એવું કહેવાય છે કે, જ્યારે તમારો દોસ્ત જ તમારો દુશ્મન બને ત્યારે એનાથી વધારે કટ્ટર બીજો કોઈ શત્રુ કલ્પી શકો નહીં. પહેલી ટર્મમાં ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની દોસ્તી વિશે અનેક વખત મહિમાગાન થતા. ભારતીય વડા પ્રધાને પણ પ્રોટોકોલની ઐસી કી તૈસી કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભામાં ‘અબકી બાર ટ્રમ્પ સરકાર’ સૂત્ર સાથે અને ત્યાર બાદ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’નો જડબેસલાક કાર્યક્રમ કરી મોદી અને ટ્રમ્પની મિત્રતાની દુહાઈ આપી હતી.
પણ એ ચૂંટણી ટ્રમ્પ હાર્યા. એમને હરાવીને જો બાઇડેન અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ બન્યા. ટ્રમ્પે ખૂબ ધમપછાડા કર્યા, ત્યાં સુધી કે અમેરિકાની લોકશાહીને લાંછન લાગે એ રીતે કેપિટોલ પર એમના સમર્થકોનાં ટોળેટોળાં દોડી આવ્યાં. તોડફોડ થઈ અને ટ્રમ્પ હાર્યા હતા છતાં પણ એમણે હાર ના સ્વીકારી. બીજી વખતની ચૂંટણીમાં એ જ્યારે બાઇડેન સામે ઊભા રહ્યા ત્યારે ઘણાં રાજકીય વિશ્લેષકો એમની ઉમેદવારીને ગંભીરતાથી લેતાં નહોતાં પણ ટ્રમ્પ જીત્યા અને જાન્યુઆરી, ૨૦૨૫માં અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે બીજી ટર્મની એમણે સોગંદવિધિ કરી.
ગમે તે થયું હોય પણ આ અવસ૨માં ચીનને પોતાનું કટ્ટરવિરોધી ગણતા ટ્રમ્પે શી જિનપિંગને જાતે ફોન કરીને આમંત્રણ આપ્યું. આપણા વિદેશમંત્રી ધામા નાખીને વૉશિંગ્ટનમાં પડ્યા હતા છતાં ભારતીય વડા પ્રધાનને ટ્રમ્પે આમંત્રણ ના આપ્યું તે ન જ આપ્યું. કોણ જાણે કેમ ટ્રમ્પને ભારત અને આપણા વડા પ્રધાન સામે ૩૬નો આંકડો પડી ગયો. એમણે બેરહેમીથી હાથમાં કડી અને પગમાં બેડીઓ નાખી આપણા અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં ભારતીયોને પશુથી પણ બદતર હાલતમાં પાછાં મોકલી આપ્યાં. પાકિસ્તાનને ખુલ્લું સમર્થન અને વિશ્વબૅન્ક અને આઈએમએફ પાસેથી માતબર લોન અપાવવામાં તેમજ યુનાઇટેડ નેશન્સની આતંકવાદવિરોધી સમિતિના અધ્યક્ષ તરીકે પાકિસ્તાનને ચૂંટાવી લાવવામાં પણ અમેરિકાનો ફાળો હતો.
ત્યાર બાદ એમણે પાકિસ્તાની લશ્કરના વડા મુનીરને પોતાની સાથે ભોજન માટે બોલાવ્યા. પાકિસ્તાનના બે મોઢે વખાણ કર્યાં અને ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે, એ કારણ આગળ કરીને ૨૫ ટકા વધારાની ડ્યૂટી પેનલ્ટી તરીકે નાખી. ભારતીય આયાતો ઉપર કુલ ૫૦ ટકા ટેરિફ ઝીંકી દીધું. ઑપરેશન સિંદૂર સમયે પોતે ભારત તેમજ પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો એવી વાત ટ્રમ્પે દોઢ ડઝન કરતાં વધારે વખત જાહેરમાં કહી, એટલું જ નહીં પણ ભારત વચ્ચેનું એમનું ઓરમાયું વલણ દિવસે દિવસે વધુ ને વધુ કડવાશભર્યું બનતું ગયું.
આટલું જેમ પૂરતું ના હોય તેમ તાજેતરમાં અમેરિકાએ બે કામ કર્યાં. પહેલું, અમેરિકાની જે કંપનીઓ બીજા દેશોમાં આઉટસોર્સિંગથી જૉબવર્ક કરાવતી હોય તેના ઉપર ૨૫ ટકા ટેક્ષ નાખ્યો. ટ્રમ્પનું કહેવું એવું હતું કે, આ રીતે અમેરિકન કંપનીઓ બહાર જૉબવર્ક કરાવે છે એટલે એટલી નોકરીઓ અમેરિકા બહાર ઊભી થાય છે માટે એમના પ૨ ૨૫ ટકા ટેક્ષ નાખ્યો. આને કારણે સૌથી મોટી અસર આપણા આઈટી સેક્ટરને થશે. આટલું જેમ પૂરતું નહોતું તેમ હવે બીજો મોટો બૉમ્બ બ્લાસ્ટ આપણા પર કરવામાં આવ્યો છે.
H1B વિઝા માટે પહેલાં જે માત્ર ૧૫૦૦ ડૉલર જેટલી ફી લાગતી હતી તેના બદલે હવે એક લાખ ડૉલર જેટલી ફી ટમ્પ સરકારે ઝીંકી છે. આઈ.ટી. ક્ષેત્રે ભારતમાં અભ્યાસ કરીને અમેરિકા જઈ પોતાની કારકિર્દી ઘડવા માંગતાં યુવાનો માટે અમેરિકાનું આ પગલું અત્યંત આઘાતજનક ગણી શકાય. ભારતને આ આઘાતમાંથી કળ વળતાં ઘણો લાંબો સમય લાગશે. H1B વિઝાની અપેક્ષા રાખતા અને જેમના H1B વિઝા પૂરા થશે ત્યારે એના રિન્યુઅલની આશા રાખતાં લોકોને ૮૮ લાખ કરતાં વધારે ફી ભરવી પડશે. તેમના માટે આ જાહેરાત અસહ્ય બની રહેવાની છે.
આ ઉપરાંત વ્યક્તિગત રીતે ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’યોજના હેઠળ દસ લાખ ડૉલર એટલે કે લગભગ ૯ કરોડ રૂપિયા ભરીને વ્યક્તિ અમેરિકામાં સ્થાયી થઈ શકે છે. જો કોઈ ધંધાદારી કંપનીને પોતાનાં કર્મચારીઓ માટે આવી સવલત જોઈતી હોય તો કર્મચારી દીઠ ર૦ લાખ ડૉલર એટલે કે લગભગ ૧૮ કરોડ રૂપિયા જેટલી ફી ભરવાની રહેશે. ટ્રમ્પ એક નવી યોજના પણ લઈ આવ્યો છે, જે પ્રમાણે ૫૦ લાખ ડૉલરની ફી ભરનાર માટે ‘પ્લેટિનમ લેવલ કાર્ડ’ આપવામાં આવશે અને આ કાર્ડધારક વ્યક્તિ કોઈ પણ કેલેન્ડર વર્ષ દરમિયાન ૨૭૦ દિવસ સુધી અમેરિકામાં રહી શકશે અને તેની અમેરિકા બહારની કોઈ પણ આવક પર ટેક્ષ નહીં લાગે.
જોકે, ઉપલબ્ધ માહિતી મુજબ ટ્રમ્પની આ યોજનાને ઘ૨આંગણે એટલે કે અમેરિકામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જમણેરી ઝોક ધરાવતાં વિચારસરણીવાળાં, જેને ‘માગા હાર્ડલાઇનર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ટ્રમ્પના આ પગલાંને કારણે નારાજ છે. એમનું માનવું એવું છે કે, અમેરિકામાં વિદેશી વ્યક્તિઓને નોકરીએ રાખવા અંગેના જે કડક નિયમો ટ્રમ્પે બહાર પાડ્યા છે તેનો અમલ પ્રાથમિકતાના ધોરણે કરવો જોઈએ. માગા અંતિમવાદીઓ એવું માને છે કે, સરકારે અમેરિકામાં વધારે નોકરીઓ ઊભી થાય એ માટે અન્ય નાગરિકતા ધરાવતાં લોકોને નોકરીએ જ ન રાખી શકાય એ પ્રકારના નિયમોનો કડકાઈથી અમલ ક૨વો જોઈએ, બાકી અબજો રૂપિયા કમાતી મોટી ટેક. કંપનીઓ આના કારણે ઝાઝી અસર પામશે એમ માનવાને કોઈ કારણ નથી.
આમ, જમણેરી ઝોક ધરાવતા‘માગા’અંતિમવાદીઓ ટ્રમ્પના H1B વિઝા પર કરવામાં આવેલ ફી વધારાથી સંતુષ્ટ નથી. નથી તેઓ પ્લેટિનમ કાર્ડ કે ગોલ્ડ કાર્ડની યોજનાઓથી સંતુષ્ટ. તેમના મતે આ પગલાં અત્યંત ધનિક મૂડીવાદીઓને કાયદાની ઐસીતૈસી કરી બિનઅમેરિકન વ્યક્તિઓને નોકરીએ રાખવા માટે કારણભૂત બનશે. જે હોય તે, અત્યારે ભારતીય નાગરિકતા ધરાવતાં વ્યક્તિઓ માટે H1B વિઝાના કવર હેઠળ ત્યાં રહેવું મુશ્કેલ બનશે.
આની અસર અમેરિકન કંપનીઓને તો થતાં થશે પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કે ઇન્ફોસીસ કંપની જેવી ભારતીય કંપનીઓને H1B વિઝા ઉપર આપણાં વિદ્યાર્થીઓને કામે રાખવામાં બહુ મોટો અવરોધ નડશે. આપણે ચૂપચાપ સહન કર્યા કરીએ જ છીએ અને અમેરિકા એની ભારતવિરોધી નીતિમાં બેરોકટોક આગળ વધ્યે જ જાય છે. એટલું જ નહીં પણ ભારતનું કાંડું આમળીને રૂની આયાત ઉપર જેમ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી આયાત ડ્યૂટીમાંથી સંપૂર્ણ મુક્તિ આપી તેમ હવે મકાઈની આયાતો પણ આ રીતે બેરોકટોક ભારતમાં કરી શકાય તે પગલાં ટૂંક સમયમાં જાહેર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.