શિષ્યે ગુરુને પૂછ્યું, ‘ગુરુજી, હું હંમેશા કોઈને પણ કહું છું કે હું માફ કરું છું. પરંતુ ખરી રીતે હું માફ કરી શકતો નથી. જ્યારે ધ્યાનમાં બેસું છું ત્યારે ભૂતકાળ યાદ આવે છે. ભૂતકાળમાં કે ગઈ કાલ સુધી મારી જોડે જે કંઈ પણ ખરાબ અને ખોટું થયું હોય તે યાદ આવે છે. આટલાં વર્ષોના ધ્યાનના અનુભવ છતાં સાચા હૃદયથી માફી આપી, હું કોઈની ભૂલ કે ખરાબ વર્તનને ભૂલી શકતો નથી.
‘માફ કરી દીધા’ એમ બોલવું સહેલું છે, પણ ખરી રીતે તેમ થઈ શકતું નથી, તો શું ગુરુજી, મારી આટલાં વર્ષોની મહેનત- તપસ્યા બધું વ્યર્થ છે? ગુરુજી, મને મદદ કરો કે સાચા અર્થમાં કોઈને પણ માફી કઈ રીતે આપી શકાય? કારણ કે હું માફ કરી શકતો નથી. ભૂલી શકતો નથી અને એટલે પીડા અને દુઃખ મને જ થાય છે.’ ગુરુજી બોલ્યા, ‘શિષ્ય વત્સ, તારો વાંક નથી. માફી આપવી ખૂબ જ અઘરી છે. જ્યાં સુધી તમે સામેવાળી વ્યક્તિને ગુનેગાર સમજો છો ત્યાં સુધી માફી આપવી લગભગ અશક્ય છે.’
શિષ્ય બોલ્યો, ‘ પરંતુ ગુરુજી, સામેવાળી વ્યક્તિએ કોઈ ભૂલ કે કોઈ ગુનો કર્યો હોય તો જ તેની માફી આપવાની હોય ને.’ ગુરુજીએ કહ્યું, ‘અહીં સૌથી પહેલાં આ જ વાત સમજવાની છે કે જે વ્યક્તિને તમારે માફી આપવાની છે તેને તમે ગુનેગાર ન સમજો. તેને તમે સંજોગોનો શિકાર સમજો તો તમે તેને તરત જ નજરઅંદાજ કરી શકશો.’ શિષ્યે કહ્યું, ‘ ગુરુજી આ સમજાય છે પરંતુ હકીકતમાં કરવું બહુ અઘરું છે.’
ગુરુજીએ કહ્યું, ‘જો હું તને સહેલી રીત સમજાવું, તું જેને માફ કરવા ઈચ્છે છે તેને પોસ્ટમેન સમજ.‘પોસ્ટમેન’ જેમ તને તારો પત્ર કે પાર્સલ આપે છે. તેમ જ સમજ કે જે તારાં કર્મો પ્રમાણેનું ફળ છે. તે જ તને આ વ્યક્તિ પોસ્ટમેન બનીને આપી રહ્યો છે. જેમ પોસ્ટમેન પત્ર અને પાર્સલ આપી તરત જ ચાલ્યો જાય છે પછી તું તેને યાદ નથી રાખતો. યાદ રાખે છે પત્ર કે પાર્સલને તેમજ જે વ્યક્તિ તારી જોડે ખરાબ વર્તન કરે છે તેને તો ભૂલી જાવ.
પોસ્ટમેન જેમ ચાલ્યો જાય છે તેમાં પોસ્ટમેનને પણ મગજમાંથી ભૂંસી નાખ. તેને તારી સાથે જે ખરાબ વર્તન કર્યું તે આપણાં જ કોઈ કર્મનું ફળ હશે તેવું વિચાર કર, તો તું માફી આપી શકીશ.શિષ્યે ગુરુજી પાસેથી માફ કરવાની નવી રીત સમજી. નવી રીત શીખી અને પછી તેને તેના પર અમલ કરવાનું નક્કી કર્યું. ગુરુજીને વંદન કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
