Columns

પંચોતેર વરસની સૌમ્યતા બાદ જાપાન માટે શસ્ત્રો અનિવાર્ય બન્યાં

બીજા વિશ્વ યુદ્ધ અગાઉ અને દરમિયાન જર્મનીની ક્રૂરતા, નિર્દયતા અને તુમાખીનો દુનિયામાં કોઇ બીજો જોટો હતો તો તે જાપાન હતું. ચીન, વિયેતનામ, મલેશિયા, સિંગાપુર અને પૂર્વ ભારત નજીક જાપાન પહોંચી ગયું હતું. ચારે તરફ તબાહી, ઇરાદાપૂર્વકના રોગાણુઓ વડે બીમારીઓ મચાવી રાખી હતી. જાપાનીઓ ખરેખર માનતા કે તેઓ સાદા માનવીઓ નથી પણ એક ઉત્તમ કોટિની જાતિ છે જે દુનિયાના અન્ય સામાન્ય માનવીઓથી અલગ છે. હાલના અરધા ચીન પર જાપાને કબજો જમાવી દીધો હતો અને ચીની માનવીઓ પર પ્રયોગો માટે બેરહમ અત્યાચારો કર્યા હતા. માનવીઓ બરફની પાટો પર કેટલા દિવસ જીવતા રહી શકે, તેઓને બેભાન કર્યા વગર તેઓના શરીર પર કેટલા ઊંડા ઘા કરી શકાય, કઇ દવા, કયા ઝેરી ગેસની કેટલી અસર થાય વગેરે જાણવા માટે ચીનાઓના સમૂહો પર અત્યાચારો આચરવામાં આવતા.

આખા ને આખા ગામોને બંધક બનાવી તેમના ગામ પર ઝેરી ગેસ છોડવામાં આવતો. લોકો આગળપાછળ ભાગીને મરણને શરણ થતા. અત્યાચારો આધારે પ્રયોગો કરવા માટે વિશાળ પ્રયોગશાળાઓ અનેક સ્થળે બાંધવામાં આવી હતી જયાં સાત સાત વરસ અમાનુષી પ્રયોગો ચાલતા. ચીની પુરુષ કે સ્ત્રી સંપૂર્ણ ભાનમાં હોય ત્યારે કરવતો વડે તેમનાં અવયવો કાપવામાં આવતાં. તેઓ માનતા કે જાપાનની પ્રજા સિવાય જે પ્રજા છે તે પ્રાણીઓ જેવી અથવા તો તેનાથી પણ બદતર છે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરનાં દળો સામે લડવામાં બ્રિટન, રશિયા, અમેરિકા, ફ્રાન્સ વગેરેનું ધ્યાન યુરોપ પર મંડાયેલું રહ્યું અને તે દેશોમાં મીડિયાનો ફેલાવો ત્યારે વધુ હતો જેથી જાપાને ચીન અને અન્ય દેશો પર આચરેલા અત્યાચારો પર ખાસ પ્રકાશ પડયો ન હતો. કેટલીક બાબતો તો બીજું વિશ્વયુદ્ધ સમાપ્ત થયું ત્યાર બાદ પ્રકાશમાં આવી. એ દરમિયાન જાપાને ચીન પર જે અમાનવીય વ્યવહાર વરસો સુધી કર્યો હતો તે બદલ ચીને જાપાનને હજી સુધી માફ કર્યું નથી.

હિટલર સામે સંગઠિત થયેલા દેશોમાંથી અમેરિકાએ પર્લ હાર્બરની ઘટના બાદ હીરોશીમા અને નાગાસાકી પર અણુ બોમ્બ ફેંકયા અને ઇતિહાસમાં ત્યાર સુધી થયું ન હતું તે થયું. અફસોસની વાત છે કે લાખો નિર્દોષ જાપાનીઓ માર્યા ગયા અને જાપાનના બધા લોકો ખરાબ નથી. ઉત્તમ દરજજાના વિચારકો, મહેનતુઓ, કલાકારો, ઉદ્યોગપતિઓ જાપાનમાં ત્યારે પણ હતા અને આજે પણ છે પરંતુ એ સમયે જાપાનનું શાસન એવા લોકોના હાથમાં હતું જેમના હાથમાં હોવું ન જોઇએ. અણુ બોમ્બ ફેંકાયા ન હોત તો જાપાન કે જર્મનીના હિટલર વાર્યા વળ્યા ન હોત. અણુ વિસ્ફોટ બાદ જાપાને શરણાગતિ સ્વીકારવી પડી. તેને સમજવાની ફરજ પડી કે હકીકતમાં તેઓ બીજા માનવીઓથી વિશેષ કશું નથી.

આંતરરાષ્ટ્રીય ન્યાયપંચ રચવામાં આવ્યું જેણે અમુક કસૂરવાર જાપાનીઓને સજા કરી. એ ન્યાયપંચમાં અમેરિકા અને રશિયા બન્ને હતા પણ રશિયાનો રોલ માત્ર મંજીરા વગાડવા પૂરતો સીમિત હતો. અમેરિકનોનો ખરો ગજ વાગતો હતો કારણ કે જાપાનને શરણે આવવાની ફરજ અમેરિકનોએ જ પાડી હતી. સંશોધનોના નામે જાપાનીઓએ અનેક સાચીખોટી શોધો કરી હતી. ચીનાઓને ઉંદર, પીગ કે સસલાં ગણીને એ શોધો કરી હતી. જૈવિક, રાસાયણિક શસ્ત્રો વિકસાવ્યાં હતાં. ત્યારે અમેરિકા વહેમમાં હતું કે જાપાન પાસે અનેક મહત્ત્વપૂર્ણ શોધોની સફળ ફોર્મ્યુલાઓ છે.

એ મેળવવાની શરતે અમેરિકાએ જાપાનના ત્યારના શહેનશાહને માફી આપી દીધી અને ગાદી પર ટકાવી રાખ્યા. બદલામાં જાપાને અમેરિકાની વણલિખિત આણ સ્વીકારી. જાપાન અને અમેરિકા વચ્ચે વેપારી સંબંધો ખૂબ વિકસ્યા. જાપાન સખત મહેનત અને બુધ્ધિબળ વડે આર્થિક રીતે સંપન્ન થયું અને એક મહત્ત્વની શરત, વ્યકત કે અવ્યકત ભાષામાં એ સ્વીકારી કે જાપાન કયારેય ખતરનાક અણુ શસ્ત્રો અને અન્ય શસ્ત્રોનું નિર્માણ નહીં કરે. કરશે તો અમેરિકા કે દુનિયાને અંધારામાં રાખશે નહીં.

પરંતુ હવે 78 વરસ બાદ સ્થિતિ એની એ નથી રહી. જેની લાગણીઓ સંવેદનાઓ લાકડાની સમકક્ષ ગણાતી હતી એ ચીનાઓ હવે જાપાનને ભારે પડી રહ્યા છે. દુનિયામાં કોઇએ માની લેવું ન જોઇએ કે પોતાના વિચારો, સત્તા અને પ્રભુત્વ કાયમ માટે ટકી રહેશે. જો કોઇ ધર્મ પણ પોતાને એ કક્ષામાં મૂકતો હોય તો તે ડહાપણ નથી પણ મૂર્ખતા છે અને મૂર્ખતા કોઇ ધર્મ હોઇ શકે? દરેક માન, પાન, કામ, ધામ અને શ્વાનનો આખરે એક દિવસ અંત આવે જ છે. પરંતુ માણસ એવી ઘટનામાંથી જ્ઞાન લે તો જાપાનની જેમ ફરીથી સરસ રીતે બેઠા થઇ શકાય.

જાપાનને હવે એ સ્થિતિ નડી રહી છે જેમાં 75 વરસ એણે સૌમ્યતા જાળવી રાખી હતી. તે દરમિયાન ચીન ખૂંખાર અને બેમર્યાદ બની ગયું. જેમ રશિયાએ યુક્રેનને કબજે કરવાનો પ્રયત્ન કર્યો તેમ તાઇવાન ચીનની યાદીમાં વરસોથી છે. ચીન માને છે કે તાઇવાન ચીનનો જ એક ભાગ છે. ચીન જાપાન અને દક્ષિણ કોરિયાને પણ દુશ્મન માને છે પણ ચીન સાથે જમીનથી જોડાયેલા ઉત્તર કોરિયાને મિત્ર માને છે. જે જાકુબીના અને નાલાયકીના કામ હોય તે ચીન ઉત્તર કોરિયા કિમ પાસે કરાવે છે, જે રીતે સજજન દેખાતા સરપંચ બદમાશીના કામો એના ભાઇ અથવા દીકરા પાસે કરાવતાં હોય છે. કોઇ ફરિયાદ લઇને આવે તો તેઓની રૂબરૂમાં ભાઇ કે દીકરાને કડક ઠપકો આપે. કોઇ ચીજનો દીકરા કે ભાઇ પર એવી રીતે ઘા કરે કે તે તેઓને વાગે જ નહીં. ચીનની આ રમત હવે તેઓના પાડોશી દેશોને પરેશાન કરે છે, ચિંતામાં મૂકે છે. જાપાનને હવે લાગી રહ્યું છે કે શસ્ત્રોથી સજજ થવું અનિવાર્ય છે પરંતુ તે માટે મોટી નાણાંકીય વ્યવસ્થા કરવી પણ જરૂરી છે.

અમેરિકા પાસેથી જાપાન ઊંચી મારક ક્ષમતાની ક્રુઝ મિસાઇલો ખરીદવા માગે છે. ચીનની પાડોશમાં ચીનનો એક બળવાન શત્રુ હોય તે અમેરિકાના હિતમાં પણ છે. ચીનને ખાળવા જાપાન પોતાની રીતે ક્રુઝ મિસાઇલો બાંધવા માગે છે. સાયબર ક્ષમતા વિકસાવવા માગે છે. તાઇવાન અને યુક્રેનની ઘટનાઓ બાદ જાપાની પ્રજા પણ સરકારની પડખે ઊભી છે. જાપાનના નવા બંધારણની કલમ ક્રમાંક નવમાં એ બાબત સ્વીકારવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય ઝગડાઓનો ઉકેલ આણવા માટે બળપ્રયોગ કે બળપ્રયોગની ધમકીઓનો ઉપયોગ ન કરવો.

આ કલમ ‘શાંતિની કલમ’ તરીકે ઓળખાય છે અને હમણાં સુધી જાપાનની પ્રજા બંધારણની એ કલમનું પાલન ઇચ્છતી હતી પણ હવે નહીં. ભારે ક્ષમતાનાં શસ્ત્રો ખરીદવાં, ડેવલપ કરવા સામે જાપાનના વડાપ્રધાન ફૂમીઓ કીશીદા હવે પ્રજાને એ વાત ગળે ઉતારવા માટે મહેનત કરી રહ્યા છે કે ભારે શસ્ત્રો વડે જાપાનને સજજ કરવા માટે ખૂબ મોટો ખર્ચ કરવો પડશે. જાપાનનો સમાજ ઝડપભેર, ભારતના પારસીઓની માફક વૃધ્ધ થઇ રહ્યો છે. જાપાનની મસમોટી કંપનીઓ, કોર્પોરેશનો પાસે નાણાંની અછત નથી.

જો કીશીદા જાપાનીઓને ખર્ચ કરવા માટે સમજાવવામાં સફળ થશે તો જાપાની સુરક્ષાવ્યવસ્થાની સાથે સાથે પોતાની લોકપ્રિયતાને પણ મજબૂત બનાવી શકશે. વળી અમેરિકા ઉપરાંત ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં પોતાના સાથી – મિત્ર દેશો વચ્ચે જાપાન એક મહત્ત્વના પાર્ટનરનું સ્ટેટસ પ્રાપ્ત કરી શકશે. હાલમાં તો ઉત્તર કોરિયા વારંવાર જાપાનના આકાશ પરથી પેલે પાર મિસાઇલો પ્રયોગો વાસ્તે છોડે છે અને જાપાનને ડરાવતું રહે છે. કીશીદા પોતાના કામમાં નિષ્ફળ જશે તો કદાચ એમનો લિબરલ ડેમોક્રેટિક પક્ષ સત્તા પણ ગુમાવે. સંરક્ષણના ખર્ચ માટે ગંજાવર રકમની જોગવાઇ બાબતે શાસક પક્ષ અને સરકારમાં મજબૂત એકતા જણાતી નથી.

જાપાન સરકારનો નવો રિપોર્ટ ચીનની લશ્કરી પ્રવૃત્તિઓ અને જમાવટને અસાધારણ અને સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર જણાવે છે. કીશીદા કહે છે કે જાપાન પોતાના સંરક્ષણ બજેટ માટે આગામી 5 વરસમાં 315 અબજ અમેરિકી ડોલર બજેટમાંથી અલગ તારવશે. હાલમાં સંરક્ષણની જે અંદાજપત્રીય જોગવાઇ છે તેમાં 57%નો નોંધપાત્ર વધારો થશે. તે ગણતરી પ્રમાણે જાપાનની GDPની 2% રકમ સંરક્ષણ ક્ષેત્ર માટે વપરાશે અને નાટો દેશો પણ આટલી રકમ ફાળવતા હોય છે. જાપાન આવતા નાણાંકીય વર્ષમાં સંરક્ષણ માટે જે રકમ વાપરવાનું છે તે ચીનના ખર્ચ કરતાં પાંચમા ભાગનું હશે. સરકાર વધુ રકમ કરવેરા સિવાયના અન્ય માર્ગોથી પ્રાપ્ત કરી બજેટ વધારવા માગે છે. પરંતુ નોન-ટેકસ રેવન્યુ, તમાકુ પરના કરવેરા, કોર્પોરેટ ટેકસ વગેરે વધારીને એ રકમ પ્રાપ્ત થશે. અમુક નિષ્ણાતો કહી રહ્યા છે કે આ ઇમરજન્સીની સ્થિતિ છે માટે વેદિયાની માફક રકમ અહીંથી નહીં, પણ અહીંથી ઊભી કરવી જોઇએ એમાં પડવાની જરૂર નથી. રકમ ઊભી કરો અને સજજ બનો.

Most Popular

To Top