‘કોઇ પણ વસ્તુ શીખવા માટેનું પહેલું પગલું છે કોઇ પણ વસ્તુ શીખવાની શરૂઆત કરવી.’પ્રોફેસરે વર્ગમાં કહ્યું અને પછી કહ્યું, ‘ચાલો, તમે બધા એક પેપર લો. આવનારા ત્રણ મહિનામાં તમારા ભણવાના કોર્સ સિવાય બીજું શું શીખવા માંગો છો તે લખો.’ અમુક લોકોએ તરત પેપર પર લખ્યું …અમુક લોકો વિચારતા જ રહ્યા પણ કંઈ લખી શક્યા નહિ અને અમુક લોકોએ પેપર અને પેન હાથમાં લીધા જ નહિ કારણ તેમને કંઈ શીખવું જ ન હતું. પ્રોફેસરે બધાનું વર્તન જોયા બાદ કહ્યું, ‘સૌથી પહેલાં જેણે કંઈ જ નથી લખ્યું અને લખવા માંગતા પણ નથી કારણ કે તેઓ બીજું કંઈ શીખવામાં રસ ધરાવતા નથી.
તેમના માટે કહીશ કે કૈંક ફરજીયાત શીખો, સમય ન બગાડો. આજનું શીખેલું આગળ કામ લાગશે. હવે બીજા ગ્રુપની વાત જેઓ કૈંક શીખવા માંગે છે પણ શું શીખવું તે વિષે વિચારતા જ રહી જાય છે અને કંઈ નક્કી કરી શકતા નથી અને શરૂઆત પણ કરતા નથી. તમે તમારી અંદર જુઓ, તમને શું ગમે છે તેમાંથી એક વસ્તુ શીખવાની શરૂઆત કરો.કોઈ લાઈફ સ્કીલ જે જીવનમાં દરેક તબક્કે જરૂરી છે તેમાંથી કૈંક શીખો.
બસ શરૂઆત કરો અને જે લોકો કંઈક શીખવા માંગે છે તેમને કહીશ, જે શીખવું છે તે શીખવાની શરૂઆત આજથી જ કરી દો અને જે કંઈ પણ શીખો તેમાં કંઈ ન આવડે ,ન ફાવે ,ન સમજ પડે તો નાસીપાસ થવું નહિ.’ એક છોકરીએ પૂછ્યું, ‘સર, ન આવડે તો નિરાશ તો થઈ જ જવાય ને. ક્યારેક તો આગળ વધવાની હિંમત પણ ન રહે.’પ્રોફેસર બોલ્યા, ‘કોઇ પણ વસ્તુ શીખવાની શરૂઆત પહેલું પગલું છે પણ કંઈ ન આવડવું ,સમજ ન પડવી ,અઘરું લાગવું , કયારેક નાપાસ પણ થવું, અસફળ થવું પણ એક સારો રસ્તો છે.’
પ્રોફેસરની આ વાત કોઈને સમજાઈ નહિ.
પ્રોફેસર આગળ બોલ્યા, ‘જુઓ, બધા મારી વાત બરાબર સમજજો.કોઈ નાનું છોકરું ચાલતાં શીખતું હોય ત્યારે તે ચાલતાં ચાલતાં પડી જાય પણ ઊભું થઈ ફરી ચાલે તો જ ચાલતાં શીખી શકે …સાઈકલ ચલાવતાં શીખીએ તો પડીએ પણ ખરા પણ ફરી ઊભા થઇ ફરી સાઈકલ ચલાવીએ તો આવડી જાય.એવી જ રીતે કંઈ પણ શીખવામાં અસફળ રહીએ તો હતાશ થઈને બેસવું નહિ.ફરી શરૂઆત કરવી કારણ કે અસફળતાથી પરેશાન થવું નહિ.વધુ મહેનત કરવાનો ,ભૂલમાંથી શીખવાનો, જાતને સંભાળીને આગળ શીખવાનો આ સૌથી સારો રસ્તો છે.’પ્રોફેસરે જીવનમાં નવું નવું શીખતાં રહેવાનો મંત્ર આપ્યો. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
.