મંદિરમાં એક માણસ આવ્યો. શ્રદ્ધાળુ ભક્તની જેમ તેણે આંખો બંધ કરી હાથ જોડી ઈશ્વરની સામે વંદન ન કર્યા.તેની આંખોમાં હતાશાના આંસુ અને આક્રોશની લાલાશ હતી. પ્રભુની મૂર્તિ ને સંબોધીને તે બોલી રહ્યો હતો, ‘ઈશ્વર, તે મને જન્મ શું કામ આપ્યો? આ દુનિયામાં મારી કોઈ જ જરૂરત નથી… હું મારા મા બાપને સંતોષ આપી નથી શકતો… નથી મારી પત્ની મારાથી સુખી …મારા સંતાનો મને ગાંઠતા પણ નથી. બધા મારી મશ્કરી કરે છે મને નકામો ગણે છે. આ દુનિયા રહેવા લાયક જ નથી.’
ભગવાનના મંદિરના પૂજારીજી શાંતિથી આ માણસ અને ઈશ્વરની મૂર્તિ વચ્ચેનો એક તરફી સંવાદ સાંભળી રહ્યા હતા. તેમણે પ્રસાદની થાળી હાથમાં લીધી અને પહેલા માણસની પાસે ગયા, પૂજારીજીને પોતાની તરફ આવતા જોઈને પેલો માણસ ચૂપ થઈ ગયો. પૂજારીજીએ તેને વ્હાલથી બોલાવ્યો અને તેના હાથમાં પ્રસાદનો બુંદીનો લાડુ આપ્યો અને પ્રસાદ આપતા પૂજારીજી એ જાણી જોઈને થોડી બુંદી નીચે જમીન ઉપર પાડી દીધી. માણસે જમીન પર પડેલી બુંદી ઉપાડી લીધી પ્રસાદ હતો એટલે આંખ માથા પર લગાડી તેણે નીચે પડેલી બુંદી પણ આરોગી લીધી. પૂજારીજી પ્રભુચરણોનું નમન નું ફૂલ લઈ ખાસ તેની પાસે આવ્યા. નમન આપ્યું પછી પૂછ્યું,’ભાઈ આ નીચે પડેલી બુંદી પણ કેમ ખાઈ લીધી?’ પેલા માણસે કહ્યું, ‘ભગવાનનો પ્રસાદ હતો ને એટલા માટે.’
પૂજારીજી આ જવાબ સાંભળીને મલક મલક હસ્યા અને પછી પ્રસાદ નો થાળ તેની તરફ આગળ કરતા બોલ્યા, ‘જો ભાઈ આ થાળમાં બુંદીના લાડવા છે સાથે સાથે છૂટી પડી ગયેલી બુંદીઓ પણ છે પરંતુ બધો પ્રસાદ જ છે ખરું ને? પેલા માણસે હકારમાં ડોકું હલાવ્યું . પૂજારીજી આગળ બોલ્યા, ‘ ભક્ત,હવે મારી વાત સમજ આ મુરલીધર મૂર્તિમાં જે છે તે પરમાત્મા છે અને તે એક બુંદીનો લાડવો છે અને આ જગત અને જગતમાં વસતા બધા જ પ્રાણીઓ, હું અને તું એ બધા જ આ લાડવા માંથી છૂટી પડી ગયેલી બુંદીઓ છીએ જેમ લાડવા માંથી છૂટી પડેલી બુંદીમાં પણ એ જ મીઠાશ હોય છે.
ઈશ્વરનો પ્રસાદ બુંદી નીચે જમીન પર પડે તો પણ તેનું અવમૂલ્યન થતું નથી. તેમ આપણે પણ ઈશ્વરના જ અંશ છીએ, જીવન ઈશ્વરે આપેલો પ્રસાદ છે. જીવનમાં એક બે ભૂલ થાય, નિષ્ફળતા મળે કે જીવનમાં દુઃખ મળે જીવનની મીઠાશ ઓછી થતી નથી .તું ફરીથી જીવન હોશથી જીવ. મહેનત કર આગળ વધ. પૂજારીજીએ હતાશ માણસને સાચી સમજણ આપી અને તેનામાં હિંમત નો સંચાર કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.