ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. આર્મી ચીફે પાકિસ્તાનને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન નકશા પર પોતાનું સ્થાન જાળવી રાખવા માંગે છે તો તેણે આતંકવાદ બંધ કરવો પડશે.
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે લશ્કરી તૈયારીઓની સમીક્ષા કરવા માટે આગળના વિસ્તારો અને બિકાનેર લશ્કરી સ્ટેશનની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન આર્મી ચીફે સેનાને આધુનિક બનાવવાની, લડાઇ તૈયારીઓને મજબૂત બનાવવાની અને તકનીકી ક્ષમતાઓને મજબૂત બનાવવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો.
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શુક્રવારે શ્રી ગંગાનગરના 22 એમડી, ઘડસાણા ગામના સરહદી વિસ્તારની મુલાકાત લીધી. તેમણે સેના અને સરહદ સુરક્ષા દળના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને આતંકવાદ સામે ભારતની તૈયારીઓની સમીક્ષા કરી.
આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ નહીં કરે તો તેને નકશા પરથી ભૂંસી નાંખીશુ. તેમણે ઉમેર્યું હતું કે આ વખતે ભારતીય સેના પહેલા જેવું સંયમ નહીં બતાવે. જો પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનું બંધ નહીં કરે તો ‘ઓપરેશન સિંદૂર’નો બીજો તબક્કો ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે.
9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ
જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ ઓપરેશનમાં લગભગ 100 પાકિસ્તાની સેનાના સૈનિકો અને ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂરની સફળતાનો શ્રેય સેનાના જવાનો અને સ્થાનિક લોકોને જાય છે. આ ઓપરેશનનું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાખવામાં આવ્યું હતું અને તે મહિલાઓને સમર્પિત હતું.
અનુપગઢમાં એક સૈન્ય ચોકીની મુલાકાત લેતી વખતે જનરલ દ્વિવેદીએ કહ્યું, “આ વખતે અમે ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન જે સંયમ બતાવ્યો હતો તે નહીં બતાવીએ. અમે પાકિસ્તાનને વિચારવા મજબૂર કરીશું કે તે પોતાની સ્થિતિ જાળવી રાખવા માંગે છે કે નહીં. જો તે પોતાની સ્થિતિ જાળવી રાખવા માંગે છે તો તેણે રાજ્ય પ્રાયોજિત આતંકવાદ બંધ કરવો પડશે.”
‘ટૂંક સમયમાં તક મળશે’
આ કાર્યક્રમમાં ઓપરેશન સિંદૂર 1.0 દરમિયાન અસાધારણ રીતે સારું પ્રદર્શન કરનારા ત્રણ અધિકારીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યું. બીએસએફની ૧૪૦મી બટાલિયનના કમાન્ડન્ટ પ્રભાકર સિંહ, રાજપૂતાના રાઇફલ્સના મેજર રિતેશ કુમાર અને હવાલદાર મોહિત ગેરાને તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જનરલ દ્વિવેદીએ સૈનિકોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા વિનંતી કરી અને કહ્યું કે ભગવાનની ઇચ્છા હશે તો તેમને ટૂંક સમયમાં ઓપરેશન સિંદૂર 2.0 માં ભાગ લેવાની તક મળશે.