સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) લીધે સમગ્ર રાજ્યમાં સત્તા પક્ષ ભાજપ સહિતના તમામ પક્ષો જોરશોરથી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ અડધું સુરત શહેર પાયાની જરૂરિયાત માટે રીતસર વલખાં મારી રહી છે. સ્માર્ટ સિટી સુરતમાં બે દિવસથી પાણી કાપ મુકાયો છે. વરાછા, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના મોટા ભાગના વિસ્તારમાં બે દિવસથી પાણી આવી રહ્યું નથી. બુધવારે તો લોકોએ પાણીનો સંગ્રહ કર્યો હતો તેથી તકલીફ ઓછી પડી પરંતુ સતત બીજા દિવસે પાણી કાપ હોવાથી લોકો ગુરુવારે ખૂબ હેરાન થયા હતા.
(Surat) લિંબાયત ઝોનમાં (Limbayat) ડુંભાલમાં નવી પાણી લાઈનનું નેટવર્ક (Water Network) જોડવાની કામગીરીને લઈ બુધવારે વરાછા, લિંબાયત અને સેન્ટ્રલ ઝોનના મોટા ભાગના વિસ્તારોમાં પાણીકાપ મુકાયો હતો. જેને લઈ આ વિસ્તારના લોકોએ દિવસભર પાણી માટે રીતસર વલખા માર્યા હતા. મનપા દ્વારા આ અંગે આગોતરી જાણ કરવામાં આવી હતી. જેને લઈ ઘણા લોકોએ પાણી સંગ્રહ કરી રાખ્યો હતો. પરંતુ ઘણા લોકોને જાણ નહીં રહેતા પાણી માટે ફાંફાં માર્યા હતા અને ટેન્કરો બોલાવવાની ફરજ પડી હતી. મનપા દ્વારા આ લાઈનની કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહી છે પરંતુ હજી આવતીકાલે પણ લિંબાયત, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં અસર રહેશે તેમ મનપા દ્વારા જણાવાયું છે.
આ વિસ્તારોમાં પાણી કાપ
ડુંભાલની સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ, અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, કાપોદ્રા તેમજ ઉમરવાડા, દિલ્હીગેટથી ચોક બજાર, મહીઘરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, શાહપોર, નાણાવટ અને કતારગામ ઝોનના સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટલાવાડી, પરવત પાટીયાથી ડુંભાલ લિંબાયત જળ વિતરણ મથક સુધીના વિસ્તાર, ગોપાલનગર, ડીમ્પલનગર, જે.કે. નગર, જલારામ નગર, ઓમનગર, લિંબાયત ઝોન ઓફિસની આજુબાજુનો વિસ્તાર, લિંબાયત નીલગીરી સર્કલ, મહાપ્રભુનગર સર્વે 1 અને 2, સંજયનગર, રણછોડ નગર, શ્રીનાથ નગર 1, 2, 3 અને 4, ત્રિકમ નગર, રામેશ્વરનગર, રેલ્વે ફાટક પાસેનો વિસ્તાર, સાંઈપુજન રેસીડેન્સી, નવાગામ શિવીરાનગર, ખોડીયારનગર, સીતારામનગર, નંદનવન, શીકેસ એવન્યુ, કેવી રેસીડન્સી, આંબેડકર આવાસ, ઉમિયાનગર-1, 2 હાઉસીંગ બોર્ડ, સાંઈકૃપા કોમ્પલેક્ષ, શ્રમજીવી વસાહત, સોનિયા નગર, સિલ્વર ડાઈન, રાજ્ય નગર, સિધ્ધિ વિનાયક-1 વગેરે વિસ્તારોમાં ગુરૂવારે પણ પાણી પુરવઠો ખોટકાશે તેમ જણાવાયું છે.