વીતેલા ત્રણ દિવસથી વરસતા વરસાદના લીધે દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતો ઉકાઈ ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના લીધે ડેમની સપાટી સતત વધી રહી હોય આવે તેટલું પાણી ડેમમાંથી છોડવાનું શરૂ કરાયું છે. તેના પગલે ઉકાઈ ડેમથી સુરત શહેર સુધી તાપી બે કાંઠે વહી રહી છે. પરિણામે સુરતમાં કોઝવે પરથી પાણી વહી રહ્યું છે. સપાટી 7 મીટરથી વધુ હોવાથી કોઝવે અવરજવર માટે બંધ કરવો પડ્યો છે.
આ સાથે જ પાલિકાએ નદી કિનારાના નીચાણવાળા વિસ્તારો જેમ કે, રાંદેર, સિંગણપોર, કતારગામ અને જહાંગીરપુરાના રહીશોને સાવચેત રહેવા સૂચના આપી છે.
ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જેની સામે ડેમની સપાટી હાલમાં 345.02 ફૂટ પર પહોંચી છે. આમ ડેમમાં પાણીનો ભરાવો ભયજનક સપાટીથી વધુ થયો છે. ડેમની સપાટી જાળવી રાખવા ડેમમાંથી સતત 46,418 ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.