Comments

સૌરાષ્ટ્રના વિકાસ માટે વૉટરગ્રીડ એક રામબાણ ઈલાજ

સૌરાષ્ટ્રમાં પાણીની અછત લગભગ સામાન્ય છે. સ્વતંત્રતા પછી સૌરાષ્ટ્રમાં 14 વખત પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પાણી માટે મોટાં રમખાણો અને ગોળીબારો પણ થયા છે. ઓછો વરસાદ થાય ત્યારે પાણીના અભાવે, સૌરાષ્ટ્રમાં આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસ પાંખો પડે છે અને સારા વરસાદે જનજીવન ધબકતું થાય છે, જે અનેક અભ્યાસોમાં નોંધાયું છે.  સૌરાષ્ટ્રની ભૌગોલિક રચના ઊંધી રકાબી જેવી છે. આથી વરસાદનું પાણી ઝડપથી સમુદ્રમાં વહી જાય છે. જંગલોનો નાશ થતાં જમીનની ભેજગ્રહણક્ષમતા પણ ઘટી છે.

વરસાદ સારો હોય તો પણ પાણીના સંગ્રહની પૂરતી વ્યવસ્થા ન થતાં ગરમી શરૂ થતાં પાણીના પ્રશ્નો સર્જાય છે. સૌરાષ્ટ્રમાં પાણીની જરૂરિયાત કરતાં પાણીનો પુરવઠો ઘણો ઓછો છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં પાણીની જરૂરિયાત કરતાં પાણીનો પુરવઠો વધારે છે. આથી સૌરાષ્ટ્રની જળસમસ્યાનો એક વૈકલ્પિક ઉકેલ એ છે કે દક્ષિણ ગુજરાતની કેટલીક નદીઓનું પાણી નર્મદાની લખતર કેનાલ દ્વારા નળ સરોવરમાં ઠાલવીને પેટા શાખાઓ દ્વારા સૌરાષ્ટ્રને પીવા માટે, ખેતી અને ઉદ્યોગ માટે આપવામાં આવે.

સૌરાષ્ટ્રના ખેડૂતો નહેર દ્વારા પાણી ન મળતાં બોર કરીને પેટાળના પાણીને ઉલેચે છે. સૌરાષ્ટ્રની 85 % સિંચાઈ ભૂગર્ભજળ આધારિત છે. મોટા ભાગના ડેમો શહેરોની પીવાની પાણીની જરૂરિયાત માટે અનામત રાખવામાં આવે છે. આથી ખેડૂતો વધારે ઊંડા બોર કરીને પાણી મેળવે છે. સૌરાષ્ટ્રમાં ખેડવાલાયક જમીન 40 લાખ હેકટર છે. આ જમીન ઉપર 6.3 લાખ કૂવાઓ અને 7.22 લાખ બોર છે. આનો અર્થ એ થાય કે સરેરાશ 5.5 હેકટરે એક કૂવો અને દર 4 હેકટરે એક બોર છે. 10 વર્ષ પહેલાં 200 – 250 ફૂટની ઊંડાઈના બોર થતા હતા. આજે 350 થી 400 ફૂટની ઊંડાઈએ બોર પહોંચે છે.

સૌરાષ્ટ્રના 8 જિલ્લાઓમાં વર્ષ 2011 માં ભૂગર્ભજળ ખેંચવા માટે 82,864 ઓઇલ એન્જિનો અને 43,594 ઈલેક્ટ્રિક મોટર હતા, જે આજે 7 લાખ કરતાં વધારે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લાં 2 – 3 વર્ષમાં 18,000 ઉપરાંત ચેકડેમો બન્યા છે. ચેકડેમોમાં જ્યાં પાણી ભરાયાં છે ત્યાં તેની સારી અસરો પણ છે, પરંતુ વરસાદ અપૂરતો હોય અને દુષ્કાળનું સતત પુનરાવર્તન થતું હોય ત્યારે માત્ર ચેકડેમો અને સિંચાઈ યોજનાના બંધો પર આધાર ન રાખતાં વિકાસની માંગને અનુરૂપ વિકલ્પમાં પણ જવું હિતાવહ બને છે.

ગુજરાત રાજ્યમાં 2 કરોડ કરતાં વધારે લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરે છે અને બીજી તરફ વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે. ઉદાહરણ રૂપે તા.18 થી 21 ઓગસ્ટ 2021 ના માત્ર 4 દિવસોમાં જ દક્ષિણ ગુજરાતની મુખ્ય નદીઓમાં ઓવરફલોથી 2,47,000 લાખ ઘન મીટર પાણી દરિયામાં વહી ગયેલું. દરિયામાં વહી ગયેલા વરસાદના 4 દિવસના પાણીમાંથી ગુજરાતીઓની 6 વર્ષો સુધી તરસ છિપાવી શકાઈ હોત. ત્યારે પ્રશ્ન થાય કે નર્મદા, તાપી અને દક્ષિણ ગુજરાતની અન્ય નદીઓનાં પૂરનાં પાણી સૌરાષ્ટ્રમાં ન લાવી શકાય? નર્મદાનાં પૂરનાં પાણીમાંથી અમુક ભાગ વૉટરગ્રીડ દ્વારા સૌરાષ્ટ્રને આપવાની વાત વિચારણા માગે છે.

નર્મદા યોજનાને જીવાદોરી કહેવામાં આવે છે. આમ છતાં નર્મદા યોજનાથી સમગ્ર સૌરાષ્ટ્રના પાણીનો પ્રશ્ન હલ થવાનો નથી. નર્મદા યોજનાના સિંચાઈના લાભોથી સૌરાષ્ટ્રનો આશરે 90 % વિસ્તાર વંચિત રહેશે. સૌરાષ્ટ્રના 4,250 ગામો અને 60 શહેરોની 1.5 કરોડની જનતાને નર્મદા યોજનાથી લાભ મળવાનો નથી. આથી સરદાર સરોવર ડેમની લખતર કેનાલથી નળ સરોવર સુધી આવતી નર્મદા કેનાલની વહનશક્તિ વધારી ધોળી ધજા ડેમ અને ત્યાર બાદ 18 મીટર સુધી પાણી લિફટ કરીને ચોટીલા પાસે સંપમાં સંગ્ર•હ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 શાખાઓ દ્વારા રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને જામનગર જિલ્લાની ખેતીને આવરી લેવાશે.

ભારતના ચેરાપુંજી પ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડે છે. છતાં ત્યાં 6 માસ પછી પીવાના પાણીના ગંભીર પ્રશ્નો ઊભા રહે છે. તેમ હવે ભૂજમાં પણ વરસાદનું પ્રમાણ વધતું જાય છે ત્યારે સવાલ એ નથી કે કેટલો વરસાદ પડે છે પણ સવાલ એ છે કે વરસાદના પાણીનો સંગ્રહ થાય છે કે કેમ? સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદ અપૂરતો છે, પાણીની અછત કાયમી છે. 80 % ભૂગર્ભ જળનો ખેતી અને પીવામાં ઉપયોગ થાય છે. આથી સમુદ્રનાં ખારાં પાણીએ કિનારાથી 23 Km કરતાં વધારે આગળ વધી લાખો કૂવાઓ, ટયૂબવેલોને ક્ષારયુકત બનાવી દીધા છે.

સૌરાષ્ટ્રના પાણીમાં ફલોરાઈડનું પ્રમાણ વધતાં માનવી અને પશુઓ રોગના ભોગ બને છે. આ સંદર્ભમાં પણ સૌરાષ્ટ્રમાં વૉટરગ્રીડ કાર્યાન્વિત થાય તો ખારાં પાણી આગળ વધતાં અટકશે અને ખેતીની જમીન ખારી થતી અટકશે. આર્થિક લાભની રીતે જોઈએ તો પણ સૌરાષ્ટ્ર માટે વૉટરગ્રીડ જેવી બીજી કોઈ સક્ષમ યોજના નથી. કારણ કે અછતના સમયમાં સરકાર દુષ્કાળ રાહત અને પાણી પુરવઠા માટે 4 – 6 માસ દરમ્યાન “ 11,000 કરોડ ખર્ચે છે. આટલા ખર્ચમાં તો સૌરાષ્ટ્ર વૉટરગ્રીડ તૈયાર વૉટરગ્રીડ માટે મોટે ભાગે સૌરાષ્ટ્રમાં જે કેનાલો અને ઉપકેનાલો તૈયાર કરાઈ છે તેનો જ ઉપયોગ કરવાનો છે.

સૌરાષ્ટ્રની 41,76,000 હેકટર જમીનમાંથી માત્ર 40 % ખેતીની જમીનને વૉટરગ્રીડનો લાભ મળે તો પણ સૌરાષ્ટ્રમાં હરિયાળી ક્રાંતિ થશે. 16,70,760 હેકટર જમીન લાભાન્વિત થશે. ખેત ઉત્પાદનમાં વાર્ષિક “ 6,000 કરોડના મૂલ્યનો વધારો થશે. 33 લાખ લોકોને કાયમી રોજગારી મળી શકશે. રાજ્ય સરકારને વાર્ષિક “ 1200 કરોડની મહેસૂલ મળશે. “ 3,000 કરોડની નિકાસ શક્ય બનશે. ખેતીના ઉત્પાદનમાં વધારો થવાથી ઉદ્યોગો અને વ્યાપારની આવકમાં વધારો થશે. જંગલોનો વિકાસ અને વિસ્તાર થશે. પર્યાવરણની સમતુલા જળવાશે અને પ્રવાસન વિકસશે.

વૉટરગ્રીડના નિર્માણમાં સૌરાષ્ટ્રની ખમીરવંતી જનતા અને સંગઠનો પાછી પાની નહીં કરે તો વૉટરગ્રીડ માટે સંસાધનો કે નાણાંના પ્રશ્નો નથી રહેવાના. જળક્રાંતિ જલમંદિરો સર્જવા માટે ગામેગામ લોકો એકત્ર થાય, ગામેગામ જનચેતના પ્રસરે તે જરૂરી છે. જૂનાગઢ તાલુકાનું જામકા ગામ સૌરાષ્ટ્રનું જળતીર્થ બન્યું છે. કારણ કે ત્યાં દેશમાં પ્રથમ વાર સરકારી સહાય વિના લોકફાળા અને લોકશ્રમથી ઓછા ખર્ચમાં નવી ડિઝાઈનથી 82 ચેકડેમો અને 12 તળાવોનું નિર્માણ થયેલ છે. આ પ્રકારનો બીજો સફળ પ્રયોગ ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામે થયો છે. ગામમાં 180 દિવસ અને 75 રાત્રિના લોકશ્રમદાનથી 17 વિશાળ ચેકડેમો, 4 તળાવોનું નિર્માણ થયું છે.

તો મહુવામાં ગ્રામનિર્માણ સંઘે માલણ નદી ઉપર 32 ચેકડેમો બનાવી ડુંગળીના ખેડૂતોને બેઠા કર્યા છે. આ પ્રયોગોના લીધે લાભાર્થી ખેડૂતનું 1.5 થી 2 લાખ રૂપિયાનું ખેત ઉત્પાદન વધ્યું છે. ઉપરાંત ઉનાળામાં પણ કૂવાઓ પાણીથી ભરેલા રહે છે. સૌરાષ્ટ્રમાં જે એકલદોકલ ગામોમાં બન્યું છે, તે કામને હવે સાર્વત્રિક બનાવવા ગામેગામ જાગૃતિ આવે, સૌરાષ્ટ્રની નદીઓને પરસ્પર જોડી તેમાં નર્મદાની નહેર દ્વારા દક્ષિણની નદીઓના દરિયામાં વહી જતાં પાણીને ઠાલવવામાં આવે, શ્રેષ્ઠીઓ અને મહાજનો દેવીદેવતાના સ્થળે જળમંદિરો બાંધવા તત્પર થાય તો સૌરાષ્ટ્ર નંદનવન બની જાય.
– ડૉ. નાનક ભટ્ટ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top