ્રશ્નોની સામે નુકસાનથી માલ વેચવો અસામાન્ય બાબત છે. જે લાંબા ગાળે દેવામાં ડુબાડી દે છે અને ખાતાં વેચવાનો સમય આવી શકે છે. વીવર્સ જ્યાં સુધી આ વિકટ પરિસ્થિતિઓમાંથી બહાર ન આવે ત્યાં સુધી ઉત્પાદન કાપ જરૂરી છે . તેથી એક પાળી ખાતા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બેઠકમાં વીવર્સ માલનો ભાવ જાતે નક્કી કરશે તો જ યોગ્ય ભાવ તેમને મળતો થશે તે મુદ્દે ચર્ચા થઈ હતી. જો સક્ષમ ભાવથી માલ વેચાશે આપણા માલનો ભાવ આપણે નક્કી કરીશું તો જ દરેક સમસ્યામાંથી બહાર આવી શકીશું.

Most Popular

To Top