Comments

હમ તો ઠહરે ઉપવાસી….!

શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કારીગરો લાવીને, ભગવાને કેવી સરસ પૃથ્વી બનાવી છે? અહીંથી Return થવાનું મન નહિ થાય એવી..! પ્રભુને રાજી રાખવા પડે, એવું જ્યારથી જાણવા મળ્યું ત્યારથી, ચમનિયાને પણ ઉપવાસ કરવાની ઇન્દ્રિય જાગૃત થયેલી, કે ઉપવાસ પણ એક પ્રાર્થના છે. દરેકને એક ઈચ્છા તો હોય, કે, પૃથ્વી ઉપર લાંબુ ટકાય તો મઝા આવી જાય ને પ્રભુના કૃપાગુણ પણ મળે પણ ઉપવાસમાં આધ્યાત્મિક ભાવ પણ જોઈએ. માત્ર પેટની દુકાન બંધ કરવાથી ભગવાન તો ઠીક, વૈતાલ પણ નહિ આવે. ઉપવાસ રાખવાથી, આધ્યાત્મિક તાકાત વધે અને કેટલા કિલો ભૂખ સહન થાય, એનાં લેખાં-જોખાં પણ મળે.

પેટના ઘેરાવા ઘટે તે ઊચકામાં..! ઉપવાસ એટલે, હરિની નજીક રહેવાનો ગેરેન્ટેડ Shortcut..! પણ ઉપવાસ કરવાથી, પેટની દશા તો બેસે અને શરીરની સઘળી ઇન્દ્રિયો સામુહિક હડતાળ ઉપર જાય એવું પણ બને. કહેવાય નહિ..! રીયાઝ વગર જેમ સંગીતકાર થવાતું નથી, એમ ઉપવાસનાં પણ રીયાઝ કરવા પડે બોસ..! નહિ તો, ઉઘાડા પગે ચાલતાં ચરોતર જતાં હોય, તેવી વેદના થાય. પેટનો સવાલ છે ને..? ભૂખ્યા પેટે ભોજન તો ઠીક, ભૂંજ્યો પાપડ ભાંગવા પણ તાકાત ના હોય..! એમાં જો જઠરાગ્નિ જાગ્યો તો, વાણી, વર્તન, વિચાર ઉપર આતંકવાદીએ કબજો લીધો હોય એવી હાલત થઇ જાય. મચ્છર મારવા પણ બંદૂક કાઢવી પડે!

 સાલું ‘મુઠ્ઠી જેટલું હૈયું ને ખોબાભર પેટ, પણ ભારે કરાવે વેઠ. શરીરના કોઇ પણ અંગ સાથે માનવી ઉપવાસમાં તો સમાધાન કરી લે, પણ પેટની વાત આવે એટલે લાચાર..! બાંધછોડના રસ્તા શોધવા માંડે. જેની પાસે હાસ્યની ભરચક મૂડી છે, એને ઉપવાસનાં દુઃખણાં ખાસ નડતાં નથી. કારણ હાસ્ય એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. જેની પાસે હાસ્ય છે, એ આ જગતનો શ્રેષ્ઠ શ્રીમંત છે. હાસ્યનો દુકાળ હોય તો, જીવવા માટે વેન્ટીલેટરનું મશીન, કેડે બાંધીને પણ મુસાફરી કરવી પડે. એટલે તો વડવાઓ કહી ગયેલા કે, “હસતો રહે એ સૌમાં વસતો રહે..!” આજકાલ જગતમાંથી શાંતિ-હાસ્ય-ધર્મ-ઉપવાસ વગેરે વીલાતું ચાલ્યું ને તેનાં સ્થાન યુદ્ધોએ લેવા માંડ્યાં.

ઈઝરાઈલ-ઈરાન-યુક્રેન-રશિયા કે અમેરિકા જેવા આખલાઓ એવા બાઝે છે કે, તેના કારણે ભારત માટે, તેલ અને ગેસ પણ ગાયબ થઇ ગયાં. રડારોળ થઇ ગઈ..! આપણે રહ્યાં ભારતનાં સંતાન. ભારત એટલે ભગવાનની માતૃભૂમિ..! સંતો, મહંતો, ઋષિઓ અને અવતારી પુરુષોનાં વારસદાર, એટલે પહેલેથી જ ઉપવાસના માર્ગે વળેલાં. તમાચો મારીને પણ ગાલ લાલ રાખવાનું શીખેલાં. ભગવાને પોતે પણ ભારતમાં જનમ લીધેલો ને, આપણને પણ આપેલો અને અખંડ ભારતના ટ્રસ્ટી બનાવેલા. વિચાર તો કરો, એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો, વિઝા માટે પણ અમુક લોકો તો, ઉપવાસ રાખે છે.

ભગવાને તો વગર વિઝાએ પૃથ્વી ઉપર પાર્સલ કરેલાં તે પણ ભારતમાં, ને ગુણવંતી ગુજરાતમાં..! થોડાંક ઉપવાસ કરીને, હરિ-સ્મરણ કરીએ તો ઘસાઈ નહિ જવાય. શું કહો છો ચમના..? ખાડી પારના દેશોમાં ઉપવાસને તો છોલે ભગો દાજી, આજકાલ શાંતિ પણ મરવા પડી ..! એને કોણ સમજાવે કે, રાખવા હોય તો યુધ્ધના પણ ઉપવાસ રખાય..! પણ નિયમ પાળે કોણ? જેને ધાકમાં રાખવાની ફાવટ છે, એને ઉપવાસનાં કપરાં ચઢાણ અઘરાં પડે. આમ પણ સ્વાર્થની વાત આવે ત્યારે, બુદ્ધિ બેભાન બની જાય. એક વાત છે, ભૂખ્યો જણ ભલે સમર્થ લેખક કે સાહિત્યકાર નહિ બને, પણ અધકચરો કવિ કે ફિલોસોફર તો બની જાય. ભૂખ બૂરી ચીજ હૈ મામૂ..! પછી એ ગમે તે પ્રકારની હોય..! કોઈ શત્રુને ચકરડે ચઢાવવો હોય તો, ઉપવાસના રવાડે ચઢાવી દેવાનો..!

ધેટ્સ ઓલ..! ભગવાન જેવા ભગવાન રીઝી જાય, તો શત્રુ કયા ચીજ હૈ..? કહેવત છે કે, ‘જેને કોઈ નહિ પહોંચી વળે એને પોતાનું પેટ પહોંચી વળે..!’ અમુક મોટા ઉપાડે, ઉપવાસ રાખવા તો જાય, પણ ઘડિયાળના કાંટા જેમ જેમ આગળ વધે એમ,પેટ બંડ પોકારવા માંડે કે, “હમારી માંગે પૂરી કરો..!” પછી ચહેરો નિસ્તેજ થવા માંડે. કોહીનુર જેવા ચહેરાનું નૂર ઊતરવા માંડે. દિલદાર માણસ પણ દાંતિયા કરવા માંડે..! અને ફળાહારનો વિકલ્પ શોધી કાઢે..! ઉપવાસના મારણમાં, શિંગોડા-રાજગરાનો શીરો, સાબુદાણાની ખીચડી, મોરૈયો, જ્યુસ કે વિવિધ ફળો અને તેનાં રસ ૧૦૮ ની જેમ હાજરાહજૂર થવા માંડે અને પેટ ‘પેક’ કરવા માંડે. ફળાહારનો ધોધમાર અભિષેક એવો થાય કે, ઉપવાસ પણ ખાધનો Food festival બની જાય..!

 ચમનિયાનું કહેવું છે કે, મને સંત તુલસીદાસજીએ શમણામાં આવીને કહેલું કે, ‘વાર તહેવાર તિથિએ એકટાણાનાં ઉપવાસ પણ રાખવાના. પછી એ તહેવાર રામનવમી હોય, જન્માષ્ટમી હોય કે,માતાજીના નોરતાનો હોય. ઉત્સવ પણ કરવાના ને ઉપવાસ પણ રાખવાના..!’ બધી વાત બરાબર પણ જેને ખાધમાં જ ભક્તિની પરંપરા દેખાતી હોય, એ પેટને ચીમળાવા દે ખરો? રોજની ખાધ કરતાં ફરાળી વાનગીનો ઉપાડ વધી જાય. પછી ‘સ્ટેટસ’પણ મૂકે કે, ‘હમ તો ઠહરે ઉપવાસી, વાસી નહિ ખાયેંગે ..! પણ રસોડું જેવું મઘમઘવા માંડે એટલે પેટને બળાપો થવા માંડે. નાકની ઘાણેન્દ્રિય તેજ બની જાય. એવા ટાવર પકડે કે, ઉપવાસ ઉપહાસ બની જાય.પછી જેવી જેવી વાનગી..! ઉપવાસ ઉપર પણ બુલડોઝર ફરવા માંડે. ભરોસો નહિ..!

બાકી, આમ જુઓ તો ચમનિયો, ધાર્મિક તો બહુ..! રામ નવમીએ માત્ર ભગવાન શ્રીરામને જ પગે લાગવા જાય એવું નહિ, ગામમાં જેટલા રામભાઈ રહેતા હોય, એ બધાને દંડવત્ પ્રણામ કરી આવે. બસ, ભૂખે રહેવાની વાત આવે ને ટાઢિયો ભરાય..! શ્રી રામ જાણે આ વખતની રામનવમીએ કોણે ફૂંક મારેલી તે, રામનવમીનો નકરડો ઉપવાસ રાખેલો, એવો સંકલ્પ કરેલો કે, ‘ખુદ રાવણ આવીને ગડદાપાટુ કરે તો પણ, ઉપવાસમુક્ત નહિ બનું..! હવા-છીંક-ઉધરસ-બગાસાં-ધોખા-હીંચકા બધું ખાઈશ, પણ અન્નનો દાણો નહિ મૂકું. પણ જેવો પ્રહર ચઢતો ગયો ને પેટ બરાડા પાડવા માંડ્યું એટલે ફાંસીની સજા સાંભળીને કેદીનો ચહેરો નિસ્તેજ થઇ જાય, એમ ચમનિયાનું પેટ ચચરવા માંડે. પણ ચંચી એવી ચુસ્ત હિન્દુવાહિની કે, ઉપવાસ તોડવાની વાત કરે તો, ચમનિયાને પણ ધોઈ નાંખે.

ચંચી એટલે ‘ટ્રમ્પ જેવી લેડી..! તરત ત્રાડ નાંખે કે, ‘ઉપવાસ કરવાનો એટલે પૂરો કરવાનો અને શ્રધ્ધાથી કરવાનો…! એવું નહિ કે, ઉપવાસના નામે, ‘નંદ ઘેર આનંદ ભયો’ની માફક ખાધની લહેરખી માણવાની..! વધારે મગજમારી કરે તો ચમનિયાને ટપલી-દાવ પણ કરી નાંખે, પણ ઉપવાસ નહિ તોડવા દે..! ખાવાની વાત આવે તો છીંક પણ નહિ ખાવા દે..! એટલી ચુસ્ત..! ચોખ્ખું ચોપડાવી દે કે, ઉપવાસ એટલે શાંતિ અને આત્મનિયંત્રણ માટેની ક્રિયા..! ફરાળી ભોજન ઠાંસીને ખાવાનો મહોત્સવ નથી..! એના કપાળમાં કાંદા ફોડું..!

લાસ્ટ બોલ
લોકો વોચમેન રાખે, કૂતરા પાળે, ત્યારે ચમનિયાએ મચ્છર મારવા માટે ઘરમાં નોકર રાખેલો.એક રાતે ચમનિયાનાં કાન આગળ એક મચ્છર ગુનગુન કરતું આવ્યું. એટલે નોકરને બોલાવીને ખખડાવ્યો. તને મચ્છર મારવા માટે રાખેલો, છતાં મારા કાન આગળ મચ્છર ક્યાંથી આવ્યું?
નોકર કહે, “શેઠ..! મચ્છર તો મેં એક પણ જીવતું રહેવા દીધું નથી. તમારા કાન આગળ ગુનગુન કરી ગઈ એ કદાચ, મચ્છરને કારણે વિધવા થયેલી મચ્છરી , આક્રંદ કરતી આવી હશે..!
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top