Gujarat

રાજ્યમાં જરૂર પડી તો વધુ કડક કાયદા અમલમાં લાવીશું : રાજેન્દ્ર ત્રિવેદી

મહેસૂલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રવિવારે સ્વર્ણિમ સંકુલ-૧ ગાંધીનગર ખાતે વિધિવત પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સહિત પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસૂલ મંત્રી ત્રિવેદીએ અનુસૂચિત જાતિની દીકરીઓની ઉપસ્થિતિમાં પૂજન અર્ચન કરી પ્રવેશ મેળવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અગાઉની અમારી જ સરકારની વિકાસની દિશામાં આગળ ચાલીને ગુજરાતનો સર્વાંગી વિકાસ કરીશું. રાજ્યના લોકોની સુખાકારી માટે વિવિધ વિભાગો કામ કરતા હોય છે.

કાયદો નાગરિકોને ઝડપી અને સરળતાથી પ્રાપ્ત થાય, લોકોને સરળતાથી ન્યાય મળે તે અમારી સરકારની પ્રથમ પ્રાથમિકતા રહેશે. ગુજરાતમાં સારા અને કડક કાયદાઓ લાવવામાં આવ્યા છે. હાલમાં ગુનેગારોને રાજ્ય છોડવા મજબૂર કરનારા કાયદાઓ અમલમાં છે અને જરૂર પડી તો વધુ કડક કાયદા લાવીશું. વિવિધ કેસોમાં સાક્ષીઓને સાક્ષી આપવામાં વધુ સરળતા રહે તેવી વ્યવસ્થા ઉભી કરાશે. તેમણે જણાવ્યું હતું કે, હક પત્રકની નોંધ બાબતે પણ વધુ કાળજી લેવામાં આવશે અને જરૂર પડી તો સંબંધિતો સામે પગલાં પણ લેવામાં આવશે. બિન ખેતી લાયક જમીનની પ્રક્રિયામાં ટેકનિકલ પ્રશ્નો ઉભા થયા છે તેની ઝડપથી દૂર કરીને વધુ સરળ બનાવાશે. લોકોના પ્રશ્નો સીધા લોકો પાસેથી સાંભળીને તેમને ઝડપી ન્યાય અપાવવાની દિશામાં અમે કામ કરીશું.

મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કુદરતી આપત્તિ-અતિવૃષ્ટિના કારણે લોકોને હાલાકી નહીં પડે તેની વધુ કાળજી લેવામાં આવશે. રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર આવેલા પૂરનો ભોગ બનેલાના વારસોને સહાય ચૂકવી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેશડોલમાં કોઈ પણ બાકાત રહ્યું નથી. તમામ લોકોને સહાય ચૂકવાઈ ગઈ છે. તાઉતે વાવાઝોડા વખતે અનેક સ્થાનિક લોકોએ સેવાના – મદદના સારા કામ કર્યા છે. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સમયે મદદરૂપ થવાના હેતુથી 50 હજાર સ્થાનિક લોકો તૈયાર થયા છે. જે આવી આપત્તિ સમયે ‘આપદા મિત્ર’ તરીકે સરકાર સાથે કામ કરશે.

જમીનના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે
રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે જમીનના વેચાણ બાદ નોંધની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવશે. આવનાર દિવસોમાં મામલતદાર અને તમામ જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફ્રરન્સ યોજાશે. જેમાં મહેસૂલના પડતર કેસોનો સમીક્ષા હાથ ધરવામાં આવશે. મહેસૂલ વિભાગમાં આવનાર દિવસોમાં પડતર પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે વધુ કડક હાથ કામ લેવામાં આવશે.

Most Popular

To Top