એક વિશાળ કન્ટેઇન શિપ આજે પાંચમા દિવસે પણ ઇજિપ્તની સુએઝ કેનાલમાં ફસાયેલું હતું, જે જહાજને મુક્ત કરવા માટે અને વૈશ્વિક વહાણવટા માટેના અગત્યના પૂર્વ-પશ્ચિમ જળમાર્ગને ફરી ખોલવા માટે સત્તાવાળાઓ નવા પ્રયાસો કરવા માટે તૈયાર થયા હતા.
પનામાનો ધ્વજ ધરાવતું ધ એવર ગિવન નામનું આ જહાજ મંગળવારે આ સાંકડી નહેરમાં ચકરી ખાઇને ફસાઇ ગયું હતું. એશિયા અને યુરોપ વચ્ચે માલસામાનનું પરિવહન કરતું આ વિશાળ જહાજ સુએઝ શહેર નજીક નહેરના દક્ષિણી પ્રવેશદ્વારથી લગભગ છ કિલોમીટર ઉત્તરે એક સાંકડી સિંગલ લેન સ્ટ્રેચમાં ફસાઇ ગયું છે.
આ જહાજના ટેકનીકલ મેનેજર બર્નહાર્ડ શટલ શિપમેનેજમેન્ટે જણાવ્યું હતું કે આ જહાજને મુક્ત કરાવવાના પ્રયાસો શુક્રવારે પણ નિષ્ફળ રહ્યા હતા. જહાજની અંદરની જગ્યાઓમાં ભરાયેલું પાણી પમ્પ વડે ઉલેચવા માટેની યોજનાઓ બનાવવામાં આવી હતી અને આ જહાજને ખસેડવાના પ્રયાસો કરી રહેલી અન્ય નૌકાઓની મદદમાં અન્ય બે ટગ નૌકાઓ રવિવારે આવી પહોંચે તેવી શક્યતા છે.
સુએઝ કેનાલ ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે મોટી ભરતી ઓસરે તે પછી આ જહાજને મુક્ત કરાવવા માટેના ઓછામાં ઓછા બે પ્રયાસો શનિવારે કરવાનું તેમણે આયોજન કર્યું હતું, પણ આ બાબત ભરતીના ઓસરવા પર આધાર રાખે છે.
ઇજિપ્શ્યન સત્તાવાળાઓએ આ સ્થળે મીડિયાને આવવાની મનાઇ ફરમાવી છે પરંતુ કેનાલ ઓથોરીટીના વડા લેફ. જનરલ ઓસામા રાબેઇ સુએઝ શહેરમાં એક પત્રકાર પરિષદ યોજશે એમ જણાવાયું હતું. દરમ્યાન આ જહાજને બહાર કાઢવા માટે એક સાલ્વેજ કંપની બોસ્કાલિસને કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીના સીઇઓ પિટર બેર્ડોવસ્કીએ જણાવ્યું હતું કે
અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના વ્યાપારી જહાજોના દસ ટકા જેટલા જહાજો સુએઝ નહેરના માર્ગેથી પ્રવાસ કરે છે. અનેક જહાજો હાલ બીજા માર્ગે વાળવામાં આવી રહ્યા છે. ભારે ટગબોટો, ડ્રેજીંગ અને મોટી ભરતીના સંકલન વડે આ જહાજને થોડા દિવસોમાં બહાર કાઢવાની આશા છે. આ જહાજનો આગળનો ભાગ સમુદ્રના છીછરા તળિયાની નીચેની રેતીમાં ફસાઇ ગયો છે.
આ જહાજને કાઢવા માટે હાલની ટગ બોટોની મદદમાં અન્ય ટગ બોટો બોલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત દરિયાના તળિયામાં ડ્રેજિંગ કરીને રેતી ઓછી કરવાનું કામ પણ હાથ ધરવામાં આવશે અને તે સાથે મોટી દરિયાઇ ભરતીના ધક્કાનો લાભ લેવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
આ રીતે જહાજને મુકત કરાવવાની આશા છે પરંતુ જો આ પ્રયાસો સફળ નહીં થાય તો જહાજના આગળના ભાગેથી સેંકડો કન્ટેઇનરો દૂર કરવાની પણ યોજના છે. આ કન્ટેનરો ઉંચકીને અન્ય જહાજમાં ગોઠવવા માટે એક ક્રેઇન આવી રહી છે એમ જણાવવામાં આવ્યું છે. આગામી સપ્તાહ દરમ્યાન આ જહાજ મુક્ત થઇ જવાની આશા છે.