લોકશાહીનું પર્વ ઈલેકસન ગણાય છે. અત્યારે સુરતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે જ્યાં વિવિધ પાર્ટીઓના કેન્ડીડેટ પ્રચાર પ્રસારમાં વ્યસ્ત થઈ ગયા છે ત્યાં બીજીબાજુ ચૂંટણી પ્રશાસન વધુમાં વધુ મતદાન થાય તેના માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વખતે અનેકો નવા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરીને લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવશે ત્યાં વરિષ્ઠ મતદારો ફરી એકવાર પોતાના વોટથી સક્ષમ ઉમેદવારને જિતાડવા થનગની રહ્યા છે. આ વખતે પણ વરિષ્ઠ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે તેમનો વોટ લેવા તેમના ઘરે દસ્તક આપશે. ચાલો મળીએ આપણા સુરતી વરિષ્ઠ મતદાતાઓને અને તેમના મંતવ્યો જાણીએ….
લેભાગુ નેતા નહીં ચાલે: રતનલાલ ખત્રી
છેલ્લા 22 વર્ષોથી પાંડેસરા ખાતે રહેતા મૂળ મધ્ય પ્રદેશના 103 વર્ષીય રતનલાલ ખત્રી વાત કરતાં કરતાં થોડું ભૂલી જાય છે પરંતુ આઝાદીનો સમય તેમને બરાબર યાદ છે, આઝાદી અંગે તેઓ કહે છે કે, આઝાદી દરમિયાન હું અમદાવાદમા રહેતો હતો જેથી આ દરમિયાન જે કોઈ પણ પ્રવૃતિ કરવામાં આવતી તેમાં હું ઉત્સાહથી જોડાતો જેથી મે ગાંધીબાપુને પણ જોયા હતા. જો કે મે ધોરણ 4 સુધી અભ્યાસ કર્યો હોવાથી વાંચતાં લખતા આવડે છે જેથી આજે છાપા વાંચીને એટલું જરૂર કહી શકું છુ કે, કોંગ્રેસ પહેલા કરતાં પાછળ પડી ગઈ છે. જો કે આજના સમયમાં એવા નેતા જ જોઈએ જે બરાબર રાજ ચલાવી શકે, લેભાગુ નેતા તો નહીં જ ચાલે. રતનલાલ ખત્રી વધુમાં કહે છે કે, હું નિયમિત મતદાન કરું છુ પણ હાલમાં પગમાં તકલીફ હોવાથી કોઈ લઈ જશે તો હું જરૂર મતદાન કરીશ.
નરેંદ્ર મોદીને મળવાની ઈચ્છા છે : છગનલાલ જાની
ચોર્યાસી વિધાનસભાના 96 વર્ષીય મતદાતા છગનલાલ જાની ની તો વાત જ અલગ છે. તેઓ કહે છે કે અમારા ગામમાં તો સૌ પ્રથમ હું મતદાન કરું પછી જ અન્યો મતદાન કરે છે, એટ્લે હાલમાં પણ હું ખાસ્સો ઉત્સાહિત છુ. તેમણે 6 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને ગોરપદું કરતાં હોવાથી આજે પણ તેમને ઘણીબધી જૂની વાતો યાદ છે. પણ મતદાનની વાત આવે ત્યારે કહે છે કે, બધા જ નેતા સારા હોય પણ મારા માટે નેતા બુધ્ધિશાળી હોવો જોઈએ. જૂની યાદો વાગોળતાં કહે છે કે, રવિ શંકર મહારાજ તથા મોરારજી દેસાઇ જ્યારે ડુમસમાં આવેલા ત્યારે મારી મુલાકાત થઈ હતી, ને આ ઉપરાંત જ્યારે પણ પ્રમુખસ્વામી મહારાજ જેટલા પણ દિવસો ડુમસમા રહેતા એટલા દિવસ ફરજિયાતપણે હું જ સાથે રહું એવો આગ્રહ રહેતો. તેઓ કહે છે કે આજના નેતાઓમાં મને શક્ય હોય તો નરેંદ્ર મોદીને મળવાની ઈચ્છા છે. 95 વર્ષની ઉંમર સુધી વ્હીકલ ચલાવનારા છગનલાલ જાની કહે છે કે પહેલાના પ્રમાણમાં આજે લાઇટ, પાણી અને રસ્તાની સગવડ સારી થઈ છે જ્યારે અમારા સમયમાં અમે ઘોડાગાડી લઈને જતાં હતા. શરૂઆતમાં દૂધનો પણ વ્યવસાય કરવા અંગે તેઓ કહે છે કે, હું સવારે 4 વાગે જાગી જતો અને 5 વાગે સુરતમાં દૂધ પહોંચાડી આવતો હતો, ને પૂર દરમિયાન પણ મે આ કામગીરી કરી હતી.
મતદાન તો કરવું જ જોઈએ: ગંગાબેન બાબરિયા
મૂળ જૂનાગઢનાં સાંતલપૂરના વતની અને હાલમાં છેલ્લા 25 વર્ષોથી સચિન ખાતે આવેલા કણક પૂર કનસાડ ખાતે રહેતા 104 વર્ષીય ગંગાબેન બાબરિયા હાલમાં યોજનારી વિધાનસભાની ચુંટણીમાં મતદાન કરવા માટે ખાસ્સા ઉત્સાહિત જણાઈ રહ્યા છે. ગંગાબેન જણાવે છે કે, તેમને ઉંમરના કારણે વધુ યાદ નથી રહેતું પણ આશરે 40 વર્ષ અગાઉ પહેલીવાર તેમણે મતદાન કર્યું હતું. કારણ કે એ અગાઉ ગામમાં ચૂંટણીની પ્રથા ન હતી. ત્યારે લોકોની સંમતિથી પંચ કહે એને સરપંચ તરીકે પસંદ કરી લેવામાં આવતા હતા. ગંગા બહેને અક્ષર જ્ઞાન નથી લીધું પરંતુ તેમના ગામમાં તેઓ પાવરફૂલ લેડી કહેવાતા. તેમના સમયમાં ગામમાં લોકો તેમની વાત ટાળી નહીં શકતા. હાલમાં યોજનારી ચૂંટણી અંગે ગંગા બહેન કહે છે કે, દર વખતે તો દીકરાઓ મતદાન કરવા લઈ જાય છે પરંતુ આ વખતે સરકાર દ્વારા ઘરે મતદાન લેવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી તેઓ ઘરેથી મતદાન કરશે. સાથે જ તેઓ અન્યોને પણ મતદાન કરવા જણાવે છે.
મોરારજી દેસાઈએ મારા હાથની ચા પીધી હતી : લલિતાબેન દેસાઇ
શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતા અને વલસાડના અટકપારડી ખાતેથી મતદાન કરનાર 96 વર્ષીય લલિતાબેન દેસાઇ કહે છે કે, મારા હસબન્ડ પોલીસ પટેલ હોવાથી ઘણા સરકારી અમલદારો અમારા ઘરે આવતા જતાં હતા અને ચૂંટણી હોય ત્યારે તો અમારા ઘરે જ બધાને રહેવાથી માંડીને જમવા સુધીની સગવડ કરવામાં આવતી હતી. જેથી વર્ષ 1952માં મોરારજી દેસાઇ પણ મારા ઘરે આવ્યા હતા અને મારા હાથની ચા પીધી હતી.આ ઉપરાંત મારી મુલાકાત સ્વાધ્યાય પરિવાર સાથે પણ થઈ હતી. વર્ષ 1970-71માં મને અમારા ગામમાં ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવી હતી, ને આજે વધી રહેલી મોંઘવારી જોતાં મને તો મોંઘવારી ઓછી કરે એવા નેતા જોઈએ છે. કારણ કે પહેલા 2 રૂપિયામાં 5 શેર કાકડી મળતી હતી જે મને આજે પણ યાદ છે. હાલમાં લલિતાબહેન દીકરાના ઘરે સુરતમાં રહે છે પણ વારંવાર પોતાના ગામની મુલાકાત લેતા રહે છે અને મતદાન માટે પણ રેગ્યુલર દીકરા સાથે જાય છે.