Columns

આપણે કૃષ્ણ અને આપણે જ કંસ.!

એક મિત્રે ‘રામાયણ’ અંગે થોડી વાતો કરી. તેમણે કહ્યું: ‘સીતાજીના પતિ ભગવાન હતા છતાં તેમણે જંગલમાં સૂવું પડ્યું હતું. જ્યારે મંદોદરીનો પતિ (રાવણ) રાક્ષસ હતો છતાં તે મહેલમાં સૂતી હતી. એ ઉપરાંત મંદોદરીએ અગ્નિપરીક્ષા નહોતી આપવી પડી. 14 વર્ષનો વનવાસ નહોતો વેઠવો પડ્યો. તેની ગર્ભાવસ્થામાં રાવણે તેનો ત્યાગ નહોતો કર્યો. સીતાજી કરતાં મંદોદરી ઘણી સુખી હતી પણ મંદોદરીને આજે કોઈ યાદ કરતું નથી. સીતાજીની પૂજા કરવામાં આવે છે. રામચંદ્રજીની ઘરે ઘરે સ્થાપના કરવામાં આવે છે. જ્યારે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. કોઈકે સાચું કહ્યું છે: ‘સોનાની ગીની જાજરૂમાં પડી હોય તેથી તેની કિંમત ઘટી જતી નથી. અને કચરો જાજમ પર પડ્યો હોય તો પણ લોકો તેને વાળીઝૂડીને સાફ કરી નાખે છે.’

એક મિત્ર લખે છે: ‘રાજકારણીઓ પ્રત્યે લોકોનો રોષ વાજબી છે પણ એ ફિલ્ડ જ એવું છે કે એમાં થોડા દાવપેચો તો ખેલવા જ પડે. ખુદ કૃષ્ણે મહાભારતમાં એવું રાજકારણ ખેલ્યું હતું. વાત સાચી હશે પણ કંસ અને કૃષ્ણમાં એ જ તો ફેર છે. કૃષ્ણનો દગો પણ દયામય હોય જ્યારે કંસની કૃપા ય કરપીણ ગણાય. કૃષ્ણે દ્રૌપદીના ચીર પૂરવા માટે કાપડની મિલો પાસેથી સાડીની લેવી નહોતી ઉઘરાવી. તેમણે બધું સ્વબળે કર્યું હતું. આપણા રાજકારણીઓ ચૂંટણી ટાણે 2 રૂપિયે કિલો ઘઉં આપવાનું વચન આપે છે પણ વેપારીઓ પાસેથી ચૂંટણી ફંડરૂપે લાખો રૂપિયા ભેગા કરે છે. મતલબ બકરીને દોહીને કૂતરીને પાવાનો હાસ્યાસ્પદ તમાશો કરે છે. એમ કહો કે ચાંદીમાં જતી ખોટ સોનામાં સરભર કરી લે છે.

દોસ્તો, મિત્રની વાત ઘણે અંશે સાચી છે. જીવનનું નક્કર સત્ય એ છે કે થોડો દગો, થોડી બદમાશી, થોડી લુચ્ચાઈ, થોડો પ્રપંચ.. એ બધું જેને ના આવડી શકે તે જીવનના ગણિતમાં ફુલ્લી નાપાસ થાય છે. જીવનની પાઠશાળાના એવા નબળા વિદ્યાર્થીઓ માટે જ કદાચ એક કવિએ ફરિયાદ કરી છે: ‘તમે હાથમાં રાખ્યા જીવનભર પેન અને પોથી સજનવા… તોય લખી અંતે જીવનની જોડણી ખોટી સજનવા..!’ ગુજરાતીઓ દગાશાસ્ત્રમાં ખાસા ડફોળ પુરવાર થાય છે. આપણા એક પ્રધાન (સુખરામે) 8-10 રૂપિયાવાળું તકલાદી તાળું મારી કરોડોનું કાળું નાણું મામૂલી મકાનમાં છુપાવી રાખ્યું હતું.

મોટા માણસોની કેટલીક પ્રેરણાત્મક વાતો એવી હોય છે જે નાના માણસો નથી કરી શકતા પણ તેમની વાતમાં દમ હોય છે. જેમ કે ગાંધીજીએ ચોરી કરી હતી પણ ગાંધીજીને આજે આખું જગત આઝાદીના પ્રણેતા તરીકે ઓળખે છે. આજે એમને કોઈ ચોર તરીકે કોઈ ઓળખતું નથી. તેમની આત્મકથામાં તેમણે એવી ઘણી નબળાઈઓનો નિખાલસ ભાવે એકરાર કર્યો હતો. નાના માણસોનું એવું ગજું નથી હોતું. માણસના દુર્ગુણોમાં એકાદ નાનો સદગુણ ભળે તો દુષ્ટ માણસ પણ થોડો આદરણીય બની શકે છે. કોઈ ડાકુ કદાચ અમીરોને લૂંટીને ગરીબોની વસ્તીમાં કૂવા, તળાવ, સ્કૂલો, દવાખાના, હૉસ્પિટલો વગેરે બંધાવતો એવી વાર્તા ક્યાંક વાંચી હતી. આવા ડાકુઓ ગરીબો માટે ભગવાન બની રહે છે. આપણા રાજકારણીઓ માટે આવી બાબતો ઘણી પ્રેરણાત્મક ગણાય.

મૂળ વાત એટલી જ માણસ હંમેશાં એક જટિલ પ્રશ્નાર્થ રહ્યો છે. કયો માણસ સારો અને કયો ખરાબ એ જાણવા માટેનું કોઈ રેડી રેકનર હોતું નથી. માણસને માપવાના કેટલાક સાધારણ માપદંડ હોય છે પરંતુ તે બધા અફર અને ચોક્કસ નથી હોતા. માણસનો અસલી પરિચય એ સ્થૂળ માપદંડોથી વેગળો છે. સોક્રેટીસે કહ્યું હતું: ‘માણસને માપવો હોય તો એને સત્તા અને પૈસા આપો. પછી જુઓ ખેલ..! કહેવાતા સાધુસંતોએ બળાત્કાર કર્યો હોય એવા અનેક કિસ્સાઓ બન્યા છે.

બીજી તરફ ગુંડાએ કોઈનો જીવ બચાવ્યો હોય એવુંય બન્યું છે. માણસ મહેકે તો માનવતાનો મહાસાગર બની રહે અને એનું ફટકે તો તેને વીરપ્પન બની જતાં પણ વાર નથી લાગતી. અમારા પ્રોફેસર મિત્ર કહે છે: ‘કોઈ વિશે અલ્પ પરિચયમાં કદી કોઈ કાયમી અભિપ્રાય બાંધી લેવાની ભૂલ કરવી નહીં. નહીંતર તમે આઘાતજનક રીતે ખોટા પડશો. જેને તમે ખૂબ સજ્જન ધાર્યા હોય અવા માણસો ક્યારેક રાવણનું રૂપ લઈને તમારી સમક્ષ આવે એવું બને છે અને કોઈ ગુંડો ગુણીજન સાબિત થાય એવું પણ બને છે. ઉત્તમ એ જ કે માણસના સદગુણોની ઝાઝી આરતી ના ઉતારવી અને દુર્ગુણોની ઝાઝી નિંદા ના કરવી.
માણસના ગુણ- અવગુણ સંજોગો પ્રમાણે બદલાઈ શકે છે. વાલિયો વાલ્મીકિ બની જાય પછી એ પ્રક્રિયા અટકી જતી નથી. સંજોગોનો માર્યો તે ફરીથી વાલિયો બની જાય એવું પણ બની શકે છે. આપણે પ્રતીક્ષા કરીએ કે લાલુપ્રસાદ યાદવ લાલબહાદુર શાસ્ત્રી બની શકે.
ધૂપછાંવ
માનવી માટે જે સર્વથા દુ:ખદ અને આપત્તિકર હોય તેવા દુર્ગુણો કદી પ્રશંસનીય હોતા નથી. હા, એટલું ખરું કે કુકર્મો માટે ય બૌદ્ધિક કૌશલ્યની ભારોભાર જરૂર પડે છે.

Most Popular

To Top