Comments

આપણે અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં કારણો જાણવાં જોઈએ

જ્યારે સમગ્ર ભારત શોકમાં છે ત્યારે એર ઇન્ડિયા અને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ)એ અમદાવાદમાં દુર્ઘટનાનાં ચોક્કસ કારણો શોધવા માટે તાત્કાલિક અને પારદર્શક રીતે કાર્યવાહી કરવી જોઈએ. એર ઇન્ડિયા ફ્લાઇટ 171 દુર્ઘટનામાં ઓછામાં ઓછાં 271 લોકોનાં મોત થયાં હતાં. વળતર એ જવાબદારીનો વિકલ્પ નથી. શોકગ્રસ્ત પરિવારોને અંધારામાં ન રાખવાં જોઈએ. જેવું મોટા ભાગે આપત્તિઓ બાદ થાય છે. આ દુર્ઘટનાને ચેતવણીના સંકેત રૂપે પણ જોવી જોઈએ. ભારતનો એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો આ તપાસનું નેતૃત્વ કરશે.

તે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો અને યુકે એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચના પ્રતિનિધિઓની સહાયથી એક ટીમ બનાવશે, જે વિમાનના ઉત્પાદક દેશો અને તેમાં સવાર મુસાફરોનું પ્રતિનિધિત્વ કરે છે. જો કે, સામાન્ય રીતે કહીએ તો જ્યારે તમે હવાઈ દુર્ઘટનાઓની તપાસ કરો છો ત્યારે તેમાં ઘણી વાર સમસ્યાઓની એક સાંકળ સામેલ હોય છે. એક ઘટના બને છે અને પછી ઘણી ઘટનાઓ બને છે. તેથી અહીં આ દુર્ઘટનાનું એક કારણ ન હોઈ શકે. આ દુર્ઘટના ટેક ઓફ પછી તરત જ બની હતી. આંકડાકીય રીતે ઉડાન એ પરિવહનનું સૌથી સલામત સ્વરૂપ છે. જો કે, ટેક ઓફ અને લેન્ડિંગ તબક્કાઓ સામાન્ય રીતે સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણો શોધવાં માટે દરેક પ્રયાસ કરવો જોઈએ.

એર ઇન્ડિયા ફ્લાઇટ 171માં સવાર, પરંતુ તેમના ગંતવ્યસ્થાને ન પહોંચી શકેલાં લોકો માટે આ એકમાત્ર અર્થપૂર્ણ શ્રદ્ધાંજલિ છે. આખરે શું થયું હતું તે સમજવા માટે ટીમ ક્રેશ સ્થળની ફોરેન્સિક તપાસ કરશે. સ્થળ પરથી મળેલા ભૌતિક પુરાવાઓ સાથે તેઓ વિમાનના ‘બ્લેક બોક્સ’માં સંગ્રહિત ડેટા જોશે, જેમાં ફ્લાઇટ રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડરનો ડેટા સામેલ છે, જેથી એ જાણી શકાય કે ક્રેશ પહેલાં શું થયું હતું. હવાઈ દુર્ઘટનાની તપાસમાં ઘણો સમય લાગી શકે છે.

સામાન્ય રીતે, ક્રેશ થયાના 3થી 6 મહિના પછી પ્રારંભિક અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે. ત્યાર બાદ એક કે બે વર્ષ પછી અંતિમ અહેવાલ આવશે. આ અહેવાલ અકસ્માતના કારણ અંગે વાસ્તવિક માહિતી પ્રદાન કરશે અને ભલામણો કરશે. કારણ પર આધાર રાખીને આ જાળવણી પ્રક્રિયાઓ, પાઇલટ અને ક્રૂની પ્રક્રિયાઓ અથવા વિમાનના ભાગોની ડિઝાઇનમાં પણ ફેરફાર હોઈ શકે છે. ત્યાર બાદ ભારતીય અધિકારીઓ આ ભલામણો વિશ્વભરના તે દરેક વ્યક્તિ સુધી પહોંચાડશે જેમને એની જરૂર છે. આ પ્રક્રિયા ધીમી છે, પરંતુ તે સુરક્ષિત હવાઈ મુસાફરી તરફ આગળ વધે છે.

એઆઈ-171ની ઘટના એ સમયસર યાદ અપાવે છે કે, ઉડ્ડયન સલામતી માળખાગત સુવિધાઓ અને પ્રમાણપત્રથી પર છે. એરલાઇન્સ અને નિયમનકારો બંને માટે, આ ક્રૂની ખામીઓ, તેમની તાલીમ અને ઘટના પછીની શીખવાની પ્રક્રિયાની સમીક્ષા કરવાની તક છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, પાઇલટ્સની અછત વધુ ગંભીર બની રહી છે. આ ખાલી જગ્યાઓ ભરવી આવશ્યક છે. અલબત્ત, એર ઇન્ડિયા ક્રેશથી તેનાં કારણો વિશે સમયથી પહેલાં નિર્ણયો અને અટકળો શરૂ થઈ છે, જે તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી ટાળવી જોઈએ.

સત્ય એ છે કે, તપાસ ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ જાણતું નથી અથવા જાણી શકતું નથી. સંભવિત કારણોની ચર્ચા કરતાં પહેલાં આપણે ઘણા મહિના રાહ જોવી પડશે નહીં. તપાસકર્તાઓ પાસે પ્રમાણમાં ટૂંક સમયમાં કાર્યરત પૂર્વધારણા હશે. તેઓ રડાર, સીસીટીવી અને મહત્ત્વપૂર્ણ કોકપિટ વોઇસ રેકોર્ડર (સીવીઆર) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (એફડીઆર) સહિત પુરાવા એકત્રિત કરશે – જેથી અકસ્માતમાં કયાં પરિબળો સામેલ હતાં તે સમજી શકાય. જેમ જેમ તપાસકર્તાઓ કાટમાળની તપાસ કરશે, તેઓ એ જોવા માંગશે કે શું કોઈ નિષ્ફળતા, સંભવતઃ વીજળી સાથે જોડાયેલ હોય, જેમણે પાઇલટ્સને ટેક ઓફ પછીની મહત્ત્વપૂર્ણ સેકન્ડોમાં તેમના વિમાનને નિયંત્રિત કરવામાં અસહાય બનાવ્યા.

બોઇંગ 787 સાથે જોડાયેલી આ પહેલી જીવલેણ ઘટના છે. બોઇંગ 787માં ઘણી નવીનતાઓએ તેને 747 અને 767 જેવાં બોઇંગ વિમાનનાં પાછલાં સંસ્કરણોથી ખૂબ જ અલગ બનાવ્યું હતું. પરંતુ પુરાવા વિના પાઇલટ્સ પર દોષારોપણ કરવું અન્યાયી છે. તેઓ પોતાનો બચાવ કરવા માટે અહીં નથી. આ પ્રકારની હવાઈ દુર્ઘટનાઓ, જ્યાં વિમાન ટેક ઓફ પછી તરત જ મુશ્કેલીનો અનુભવ કરે છે, હવે અત્યંત દુર્લભ છે. તે ભૂતકાળમાં વધુ સામાન્ય હતા. એ યાદ રાખવું શ્રેષ્ઠ છે કે આપણે હજી પણ જાણતા નથી કે, શું થયું અને શા માટે થયું. દરેક વ્યક્તિ જવાબો ઇચ્છે છે, પરંતુ અટકળો ફાયદા કરતાં નુકસાન વધુ કરી શકે છે. 
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top