Gujarat

અમે પ્રજાના સુખમાં સુખી અને દુ:ખમાં દુ:ખી છીએ : મુખ્યમંત્રી

કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા દરમિયાન આજે સીએમ વિજય રૂપાણી મધ્યગુજરાતમાં ફાગવેલ ધામ ખાતે પહોચ્યાં હતાં. એટલું જ નહીં કેન્દ્રિય મંત્રી ચૌહાણ તથા સીએમ રૂપાણીએ ફાગવેલ ધામ ખાતે ભાથીજી મહારાજના દર્શન પણ કર્યા હતાં.

ફાગવેલમાં મુખ્યમંત્રી રૂપાણીએ જન સભાને સંબોધન કરતા કહ્યું હતું કે, ગુજરાતના સ્વર્ણિમ ઈતિહાસમાં આઠ કેન્દ્રીય મંત્રીઓ હોય એવું પહેલીવાર બન્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારોમાં ગુજરાતને અન્યાય થતો હતો. ગુજરાતનું દિલ્હીમાં કઈં ઉપજતું નહોતું. પ્રધાનમંત્રી , ગૃહમંત્રી વિદેશ મંત્રી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.

તેમણે કહ્યું હતું કે આ ભાજપ છે જે પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી છે. અમે સરકાર બનાવીને પ્રજાને ભૂલી નથી જતા. કોંગ્રેસ કુટુંબ આધારિત છે, ભાજપ કાર્યકરો આધારિત છે. દેવુસિંહના પરિવારમાં કોઈ મુખ્યમંત્રી કે રાજકારણી નહોતું. સામાન્ય કાર્યકરને મંત્રી બનાવતી આ પાર્ટી ભાજપ છે. અમે પદને જવાબદારી ગણીએ છીએ. સત્તા નહિ પણ સેવાનું સાધન છે.

નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બન્યા ત્યારથી દેશભરના લોકોની અપેક્ષા પૂરી કરવા કામ કરી રહ્યાં છે. અમારો મંત્ર અયોધ્યામાં રામ, યુવાનોને કામ, ખેડૂતોને સાચો ભાવ, ઓછી મોંઘવારીનો છે. કોંગ્રેસના શાસનમાં લાલચોક શ્રીનગરમાં તિરંગો ફરકતો નહોતો. આતંકીઓ ખૂલ્લેઆમ ધમકી આપતા હતાં. છેલ્લા 7 વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે કાશ્મીરમાં પગલાં લીધા તેની અસર દેખાઈ રહી છે.

શ્રીનગરમાં આ વખતે તિરંગો આન બાન શાન સાથે લહેરાયો છે. બે કેન્દ્રિય કેબીનેટ મંત્રીઓ મનસુખ માંડવીયા અને પરષોત્તમ રૂપાલાના નેતૃત્વમાં આવતીકાલ તા.19મીથી ત્રણ દિવસ માટે બે જન આશીર્વાદ યાત્રા શરૂ થશે. જેમાં માંડવીયાના નેતૃત્વમાં રાજકોટથી ભાવનગર સુધી અને રૂપાલાના નેતૃત્વમાં ઊંઝાથી અમરેલી સુધી આ યાત્રા રહેશે. જયારે ત્રણ કેન્દ્રિય મંત્રીઓના નેતૃત્વમાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા હવે તેના અંતિમ તબક્કામાં છે.

Most Popular

To Top