Columns

ડ્રોનવિરોધી સંરક્ષણ યંત્રણા ખરીદવામાં આપણે મોડા પડ્યા છીએ

ટેકનોલોજીની દુનિયામાં બહુ ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે. દસેક વર્ષ પહેલાં આપણાં લશ્કરના હાથમાં રમકડાં જેવાં ડ્રોન વિમાનો મૂકવામાં આવ્યાં ત્યારે તેનો ઉપયોગ આકાશમાંથી તસવીરો પાડવા માટે અને દુશ્મન દેશોની જાસૂસી કરવા માટે થતો હતો. લોકડાઉનના કાળમાં કેટલાંક શહેરોમાં ડ્રોનનો ઉપયોગ જનતાની જાસૂસી કરવા માટે પણ કરવામાં આવતો હતો. આજે આતંકવાદીઓ ભારતનાં સંરક્ષણ મથકો પર ત્રાટકવા માટે અદ્યતન ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. રવિવારે જમ્મુના એર ફોર્સ મથક પર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો તે સાથે આતંકાવાદીઓ દ્વારા ભારતની સુરક્ષા સામે એક નવા જ પ્રકારનો પડકાર ઊભો કરવામાં આવ્યો છે. કોઈ એમ માનતું હોય કે આ એકલદોકલ ડ્રોન હુમલો છે, તો તે ભીંત ભૂલે છે. આતંકવાદીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને લશ્કરી કે મુલકી થાણાંઓ પર સફળ હુમલો કરી શકાય તે હકીકત જ ડરામણી છે. આપણી કાલે આતંકવાદીઓ ડ્રોન વડે ભારતના રાષ્ટ્રપતિ ભવનને કે સાઉથ બ્લોકને પણ ફૂંકી શકે છે.

અમેરિકા દ્વારા ૧૯૯૦ ના દાયકામાં ગલ્ફ વૉરમાં ડ્રોનનો ઉપયોગ પહેલી વખત કરવામાં આવ્યો હતો. છેલ્લા એક દાયકાથી સરકારો દ્વારા જાસૂસીથી માંડીને પહાડી પ્રદેશોમાં ટપાલની ડિલિવરી કરવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. ફોટોગ્રાફરો લગ્ન સમારંભની ફોટોગ્રાફી કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવા લાગ્યા છે તો એમેઝોન જેવી કંપની માલની ડિલિવરી કરવા માટે પણ ક્યાંક ડ્રોનનો ઉપયોગ કરતી જોવા મળે છે. પ્રારંભિક ડ્રોન ૨૫૦ ગ્રામ જેટલું વજન ઉપાડી શકતા હતા, આકાશમાં ૨,૦૦૦ ફીટ ઊંચે જઈ શકતાં હતાં અને તેમની રેન્જ બે કિ.મી. જેટલી રહેતી હતી. આધુનિક ડ્રોન ૧૫૦ કિલોગ્રામ વજન ઊંચકી શકે છે, ૩૦,૦૦૦ ફીટની ઊંચાઈ સુધી ઊડી શકે છે અને તેમની રેન્જ સેંકડો કિલોમીટર સુધીની હોય છે. ટૂંકી રેન્જના ડ્રોનને રિમોટથી ચલાવી શકાય છે, જ્યારે લાંબી રેન્જના ડ્રોનમાં રેડિયો ફ્રિકવન્સી તેમ જ જીપીએસનો ઉપયોગ પણ થાય છે.

અમેરિકી લશ્કરની ગુપ્તચર પાંખના જણાવ્યા મુજબ જગતમાં પહેલી વખત ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો ૧૯૯૪ માં કરવામાં આવ્યો હતો. જપાનમાં કામ કરી રહેલા ઓમ શિનરિકયો નામના વિનાશની આગાહી કરનારા સંપ્રદાયે ડ્રોનનો ઉપયોગ કરીને આકાશમાંથી સિરિન નામનો વિનાશક ગેસ છોડવાની કોશિશ કરી હતી. જપાનીઓના સદ્ભાગ્યે તે હુમલો નિષ્ફળ ગયો હતો, કારણ કે તેમનું ડ્રોન રસ્તામાં જ તૂટી પડ્યું હતું. ૨૦૧૩ માં અલ-કાયદાએ સંખ્યાબંધ ડ્રોનનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર આતંકવાદી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પાકિસ્તાની લશ્કરે તેને નાકામિયાબ બનાવ્યો હતો. ઇસ્લામિક સ્ટેટ સીરિયા અને ઇરાક સામેના યુદ્ધમાં કાયમ ડ્રોનનો ઉપયોગ કરતું આવ્યું છે. તાલિબાન અફઘાનિસ્તાનમાં પોતાના અંકુશ હેઠળના પ્રદેશો પર દેખરેખ રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને સાઉદી અરેબિયા સામે લડી રહેલા હિઝબુલ્લા અને હૌથી આતંકવાદીઓ પણ ડ્રોનનો નિયમિત ઉપયોગ કરે છે.

૨૦૧૮ ના જાન્યુઆરીમાં ૧૩ ડ્રોનનાં ટોળાંએ સીરિયામાં રહેલાં રશિયાનાં બે લશ્કરી થાણાંઓ ઉપર હુમલો કર્યો હતો. ૨૦૧૮ ના ઓગસ્ટમાં વેનેઝુએલાના પ્રુમુખની હત્યા કરવા માટે બે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રમુખ નિકોલસ માડુરો જ્યારે કોઈ લશ્કરી સમારંભમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે જીપીએસ વડે ચાલતાં બે ડ્રોન વડે તેમની ઉપર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. પ્રમુખના સદ્ભાગ્યે બોમ્બ તેમના કાફલાથી થોડે દૂર ફાટ્યો હતો. ૧૯૯૪ અને ૨૦૧૮ વચ્ચે ડ્રોનનો ઉપયોગ કરીને કુલ ૧૪ આતંકવાદી હુમલાઓની યોજના ઘડવામાં આવી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહ પ્રધાન અમિત શાહ કોઈ ચૂંટણીની રેલીને સંબોધતા હોય ત્યારે જો તેમના ઉપર ડ્રોન વડે હુમલો કરવામાં આવે તો સમગ્ર દેશમાં હાહાકાર ફેલાઇ જાય તેમ છે.

ગયા વર્ષે આર્મેનિયા-અઝરબૈજાન વચ્ચેના યુદ્ધમાં પરંપરાગત ટેન્કનો મુકાબલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે તો આતંકવાદીઓ ડ્રોન હુમલા માટે આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે અને તેના દુશ્મન દેશોએ પણ પરસ્પરના હુમલા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો છે. આતંકવાદીઓ પોતાના સાથીદારો માટે શસ્ત્રોની ડિલિવરી કરવા માટે પણ ડ્રોનનો ઉપયોગ કરે છે. આ વર્ષની ૧૪ મી મે ના લશ્કરના જાણવામાં આવ્યું હતું કે જમ્મુમાં આતંકવાદીઓ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને શસ્ત્રો પડતાં મૂકવામાં આવ્યાં હતાં. આ શસ્ત્રો આતંકવાદીઓને બદલે ભારતના સૈન્યના હાથમાં આવી ગયા હતા.

પશ્ચિમ ભારતની સરહદ નજીક દર વર્ષે ૧૦૦ થી ૧૫૦ ડ્રોનની હાજરી નોંધાય છે; પણ તેનો મુખ્ય ઉદ્દેશ ભારતની જાસૂસી કરવાનો હોય છે. ગયા વર્ષના જૂનમાં જમ્મુના હીરાનગરમાં લશ્કરે એક ડ્રોનને તોડી પાડ્યું હતું. તેમાં અમેરિકન બનાવટની ૪ સે.મી. કાર્બાઇન ઉપરાંત બે મેગેઝિન, ૬૦ રાઉન્ડ દારૂગોળો અને ચાઇનીઝ બનાવટના સાત ગ્રેનેડ પણ હતા. ડ્રોનની તકલીફ એ છે કે પરંપરાગત રડાર સિસ્ટમમાં ડ્રોનને પકડી શકાતાં નથી; કારણ કે તેઓ બહુ ઓછી ઊંચાઇએ ઊડતાં હોય છે. જો ડ્રોનને પારખવા માટેની રડાર સિસ્ટમ વિકસાવવામાં આવે તો તેમાં પક્ષીઓ પણ ડ્રોન જેવાં દેખાતાં હોવાથી સિસ્ટમ લશ્કરને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. વર્તમાનમાં તો ભારતના સૈનિકો ડ્રોનને પારખવા માટે પોતાની આંખોનો ઉપયોગ કરે છે. જેવું આકાશમાં અજાણ્યું ડ્રોન દેખાય કે તેઓ તરત તેને તોડી પાડે છે. જો કે ડ્રોન ક્યારેક નજરને પણ ચૂકવી જતું હોય છે.

જે રીતે આતંકવાદીઓ ડ્રોનનો ઉપયોગ હુમલા માટે કરવા લાગ્યા તેમ વૈજ્ઞાનિકો દ્વારા ડ્રોનને વહેલું પારખીને તોડી પાડવા માટે પણ જાતજાતની ટેકનોલોજીઓ વિકસાવાઈ રહી છે. ડ્રોનને પારખવા માટે વિદ્યુતચુંબકીય મોજાંનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને તોડી પાડવા માટે લેઝર ગનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અમુક ટેકનોલોજી વડે ડ્રોનને ચલાવવા માટે વપરાતી રેડિયોફ્રિકવન્સીમાં ગરબડ કરીને તેને રસ્તો ભૂલાવી દેવામાં આવે છે. જો કે કોઈ ટેકનોલોજી હજુ સુધી ફુલપ્રૂફ પુરવાર થઈ નથી. જો ડ્રોનવિરોધી સિસ્ટમ દુશ્મન દેશની દિશામાં ગોઠવવામાં આવી હોય તો આપણી જમીન પરથી પણ આતંકવાદી હુમલો થઈ શકે છે. આતંકવાદીઓ આપણી ડ્રોનવિરોધી સિસ્ટમને છેતરવા એક સાથે ડઝન ડ્રોન વડે હુમલો કરે છે. તેમાંનાં મોટાં ભાગનાં ડ્રોન તોડી પાડવામાં આવે તો પણ એકાદ બચી જઈને પોતાના લક્ષ્યાંક સુધી પહોંચી જાય છે.

ભારતના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ડ્રોનનો મુકાબલો કરવા માટેની ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે, પણ હજુ તેનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું નથી. તેનો ઉપયોગ ૨૦૨૦ ની અને ૨૦૨૧ ની પ્રજાસત્તાક દિનની પરેડ અને ૨૦૨૦ માં આઝાદી દિનની રેલી ઉપરાંત અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવ્યો હતો. ઇઝરાયલે મિઝાઇલ સામે સંરક્ષણ માટે આયર્ન ડોમ સિસ્ટમ બનાવી છે, તેવી રીતે ડ્રોન ડોમ જેવી સિસ્ટમ પણ વિકસાવી છે. અમેરિકાના લશ્કરે નિન્જા નામની સિસ્ટમ વિકસાવી છે. ભારતે પોતાની સુરક્ષા માટે તાત્કાલિક કોઈ દેશ પાસેથી તૈયાર ડ્રોન ડિફેન્સ સિસ્ટમ ખરીદી લેવી પડશે.

Most Popular

To Top