ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારત પરત આવ્યા ત્યારે બે બાબતોથી તે ખૂબ દુ:ખી હતા. એક તો વ્યાપક ગરીબી અને બીજું ચારેકોર ફેલાયેલી ગંદકી. જો કે બાપુ અસ્પૃશ્યતાથી પણ વ્યથિત હતા અને નિરક્ષરતાથી પણ વ્યથિત હતા. આપણી આઝાદીની લડત અને તેમાં જન સામાન્યની ભાગીદારી ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ સાથે જોડાયેલી હતી.આઝાદી આવશે તો સમૃદ્ધિ આવશે, આઝાદી આવશે તો ન્યાય મળશે, આઝાદી આવશે તો સમાનતા આવશે વગેરે અને આઝાદીનાં આ તમામ સપનાંઓનો આધાર હતો લોકશાહી વ્યવસ્થા …લોકોની ભાગીદારી. વળી સરકારો આવશે તો સૌનું કલ્યાણ થશે અને લોકશાહીનો આધાર હતો સાચા શિક્ષણ પર. આઝાદી સમયે વ્યાપક નિરક્ષરતા ફેલાયેલી હતી.
છેક ૧૯૮૦ સુધી વસ્તીના આંકડા બતાવતા કે ભારતમાં ૩૬% પ્રજા શિક્ષિત છે. મતલબ કે ૬૪% નિરક્ષરો છે, જેમને ક કબૂતરનો ક વાંચતાં નથી આવડતું. લોકશાહીની મજબૂતી લખવા અને વાંચવા પર છે. શિક્ષણમાં વ્યક્તિને લખતાં વાંચતાં અને ગણતાં આવડી જાય તો એ કોઈનો ગુલામ રહેતો નથી. જ્ઞાન માટે આત્મનિર્ભર થવું એ સ્વતંત્રતાની પહેલી શરત છે. કાયદાઓ વાંચવા પડે. લોકશાહી મૂલ્યો વાંચવા પડે. ઉમદા સાહિત્ય વાંચવું પડે અને તો જ માનવ સંવેદનાઓ આત્મસાત્ થાય. સાથે સાથે લોકશાહી પ્રજા મત પર ચાલે છે અને પ્રજામતને સરકાર સુધી, મીડિયા સુધી પહોંચાડવાનો રસ્તો છે લખાણ. લખવું પડે. આપણે ભારતીયો બોલકી પ્રજા છીએ. આપણે ખૂબ બોલબોલ કરીએ છીએ. લખવું અને વાંચવું એ સંવાદિતાના માધ્યમનો આપણે ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ અને બોલવું અને સાંભળવું એનો વધારે ઉપયોગ કરીએ છીએ. અહીં લેખકો સફળ થાય એ પહેલાં વક્તાઓ સફળ થાય છે.
અહીં રામાયણ અને મહાભારત વાંચવા કરતાં સાંભળવામાં વધારે આવે છે અને માટે આપણી સમજણ બીજાની આશ્રિત થઈ ગઈ છે. ગણતરીની રીતે આપણા દેશમાં લખતાં અને વાંચતાં આવડતું હોય એવાં લોકોની સંખ્યામાં વધારો થયો છે. પણ ખરા અર્થમાં તો આઝાદીના 77મા વર્ષે પણ આપણને લખતાં અને વાંચતાં નથી આવડ્યું. આપણે લોકશાહી વ્યવસ્થા મજબૂત થાય એવું લખતાં નથી અને આપણી સમજણ પાકી થાય તેવું વાંચતાં નથી. આપણે કાયદા વાંચતા નથી અને ફરિયાદો લખતા નથી. સરકારો ને રાજકીય પક્ષો ઈચ્છે જ છે કે આપણે આ બધાથી દૂર રહીએ અને પોકળ પ્રેમકથાઓ, તત્ત્વચિંતનના ચકરાવો વાંચ્યા કરીએ. આપણી ચેનલો ..આપણાં અખબારો મીડિયોક્રશીથી ભરેલાં છે.
..મહાન પ્રજા ..ખમીરવંતી પ્રજા …..કોઠાસૂઝવાળી પ્રજાના નામે આપણને ઘેનમાં રખાય છે. આપણે પણ આપણો બળાપો, ફરિયાદો પાનના ગલ્લે, બસમાં, મુસાફરીમાં, કે ઓફિસની ચર્ચાઓમાં કાઢી નાખીએ છીએ પણ કાગળ પેન લઇ સત્તાવાળાને લખતાં નથી. સત્તાવાળા સાથે વાત થાય અને થોડાક જાણકાર લોકો અધિકારીઓનું ધ્યાન દોરે તો તરત જવાબ મળે છે કે સાહેબ, અમને કોઈ ફરિયાદ મળી નથી. આ લોકશાહી છે. અહીં લખેલું વંચાય છે અને એક વાત યાદ રાખવા જેવી છે કે લખો તો પગલાં લેવાય પણ છે.
એકાદ વ્યક્તિ લખે તો સત્તાવાળા તેને અવગણી શકે પણ જો રોજ લાખો લોકો પત્ર લખે તો ગમે તેવા તંત્રે પણ પગલાં લેવાં જ પડે. ભારતમાં હજુ આજે કાયદો વ્યવસ્થા પર, ન્યાય તંત્ર પર વિશ્વાસ છે. કાયદો તો જ કામ લાગે, જો તેને લખવામાં આવે. લખેલું પુરાવો ગણાય છે. બોલેલું પુરાવો ગણાતું નથી. સત્તાવાળા માટે સતત ફરિયાદ કરનારા દરેકે યાદ કરવું જોઈએ કે આપણે ક્યારે લેખિતમાં ફરિયાદ કરી? ટ્રાફિકના પ્રશ્નો છે તો લાખો. રસ્તા પર ગેરકાયદે દબાણ થાય એ જ દિવસે તેની લેખિત દસ ફરિયાદ થાય તો? સ્કૂલવાળા ડોનેશન માંગે છે એની લેખિત ફરિયાદ કેટલાએ કરી. સેમેસ્ટરથી સરકાર પોતે ત્રાસી, બાકી કેટલા શિક્ષણશાસ્ત્રીઓએ લેખિતમાં ફરિયાદ કરી? જાહેર શૌચાલયોમાં નિયમથી વધારે રૂપિયા પડાવ્યા ત્યારે તત્કાલ લેખિત ફરિયાદ થવી જોઈએ પણ સતત બોલતી રહેતી આ પ્રજાને લખવાનો સમય જ નથી કે લખવાની હિંમત નથી.
આજે લાગણીઓ, વિચારો વ્યક્ત કરવાના નવાં માધ્યમો આવ્યાં છે. ફેસબુક વોટ્સેપ પરના લખાણો વાંચીએ ત્યારે થાય છે કે આપણને હજુ જાહેરમાં શું લખવું એ પણ નથી આવડ્યું. જો કે આ માધ્યમોમાં લખે તો છે ૫% લોકો જ બાકીના તો ફોરવર્ડ જ કરે છે. આપણને નેતાગીરી લેવાને બદલે અનુયાયી થવું વધારે ગમે છે અને જેમ લખવામાં તેમ વાંચવામાં આપણને તાર્કિક અને વિશ્લેષણવાળાં લખાણો ઓછાં વાંચવાં ગમે છે. સમવાય તંત્ર એટલે શું? ખાનગીકરણ એટલે શું? બેન્કિંગના નવા કાયદા કયા આવ્યા? આપણે વ્યવસ્થાઓ અને પદ્ધતિઓ માટે વાંચતાં નથી.
આપણને આ બધાનું ગળચટ્ટું લખાણ વાંચવું જ ગમે છે. રામાયણ અને મહાભારત સાંભળવાં કે સીરીયલમાં જોવાં ગમે છે પણ એની મર્યાદા એ છે કે એમાં એ લોકો કહે તે અને એ લોકો બતાવે તે રામાયણ આપણને મળે છે. જો આપણે જાતે જ તે વાંચીએ તો આપણા અર્થો નીકળી શકે અને આ ગ્રંથો વિષેની સમજણ કેળવવા આપણે કથાકાર કે ટી.વી. વાળાને આધીન ના થઈએ. આ આપણે શીખવું પડશે. આપણે રોજિંદા અનુભવો લખવા પડશે. સાચું લખવું પડશે. તરત લખવું પડશે અને જાતે જ વાંચવું પડશે. ધાર્મિક ગ્રંથોથી માંડીને કાયદા બધું જ જાતે વાંચો..સમજો…તો આ દેશમાં સાચી સ્વતંત્રતા આવશે મજબૂત લોકશાહી વિકસશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે