Comments

આપણે નાગરિક તરીકે હોંશિયાર છીએ કે પછી એવો વહેમ છે?

સામાન્યજન માટે કયા સમાચાર મહત્ત્વના છે? ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવો વધીને પ-03 ટકા થયો છે. બીજા સમાચાર છે. ગૌતમ અદાણીએ આ વર્ષે દુનિયાના કોઇ પણ ઉદ્યોગપતિઓ કરતાં વધુ કમાણી કરી તેમની સંપત્તિ 16.2 અબજમાંથી 50 અબજ ડોલર વધી અને તે પણ એક જ વર્ષના ટૂંકા ગાળામાં.

ત્રીજા સમાચાર કોરોનાનો પ્રકોપ ફરી વધી રહ્યાના છે અને ચોથા સમાચાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દાંડીયાત્રાને લીલી ઝંડી આપી ભારતીય સ્વતંત્રતાના 75 વર્ષની 75 અઠવાડિયાંની ઉજવણીનો આરંભ કર્યો. આપણે જાણવું જોઇએ કે સરકાર તો એક પછી બીજી ચૂંટણી લક્ષ્યાંક માટે કામ કરી રહી છે.

પાંચ રાજ્યોની વિધાનસભામાં થાય તેટલી વધુ બેઠકો લાવવી છે જે પક્ષ ચૂંટણીઓમાં જીતે તેને લોકો પસંદ કરે છે એવું માની લેવામાં આવે છે. હકીકતે હંમેશ એવું નથી હોતું. ભારતીય જનતા પક્ષ ચૂંટણીઓ જીતવા બાબતે એકદમ આયોજનબદ્ધ તૈયારી કરે છે અને ફકત ચૂંટણી આવે ત્યારે જ નહીં તેના ય અમુક વર્ષો પહેલાં કામ આરંભી દીધું હોય છે.

પશ્ચિમ બંગાળમાં વીતી બે વિધાનસભા અને લોકસભાથી તે પ્રયત્નશીલ છે. ચૂંટણી કેવી રીતે જીતી શકાય તે ભાજપ પાસેથી અન્ય પક્ષોએ શીખવું જોઇએ. પણ ફરી એ વાત મુદ્દો ધ્યાનમાં લેવો જરૂરી છે કે ભાજપ જીતે છે એટલે લોકો તેને જ સત્તામાં જોવા માંગે છે એવું માની ન લેવું.

આઝાદી પછી પહેલી વાર એવું બન્યું છે કે અનેક રાજકીય પક્ષો નબળા પડી ગયા છે અને એટલે વિકલ્પો ન હોવાના કારણે ભાજપ અત્યારે ચક્રવર્તી ભાસે છે. કોંગ્રેસ અત્યંત પ્રભાવી હતી ત્યારે પણ દેશમાં અનેક પક્ષો બળવાન હતા.

ચૂંટણીમાં તેમના વિજય જણાતાં નહીં યા અમુક રાજ્યોમાં જ તે વિજયી બનતા. કોંગ્રેસને સ્વતંત્રતા આંદોલનના મુખ્ય પક્ષ હોવાનો લાભ ત્રણેક દાયકા સુધી થયો. દેશના પહેલા વડા પ્રધાન તરીકે નહેરુ પસંદ કરાયા હતા. તે કાંઇ ચૂંટાયેલા નહોતા. તે વખતે અન્ય કોઇ પણ હોત તો વિના સંઘર્ષે એકાદ દાયકા સુધી વડા પ્રધાનપદ ખેંચી શકત.

ચૂંટણીનું રાજકારણ તો પછીનાં વર્ષોમાં શરૂ થયું અને શાસનની મર્યાદા પણ પછી બહાર આવતાંની સાથે ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદવી પડેલી, કારણ કે આવી પડેલા સંકટનો સામનો કરવાની તેમની તાકાત ન  હતી. એ સમયે દેશના અનેક રાજકીય પક્ષો કેન્દ્રમાં સત્તા માટે એક થયા અને તે સમયે જ કોંગ્રેસના વિકલ્પનું રાજકારણ અસરકારક બનવા માંડયું હતું.

જેનો સૌથી મોટો લાભ અન્ય કોઇ નહીં, બલ્કે ભાજપે લીધો. પણ જનસંઘ તરીકે તે 1951 થી સક્રિય હતો, જે 1977 સુધી રહ્યો અને તેનું રૂપાંતર ભાજપમાં થયું. ભાજપ કાંઇ અચાનક ઉભરી આવેલો રાષ્ટ્રીય પક્ષ નથી અને વિરોધ પક્ષમાં રહી તેણે સતત ચૂંટણીલક્ષી આયોજનો પાર પાડયાં છે.

ભાજપ અત્યારે સૌથી આક્રમક રાજકીય પક્ષ છે અને નજીકનાં વર્ષોમાં તેના વિકલ્પે કોઇ રાષ્ટ્રીય પક્ષ ઊભો થઇ શકે તેમ નથી. જે છે તે કોંગ્રેસ છે પણ તેનામાં ભાજપના પ્રતિકારની શક્તિ જ નથી. તેમના જે કાંઇ સિનિયર નેતાઓ છે તેમનો ય મોહભંગ થઇ ચૂકયો છે. વડા પ્રધાન મોદી તેમનાં ભાષણોમાં વર્ષોથી કોંગ્રેસેને જ ખતમ કરવાનું સૂત્ર અપનાવીને ચાલ્યા છે.

બાકી બીજા ય પક્ષો છે, પણ તેમની પૃથકકરણ દૃષ્ટિ જાણે છે કે તે પક્ષો એવા શક્તિશાળી નથી અને રાષ્ટ્રીય પ્રભાવી તો નથી જ નથી. શાસનમાં ટકી રહેવું એ જ ભાજપનું લક્ષ્યાંક નથી, બલ્કે દેશના વધુમાં વધુ રાજ્યોમાં ભાજપની સરકાર એ જ લક્ષ્યાંક છે. તેમની આ મહત્ત્વાકાંક્ષાને વર્તમાન સંજોગોનો ય ટેકો છે. દક્ષિણનાં રાજ્યો કે જયાં પ્રદેશિક પક્ષો જ રાજ કરતા હતા ત્યાં પણ ભાજપ માટે શકયતાઓ ઊભી થઈ છે.

પણ ફરી એ જ મુદ્દો કે તેથી લોકો ભાજપને જ બધે સત્તા પર ઇચ્છે છે એવું માનવું એક ભ્રમ છે. ભાજપ એક ચતુર પક્ષ છે. ગાંધીજીની દાંડીકૂચનું સ્વતંત્રતા આંદોલનમાં મોટું મહત્ત્વ હતું. તે કૂચ ફરી યોજવામાં આવે તેમાં માત્ર ઐતિહાસિક ઘટનાને નવા પ્રકારના રાષ્ટ્રવાદ સાથે જોડવા પૂરતું મહત્ત્વ છે. ખેડૂત આંદોલન વિશે ચૂપ રહીને દાંડીકૂચનું મહત્ત્વ આગળ ધરવામાં કોઇ ન્યાય નથી. એ જ રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે પણ સરકાર તો ચૂંટણીના આયોજનમાં જ વ્યસ્ત છે.

વીત્યા એક વર્ષમાં અર્થકરણ તૂટી જવાથી અનેક આપઘાતો થઇ રહ્યા છે ત્યારે અદાણી કઇ રીતે આવડા મોટા અબજોપતિ થયા તેની વિગત આનંદ આપનારી નથી અને આમ છતાં શકય છે કે ગુજરાતીઓનો એક વર્ગ આ વાતનું ગૌરવ લેશે. તેને થશે કે નરેન્દ્ર મોદી આપણા ગુજરાતી છે ને વડા પ્રધાન છે.

અમિત શાહ ગુજરાતી છે ને કેન્દ્રમાં ગૃહમંત્રી છે. દેશના બે મુખ્ય ઉદ્યોગપતિ-મુકેશ અંબાણી  અને અદાણી ગુજરાતી છે. આપણામાં એક પ્રકારના જૂઠા અભિમાન ને જૂઠી આકાંક્ષાઓની ટેવ છે અને એમ કરવામાં અંગત જિંદગીના સંઘર્ષોને બાજુ પર કરી દઇએ છીએ. પેટ્રોલનો ભાવ વધે તો બોલતાં નથી. મોંઘવારી વધે તો આંદોલન કરતા નથી. કોરાના વધવામાં તંત્રની નિષ્ફળતા પણ એક કારણ છે પણ તે તરત જાહેરમાં મોટો ઉહાપોહ કરતા નથી.

જરૂરી છે કે આપણે બધા નાગરિક તરીકે ઊંડુ વિચારતાં થઇએ. દેશમાં વિકાસની અનેક યોજનાઓ સક્રિય છે તે કબૂલવા સાથે એમ પણ વિચારવું જરૂરી છે કે વ્યાપક સ્તરે ચાલી રહેલા ખાનગીકરણથી દેશની સ્થિતિ કેવી ઊભી થશે? આઝાદીથી આજ સુધી આપણા શાસકો જાહેર એકમો ચલાવવામાં નિષ્ફળ ગયા અને તેમની નિષ્ફળતા હવે ભોગવવી પડે છે.

સામાન્ય નાગરિકે આજે રામમનોહર લોહિયા, એમ. એન. રોય, જયપ્રકાશ નારાયણ પ્રકારના વિચારક રાજનેતાઓનો અભાવ છે અને એ કારણે આખી લોકશાહી મૂર્છિત થઇને પડી છે ને કોઇને એ મૂર્છામાં શાંતિ વર્તાતી હોય તો શું કહેવું? વિચારશીલ નાગરિક જ લોકશાહીનો આધાર છે એ આપણે સમજવું રહ્યું. ચૂંટણી વખતે કયારેક જૂદાં પરિણામ આવે ત્યારે નાગરિકોના શાણપણને ગાનારાઓ હકીકતે રાજકીય સંજોગોમાં બેબાકળા બની વિકલ્પ શોધતા મતદાતાને ઓળખતા નથી.

       .ટે.

લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top