Comments

જળપ્રદૂષણ માટે આપણે સૌ જવાબદાર છીએ

પોતાની જાતને સ્વચ્છતાપ્રેમી ગણાવવું મનુષ્યને બહુ ગમે છે, પણ હકીકત એ છે કે ગંદકી તેનો પ્રિય શોખ છે. જેટલો તે વધુ સુશિક્ષિત અને સાધનસંપન્ન, એટલી વધુ ગંદકી તે ફેલાવે. આ કદાચ કોઈના માન્યામાં ન આવે, પણ હકીકત છે. એક સ્વચ્છતાપ્રેમી અને સુશિક્ષિત વ્યક્તિ કેવળ પોતાની આસપાસની સ્વચ્છતા રાખવા પૂરતી સીમિત નથી બની રહેતી. એ સમગ્રતામાં વિચારે છે. મનુષ્ય પોતાના પરિસરમાં જ નહીં, જ્યાં પણ જાય ત્યાં ગંદકી ફેલાવે છે.

થોડા સમય પહેલાં ‘નેશનલ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી, ગોવા’ના એક અભ્યાસમાં પૂર્વ અરબી સમુદ્રમાં માઈક્રોપ્લાસ્ટિકનું ચિંતાજનક પ્રમાણ જોવા મળ્યું. મુંબઈના દરિયા નજીક, કન્યાકુમારીથી નજીક કેપ કોમોરિનની આસપાસ તેમજ ગોવાના દરિયાતટ વિસ્તારમાં તે વધુ પડતું હતું. આ એક અતિ ગંભીર મામલો કહી શકાય. આમ તો, પ્લાસ્ટિકની શોધ વિકલ્પરૂપે થઈ હશે, પણ હવે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ જણાઈ રહ્યો નથી. ઓછું વજન, ટકાઉપણું અને સુલભતાને કારણે વિશ્વભરમાં પ્લાસ્ટિકનો વપરાશ દિનબદિન વધતો રહ્યો છે. વિવિધ રંગ, રૂપ અને પ્રકારનાં પ્લાસ્ટિક આવે છે.

કેરી બૅગ, પાણીની બૉટલ, ઠંડા પીણાંની બૉટલ, પ્લાસ્ટિકના કપ, નાયલોનનાં દોરડાં, પોલિથીન, ખુરશી, ટેબલ, પીણાં પીવા માટેની ભૂંગળી, કાંટા-ચમચી, તેલનાં પીપ, કાર્બોય, ડિશ સહિતની કેટકેટલી પ્લાસ્ટિકની ચીજો દુનિયાના ખૂણેખૂણે લોકો રોજબરોજના ધોરણે વાપરે છે અને ફેંકી દે છે. બેફામપણે અને જથ્થાબંધ ઉત્પાદન તેમજ અવૈજ્ઞાનિક ઉપયોગ પ્લાસ્ટિકના પ્રદૂષણને નોંતરે છે. એક સમયે મનુષ્યની સવલત માટે શોધાયેલા પ્લાસ્ટિકે એવો ઉપાડો લીધો છે કે વિશ્વને વિનાશને આરે તેણે લાવીને ઊભું કરી દીધું છે. એમાંય ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ તરીકે ઓળખાતા એક જ વખત ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકે પર્યાવરણને પુષ્કળ નુકસાન કર્યું છે અને હજી એ પ્રક્રિયા એટલા જ વેગથી ચાલુ છે. તટીય અને દરિયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં આવા પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ ખૂબ વધ્યું છે.

એક અંદાજ અનુસાર 1950માં પ્લાસ્ટિકનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન પંદર લાખ ટન હતું, જે બાળવાર્તામાં આવતી રાજકુમારીની જેમ વધીને 2010માં 2700 લાખ મેટ્રિક ટન, 2015માં 3200 મેટ્રિક ટન અને 2021માં 3905 મેટ્રિક ટન થઈ ગયું. વિવિધ પ્રકારનું વપરાયેલું પ્લાસ્ટિક આખરે દરિયાને કે જળાશયોને કે જમીનને હવાલે થાય છે. દરિયાઈ પ્રવાસન, માછીમારી, પરિવહનના સતત વધતા રહેતા પ્રમાણને કારણે દરિયામાં કે જળાશયોમાં સીધેસીધો કચરો ઠલવાય છે, તો ઘરગથ્થુ કે ઔદ્યોગિક વપરાશના પ્લાસ્ટિકનો કચરો લૅન્ડફીલ પર ઠલવાઈને આડકતરી રીતે પછી જળાશયોમાં પહોંચે છે. આ કચરો જળાશયને પ્રદૂષિત કરવાની સાથોસાથ જળસૃષ્ટિને ભયાનક નુકસાન પહોંચાડે છે.

દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક મુખ્યત્વે વિવિધ પ્રકારનું ‘માઈક્રોપ્લાસ્ટિક’ હોય છે. પાંચ મિ.મી.થી ઓછી લંબાઈના એટલે કે પેન્‍સિલની પાછળ આવતા ઈરેઝર જેટલા પ્લાસ્ટિકને ‘અમાઈક્રોપ્લાસ્ટિક’ કહે છે. એક અંદાજ મુજબ દરિયામાં ઠલવાતા માઈક્રોપ્લાસ્ટિક પૈકીનું પંચોતેર ટકા જમીનના સ્રોત દ્વારા આવતું હોય છે. માઈક્રોપ્લાસ્ટિક દરિયામાં અવરોધ પેદા કરે છે તેમજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ છે. દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક દરિયાઈ કાચબા, વ્હેલ, દરિયાઈ પક્ષીઓ, માછલીઓ, પરવાળાં તેમજ અન્ય અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓ અને આવાસો પર વિપરીત અસર કરે છે.

માઈક્રોપ્લાસ્ટિક હાનિકારક રસાયણો છોડે છે, જે દરિયાઈ ખોરાક દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. તેને કારણે પાચનસંબંધી, વજન વધવાની, કેન્‍સરની કે અન્ય ગંભીર શારીરિક સમસ્યાઓ સર્જાવાની શક્યતા રહે છે. સરકારી નીતિ ગમે એવી અને, પણ આખરે તો વાત સંસ્થાકીય કે વ્યક્તિગત સ્તરે જ આવીને અટકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને અન્ય વૈકલ્પિક સામગ્રી તરફ વળાય તો કદાચ કશુંક નક્કર કામ થઈ શકે. આ કામ એવું છે કે સૌએ પોતપોતાને સ્તરે પૃથ્વીને બચાવવા માટે કરતા રહેવાનું છે. કોઈ બીજા પર ઢોળી દેવાથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. સૌથી કારગર ઉપાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને વ્યક્તિગત ધોરણે બંધ કરી દેવાનો છે. વ્યક્તિગત સ્તરે તેનો ઉપયોગ ઘટાડતા જઈએ તો ધીમે ધીમે એ શક્ય બની શકે. આ પ્રકારનું પ્લાસ્ટિક મોટા ભાગે આપણી અનિચ્છા છતાં ઘરમાં આવતું હોય છે. તેનો સુયોગ્ય વિકલ્પ ધીમે ધીમે શોધતાં જવાય અને એમાં ઘટાડો કરતાં જવાય એમ બની શકે.

સૌથી મહત્ત્વની બાબત પ્લાસ્ટિકની સમકક્ષ પેકેજિંગ માટેની વૈકલ્પિક સામગ્રી શોધવાની છે, જે કિંમતમાં પણ કિફાયતી હોય. સાથોસાથ પ્લાસ્ટિકના રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે સુયોગ્ય નીતિ અને એનો અમલ જરૂરી છે. એક અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં હાલ માત્ર 9 ટકા પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે. રિસાયકલિંગનું પ્રમાણ વધે તો સમુદ્રમાં ઠલવાતું પ્લાસ્ટિક ઘટે અને ‘નવું’ પ્લાસ્ટિક ‘ચલણ’માં આવતું અટકી શકે. આનાથી થતા નુકસાનનું ચિત્ર એટલું બિહામણું છે કે એની પર બને એટલો જલ્દી અમલ નહીં કરાય તો વર્તમાન પેઢીને નુકસાન છે જ, ભાવિ પેઢીને પણ અનેકગણું નુકસાન છે.

દરિયાઈ સૃષ્ટિ સામાન્ય સંજોગોમાં જમીન પર રહેનારને નજરે પડતી નથી. આથી પોતાના દ્વારા ફેંકી દેવાતા પ્લાસ્ટિકથી તેને કશું નુકસાન થઈ શકે એનો અંદાજ સુદ્ધાં તેને હોતો નથી. પ્લાસ્ટિક બેફામપણે વાપરનાર સૌ કોઈએ એ સમજી લેવું રહ્યું કે એ રીતે વત્તેઓછે અંશે પોતે પણ પ્રદૂષણ ફેલાવવામાં હિસ્સેદાર બને છે. એ જવાબદારી પોતાની જ છે. સત્તાવાળા એ અંગેની નીતિ બનાવે ત્યારની વાત ત્યારે, એ પહેલાં વ્યક્તિગત સ્તરે જાગૃતિ નહીં લવાય તો ઘણું મોડું થઈ ગયું હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top