ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એક બાજુ અલગ-અલગ પાર્ટીના કેન્ડીડેટ પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી બાજુ ચૂંટણીતંત્ર વધુ ને વધુ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો ચલાવી રહ્યું છે. તો ત્રીજી તરફ જેમને પહેલી વાર મતદાન કરવા માટેનો અધિકાર મળ્યો છે તેઓ કોને વોટ આપવો, કઈ રીતે વોટ આપવો તેને લઈને મિત્રો અને પરિવારજનો સાથે ચર્ચા કરી રહ્યા છે. ભારતને 1947માં આઝાદી મળ્યાને ચાર વર્ષ બાદ પહેલી ચૂંટણી 1951માં થઇ હતી. ત્યારે 18 વર્ષ નહીં પણ 21 વર્ષથી વધુ ઉંમરનાં લોકોએ મતદાન કર્યું હતું.
ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના બાદ 1962માં પહેલી વખત રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. 34 વર્ષ પહેલાં 1988માં મતદાન કરવાની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. 1989માં 9મી લોકસભાની ચૂંટણીમાં પહેલી વાર 18 વર્ષની ઉંમરની વ્યક્તિઓએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ વખતે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં 18 થી 21 વર્ષની ઉંમરના સૌથી વધારે વોટર્સ સુરતમાં છે. સુરતમાં 1 લાખ 2 હજાર 506 યુવા મતદાતા છે. 18-19 વય જૂથમાં 36 હજાર 556 યુવા મતદાતાઓ સૌ પ્રથમ વાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ વાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદાતાઓમાં પહેલી વાર મતદાનને લઈને કેવો ઉત્સાહ છે, કેવા ઉમેદવારને પોતાનો વોટ આપવા માંગે છે? વિકાસના કયા-ક્યા મુદાઓને લઈને, કઈ-કઈ સમસ્યાઓના મુદાઓને લઈને તેઓ વોટ આપવા માંગે છે તે આપણે સુરતના આ યુવાઓ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ…
લોકતંત્રને મજબૂત કરવા માટે વોટ આપવો જરૂરી છે: આત્મન માસ્ટર
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા 19 વર્ષીય આત્મન માસ્ટર માસ કોમ્યુનિકેશનના ફર્સ્ટ ઈયરની સ્ટડી કરી રહ્યા છે. આત્મને જણાવ્યું કે, ‘1 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હું અત્યારે ગૂગલ પરથી માહિતી મેળવી રહ્યો છું કે વિધાનસભામાં કઈ રીતે કામ થાય છે. આ વખતે કઈ-કઈ પાર્ટીના કયા ઉમેદવારો ચૂંટણીમાં ઊભા છે. હું માનું છું કે આજના યુવાનો જનહિતમાં કામ કરનારી સરકાર બનાવશે. મને મારા એક વોટનું મહત્ત્વ ખબર છે. હું આ વખતે પહેલી વાર વોટિંગ કરવાનો છું અને હંમેશાં વોટિંગ કરી દેશ પ્રત્યેનું મારું કર્તવ્ય નિભાવીશ.
લોકતંત્રને મજબૂત બનાવવા માટે મતદાન કરવું જરૂરી છે. ધર્મને નહીં પણ યુથને મહત્ત્વ આપે, એજ્યુકેશનને મહત્ત્વ આપે તેવા નેતાઓના હાથમાં રાજ્યની બાગડોર સોંપવી જોઈએ કેમ કે યુવાઓ દેશનું ભવિષ્ય છે. સુરતમાં વરસાદ પડે અને એની સાથે જ શહેરના રસ્તાઓનું ધોવાણ થાય છે. મારા એરિયામાં રોડ ખાડાટેકરાવાળા છે એટલે એક્સિડન્ટનો ભય રહે છે. નેતાઓએ લોકોના પ્રતિનિધિ તરીકે લોકોની આ સમસ્યાના નિવારણ માટે તત્પર રહેવું જોઈએ. પહેલી વાર વોટિંગ કરવાની કંઇક અલગ જ મજા હોય છે. હું અત્યારથી જ વોટિંગ કરવાને લઈને ઉત્સાહિત છું.’’
સુરતને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે આપે પ્રાથમિકતા: ઇશિકા રાશિવાળા
વેસુ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય ઇશિકા રાશિવાળા B.C.A. (બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન)સેકન્ડ ઈયરની સ્ટડી કરી રહી છે. ઇશિકાએ જણાવ્યું કે, ‘‘મારું વોટિંગ કાર્ડ આ જ વર્ષમાં બન્યું છે. હું ફર્સ્ટ ટાઈમ વોટિંગ મારી ફ્રેન્ડ્સ સાથે જઈને કરવાની છું. હું માનું છું કે જ્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ બાબતની કોઈ સમસ્યા હોય છે ત્યારે તેમને સમજ નથી પડતી કે કઈ રીતે તેમના વિસ્તારના જનપ્રતિનિધિ સુધી આ સમસ્યાઓ પહોંચાડવી એટલે જનપ્રતિનિધિઓના મોબાઈલ ફોન નંબર સામાન્ય વ્યક્તિઓને પણ સહજતાથી મળી રહે જેથી તેઓ ડાયરેકટ જનપ્રતિનિધિઓને તેમની સમસ્યાઓ જણાવી શકે. સુરતનો વિકાસ તો હરણફાળ થયો છે સ્વચ્છતાને મામલે પણ સતત 2 વર્ષથી સુરત આખા દેશમાં બીજા નંબરે છે પણ હવે સુરત સ્વચ્છતામાં નંબર વન સિટી બને તે માટે જનપ્રતિનિધિઓએ પણ લોકોને જાગૃત કરવા મેદાનમાં ઊતરવું જોઈએ. સુરતનો હજી પણ વિકાસ વધતો જાય તે દિશામાં કાર્ય કરતા જનપ્રતિનિધિને હું વોટ આપીશ.’’
સર્વ સમાજ સાથે ચાલનાર નેતાને મારો વોટ આપીશ: પૂરવ શાહ
અડાજણ વિસ્તારમાં રહેતા 18 વર્ષીય પૂરવ શાહ B.Sc. IT ની સ્ટડી કરી રહ્યા છે. આ યુવાને જણાવ્યું કે હું 1 ડિસેમ્બરે પહેલી વાર વોટ આપવાનો છું. વોટ કઈ રીતે આપવાનો, કોને આપવાનો તેને લઈને મેં મારા કોલેજના મિત્રો સાથે ચર્ચા કરી હતી. વોટ કઈ રીતે આપવાનો તેની પ્રોસેસ અમને કોલેજમાં સરકારી કર્મચારીઓએ સમજાવી હતી. હું ભ્રષ્ટાચાર નહીં કરતા હોય તેવા જનપ્રતિનિધિને વોટ આપીશ. મારા વિસ્તારમાં રોડની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે તેની તરફ નેતાઓ ધ્યાન આપે તે જરૂરી છે. આપણા દેશમાં શિક્ષિત યુવનોમાં બેરોજગારીનું જે પ્રમાણ છે તે ઘટાડવા માટે રોજગારીની વિપુલ તકો વધારે તેવું વિઝન ધરાવનાર જનપ્રતિનિધિઓની જરૂરત છે. સર્વ સમાજને સાથે લઈને ચાલનાર ઉમેદવારને યુવાનો વોટ આપે અને દેશને સશક્ત બનાવે અને લોકતંત્રના મહાપર્વ એવી ચૂંટણીમાં યુવાનોએ મતદાન માટે સજાગ રહેવું જોઈએ.
હું મારા શહેર, રાજ્ય,મારા દેશ માટે વોટ આપવાની છું: કરીના મન્સુરી
બેગમપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય કરીના મન્સુરી B.sc. સેકન્ડ ઈયરની સ્ટડી કરી રહી છે. કરીનાએ જણાવ્યું કે, ‘‘મારું વોટિંગ કાર્ડ ચાર મહિના પહેલાં જ બન્યું છે. હું પહેલાં મારા પરિવાર સાથે મતદાન કેન્દ્ર જોવા જતી ત્યારે મને મતદાનની પ્રક્રિયા જાણવાની ખૂબ ઈચ્છા થતી. હવે હું પોતે દેશની એક જવાબદાર વ્યક્તિ તરીકે વોટ આપીશ. હું માનું છું કે યુવા નેતા આજના યુથની સમસ્યાઓને સારી રીતે જાણી શકે છે એટલે યુવા નેતાને વોટ આપવો તે મારી પ્રાથમિકતા રહેશે. હું મારા શહેર, મારા રાજ્ય, મારા દેશ માટે પહેલી વાર EVM મશીનનું બટન દબાવવાની છું. તેને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. મારા વિસ્તારમાં રોડ ખરાબ હાલતમાં છે એટલે હું માનું છું કે જે ઉમેદવાર લોકોને રોડ સેફ્ટીની ગેરંટી આપે અને શહેરના વિકાસ માટે કામ કરે તેવા ઉમેદવારને મારો વોટ જશે. દરેક યુવાઓએ પોતાના વોટ પ્રત્યે સજાગ રહેવું જોઈએ. દેશહિતમાં વોટ આપી લોકતંત્રને મજબૂત બનાવવું જોઈએ. હું જ્યારે વોટ આપીશ ત્યારે મારી આંગળી પર લાગનાર શાહીવાળો ફોટો હું સોશ્યલ મીડિયા પર મૂકીને બીજાઓને માટે પણ મતદાન પ્રેરક બનીશ.’’
મારો એક વોટ પણ સુરતની દિશા અને દશા બદલી શકે છે: પ્રેયશી પેંગાવાળા
સલાબતપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પ્રેયશી પેંગાળા થર્ડ ઈયર B.Sc.ની સ્ટડી કરી રહી છે. પ્રેયસીએ જણાવ્યું કે, ‘‘મારું વોટિંગ કાર્ડ થોડા મહિના પહેલાં જ બન્યું છે. હું વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરવાની છું. હું મારા વોટની કિંમત જાણું છું કે મારો એક વોટ પણ સુરતની દિશા અને દશા બદલી શકે છે. અમારા વિસ્તારમાં પ્રામાણિકતાથી અને નિષ્ઠાપૂર્વક કામ કરે તેવા નેતાને મારો વોટ જશે. અત્યારે દેશ ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે પણ ફોરેન કન્ટ્રીઝની સરખામણીમાં આપણે ત્યાં ટેકનોલોજી ઓછી છે. આપણને ટેકનોલોજી ક્ષેત્રે અન્ય દેશોની ઉપરવટ લઈ જઈ શકે તેવા નેતાને હું વોટ આપવાનું પસંદ કરીશ. હાઈ લેવલનું એજ્યુકેશન તમામ વર્ગના લોકોને સહજતાથી ઉપલબ્ધ કરાવે અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ કરાવે તેવા નેતાઓની સુરત અને દેશને જરૂરત છે. હું પહેલી જ વાર વોટિંગ કરવાની હોવાથી હું ખૂબ જ એકસાઈટેડ છું અને હું મારાં મમ્મી-પપ્પા સાથે વોટ કરવા જવાની છું.’’
ગુજરાતની સરકાર બનાવવામાં મારો પણ રોલ રહેશે: હર્ષિલ કાપડિયા
પાંડેસરા વિસ્તારમાં રહેતાં 18 વર્ષીય હર્ષિલ કાપડિયા BCA (બેચરલ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન)ની સ્ટડી કરી રહ્યા છે. હર્ષિલે જણાવ્યું કે, ‘‘હું પહેલી ડિસેમ્બરે પ્રથમ જ વાર વોટિંગ કરવાનો છું એને લઈને હું ખૂબ જ એક્સાઇટેડ છું. પહેલાં હું ઘરના લોકોને વોટ કરવા જતા જોતો ત્યારે મને પણ EVMમાં વોટ નાખવાની ઈચ્છા હતી પણ મારી ઉંમર 18 વર્ષથી ઓછી હતી એટલે વોટિંગ ના કરી શકું એ સ્વાભાવિક છે. મેં મારી જિંદગીનાં 18 વર્ષ પૂરાં થતાં જ ફોર્મ ભરીને મારું વોટર કાર્ડ બનાવી લીધું છે. મેં મારા મિત્રો અને ઘરમાં મમ્મી-પપ્પા સાથે વોટ કઈ રીતે નાખવો જોઈએ તેને લઈને ચર્ચા કરી છે. હું એવા ઉમેદવારને વોટ આપવા માંગું છું જે જીત્યા બાદ શિક્ષિતોને રોજગાર અપાવવા માટે સતત પ્રયત્નશીલ રહે. મારા વિસ્તારની વાત કરું તો અત્યારે મારા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે એને કારણે મેલેરિયા થઈ રહ્યો છે જેની ફરિયાદો પણ કરી છે. વિસ્તારના લોકોની આવી ફરિયાદોને કાને લઈ તેના નિવારણ માટે સતત જાગૃત રહે તેવા નેતા મારી પ્રથમ પસંદગી છે.’’
દેશમાં યુવા મતદાતાઓ ખાસ્સી સંખ્યામાં છે. આજનો યુવા મતદાતા શિક્ષિત બન્યો છે એટલે તે સારી રીતે જાણે છે કે તેમના ક્ષેત્રના નેતાઓનું કાર્યક્ષેત્ર કેટલું છે અને તેઓ કેટલી ગંભીરતાથી લોકોની સમસ્યાઓને સાંભળે છે અને તેનું નિરાકરણ કેટલી તત્પરતાથી લાવે છે. સોશ્યલ મીડિયાના આ જમાનામાં યુવાઓ ડિજિટલ માધ્યમોથી જાણી લે છે કે કયો જનપ્રતિનિધિ લોકહિત માટે કેટલું કામ કરે છે. જેઓ આ વખતે પહેલી જ વાર મતદાન કરનાર છે તેવા યુવાઓએ ધારાસભ્યનું કાર્યશેત્ર કેટલું છે તેની સ્ટડી, મિત્રો અને પરિજનો સાથે કેવા નેતાને વોટ આપવો વગેરેની ચર્ચા કરી રહ્યા છે. તેઓ તેમના વોટની કિંમત સમજી ચૂક્યા હોવાથી દેશને સતત વિકાસને પંથે લઈ જવા માટે મથી રહેલા પ્રામાણિક અને નિષ્ઠાવાન નેતાને વોટ આપી જીતાડવા થનગની રહ્યા છે.